સુરત : સિવિલમાં સારવાર લઈ રહેલા પોઝિટિવ દર્દીના અંતિમ સંસ્કાર કરી દેવાયા છતાં મૃતકના પરિવારને જાણ સુધ્ધાં ન કરાઈ

0
6

સુરત. કોરોના દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે તંત્ર દ્વારા લાપરવાહી આચરવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનું મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યાં તેમ છતાં દર્દીના પરિવારને જાણ સુધ્ધાં ન કરવામાં આવી હોવાનું પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું છે.

કોરોનાની સારવાર દરમિયાન દિલીપભાઈ ગોંડલીયાનું અવસાન થયું હતું (ફાઈલ તસવીર)

 

17મીથી દાખલ હતા દર્દી

કતારગામ વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા દિલીપભાઈ મગનભાઈ ગોંડલીયા રત્નકલાકાર તરીકે કામ કરતાં. તેમને 17મીના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 24મીની રાત્રે 11 વાગ્યે પરિવારના સભ્યોએ દિલીપભાઈ સાથે વાત કરી હોવાનું કહેતા મૃતકના ભત્રિજા કિશન ગોંડલીયાએ કહ્યું કે, 25મીએ બપોરે એક વાગ્યે તેઓ દર્દીને મળવા ગયા ત્યારે ખબર પડી કે તેમનું મોત તો સવારે સાડા પાંચ વાગ્યે થઈ ગયું છે અને અંતિમ સંસ્કાર પણ એકતા ટ્રસ્ટ દ્વારા કરી દેવામાં આવ્યાં છે. મૂળ ગીર સોમનાથના રહેવાસી દિલીપભાઈને બે સંતાનો છે જેઓ અસ્થિ માટે ટ્રસ્ટની ઓફિસ પહોંચ્યા હતા અને સિવિલ તંત્રની બેદરકારી અંગે સવાલો ઉઠાવ્યાં હતાં.

મોબાઈલ સ્વિચ ઓફ આવતા તપાસ કરી

કિશન ગોંડલીયાએ કહ્યું હતું કે, અમે 24મીએ વાત કરેલી પછી 25મીએ ફોન સ્વિચ ઓફ આવતો હતો એટલે અમે મૂંજવણમાં મુકાયા હતાં. બાદમાં ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડી કે અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે. ઘટનાને બે દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધીએ કોઈ ફોન કરીને જાણ કે હોસ્પિટલમાંથી ઘરે કોઈને જાણ કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here