ગત 10 જાન્યુઆરીના રોજ હ્રદયરોગનો હુમલો આવતા અમદાવાદના રેન્જ આઈજી કે.જી.ભાટીનું અવસાન થયું હતું. ત્યાર બાદ તેમના સ્વજનોની આવવાની રાહ હોવાથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નહોતા. જો કે આજે તેમના મૃતદેહને અમદાવાદ જિલ્લાના હેડક્વાર્ટર(મકરબા) ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઑનર આપ્યું હતું. આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કે.જી. ભાટીના નશ્વરદેહને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ તેમના મૃતદેહને તેમના વતન લઈ જવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે.


કેસરીસિંહને પોલીસ સેવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પોલીસ મેડલથી પણ નવાજવામાં આવ્યા હતા
1999ની બેચના IPS કેસરીસિંહ ભાટીનો વર્ષ 1963માં જન્મ થયો હતો. તેઓ રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર ફરજ બજાવી ચુક્યા છે. IPS કેસરીસિંહ ભાટીએ તેમના કાર્યકાળ દરમિયાન વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશ્નર- ટ્રાફિક તરીકે ફરજ નિભાવી હતી. આ સમયે તેમને પોલીસ સેવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પોલીસ મેડલથી પણ નવાજવામાં આવ્યા હતા. વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનરના ચાર્જ સંભાળ્યા પહેલા તેઓ કોસ્ટલ સિક્યુરિટી અને ઇન્ટેલિજન્સ ઉપરાંત હ્યુમન રાઈટ્સના આઇજી ફરજ બજાવતા હતા. 5 વર્ષ બાદ તેમને વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા હતા.
