Friday, February 14, 2025
HomeગુજરાતBHAVNAGAR : ગઢડા ન.પા. વોર્ડ નં.1 માં કોંગ્રેસે લડયાં પહેલા જ હાર...

BHAVNAGAR : ગઢડા ન.પા. વોર્ડ નં.1 માં કોંગ્રેસે લડયાં પહેલા જ હાર સ્વીકારી

- Advertisement -
ગઢડા નગરપાલિકાના વોર્ડ નં.૧ની ચૂંટણીમાં કોંગ્રેસે લડયાં પહેલા શરણાગતિ સ્વીકારી લીધી છે. ચારમાંથી બે બેઠક પર કોંગ્રેસે મેદાનમાં ઉતરવાની તસ્દી લીધી ન હતી અને હવે જે બે ઉમેદારી પત્રકો ભર્યા હતા. તે બન્ને પણ પાછા ખેંચી લેતા કોંગ્રેસે ચૂંટણી લડયાં પહેલા જ હાર સ્વીકારી લેતા ભાજપની પેનલ બિનહરીફ થઈ હતી.

ગઢડા નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકમાંથી વોર્ડ નં.૧ માટે કોંગ્રેસના ફક્ત બે ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. પરંતુ છેવટે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવનાર વિઠ્ઠલ હીરાભાઈ પરમાર અને ચંદ્રિકાબેન અરવિંદભાઈ મકવાણાએ આજે સોમવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપની પેનલ ચૂંટણી લડયાં વિના જ બિનહરીફ થઈ છે. કોંગ્રેસની પીછેહઠના કારણે વોર્ડ નં.૧માં ભાજપના કિશોર ખાચર, કાંતિ તેજાણી, દીપ્તિબેન ઉંડવિયા અને રાધાબેન સોલંકીની પેનલ બિનહરીફ થવા પામી છે. આમ, ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીએ સોગઠી મારતા ચૂંટણી પહેલા કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા અને ભાજપની છાવણીમાં આનંદની લહેર સાથે સમર્થકોએ મોં મીઠા કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે, ફોર્મ ચકાસણીના દિવસે નવ ફોર્મ અમાન્ય ઠર્યા હતા. આવતીકાલે ઉમેદવારી પાછી ખેંચવાનો દિવસ હોય, બાકી રહેતા તમામ વોર્ડના ફાઈનલ ઉમેદવારોની યાદીનું ચિત્ર કાલ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular