ગડકરીએ કહ્યું-સરકાર ખેડૂતો સાથે અન્યાય નહીં કરે

0
20

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 20મો દિવસ છે. ખેડૂત યુનિયન પોતાની માગ માટે પીછેહઠ કરવા માટે તૈયાર નથી. આજે બપોરે 3 વાગ્યાથી ખેડૂત સંગઠનોના સંયુક્ત મોરચાની બેઠક થશે, જેમાં એક સપ્તાહની રણનીતિ પર ચર્ચા થશે. આ બધાની વચ્ચે સરકારે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર હોવાની વાત કહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું- અમુક એવા લોકો છે જે પ્રદર્શનનો ખોટો ઉપયોગ કરીને ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે. સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે.

ગડકરીએ કહ્યું- ખેડૂતોએ ત્રણ ખેડૂત કાયદાને સમજવા જોઈએ. સરકાર ખેડૂતો માટે સમર્પિત છે. તેમનાં તમામ સૂચન માનવા માટે તૈયાર છું. અમારી સરકારમાં તેમના સાથે કોઈપણ પ્રકારે અન્યાય નહીં થાય. આ કાયદા વિશે જણાવીશું અને વાતચીતનો રસ્તો કાઢીશું.

અમે ખેડૂતોના હિતમાં કામ કરી રહ્યાં છીએઃગડકરી…
તેમણે કહ્યું કે, જો વાતચીત નહીં થાય તો બન્ને બાજુ ખોટી વાતો જશે, વિવાદ ઊભો થશે અને ઘર્ષણ વધશે. જો વાતચીત થશે તો આ મુદ્દેનો નિવેડો લાવી શકાશે. બધું ખતમ થઈ જશે. ખેડૂતોને ન્યાય મળશે, તેમને રાહત મળશે. અમે ખેડૂતોના હિત માટે કામ કરી રહ્યાં છીએ, હાલ દેશમાં 8 લાખ કરોડ રૂપિયાનું ક્રુડ ઓઈલ ઈમ્પોર્ટ થાય છે. જેના બદલામાં આપણે 2 લાખ કરોડ રૂપિયાની એથેનોલ ઈકોનોમી બનાવવા માંગીએ છીએ. હાલના સમયમાં આ માત્ર 20 હજાર કરોડ રૂપિયાનો છે. જો આ 2 લાખ કરોડ રૂપિયા થઈ જાય તો 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખિસ્સામાં જશે.

અન્ના હજારે ખેડૂતોના આંદોલનમાં નહીં જોડાયઃગડકરી…
ગડકરીએ કહ્યું કે, મને નથી લાગતું કે અન્ના હજારે જી ખેડૂતોના આંદોલનમાં જોડાશે. અમે ખેડૂત વિરુદ્ધ કંઈ પણ નથી કર્યું. આ ખેડૂતોનો હક છે કે તે તેમના પાકને મંડીમાં વેચે, વેપારીઓને વેચે કે પછી બીજે ગમે ત્યાં. જો કે, સોમવારે સોશિયલ એક્ટિવિસ્ટ અન્ના હજારેએ સરકારને ખેડૂતોની માગ સ્વીકારવા માટે કહ્યું હતું. તેમણે સરકારને સ્વામીનાથન પંચની ભલામણ મંજૂર કરવા માટે એક ચિઠ્ઠી લખી હતી. હજારેએ કહ્યું હતું કે, જો સરકાર આ વાતોને નહીં સ્વીકારે તો તે ખેડૂતોના સમર્થનમાં અનશન કરશે.

10 ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાનું સમર્થન કર્યુ…
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને કહ્યું કે, ઉત્તર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, બિહાર અને હરિયાણાના 10 ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાને યોગ્ય ગણાવ્યા છે અને તેમનું સમર્થન કર્યું છે. આંદોલન કરી રહેલા ખેડૂતો માટે તોમરે કહ્યું કે, અમે વાતચીત માટે તૈયાર છીએ. તે અમારા પ્રસ્તાવ અંગે તેમનો વિચાર જણાવે તો અમે નિશ્વિત રીતે આગળ વાતચીત કરીશું

ખેડૂતોએ રસ્તા જામ કરવા માટે માફી માગી…
ખેડૂતોએ સોમવારે લોકોને થઈ રહેલી હેરાનગતિ માટે માફી માગી. ખેડૂતોએ દિલ્હી-જયપુર હાઈવે પર રસ્તામાં લોકોને હિન્દીમાં લખેલી ચિઠ્ઠી વહેંચી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, દરરોજ કામ કરતા લોકો માટે મુશ્કેલી બનવું અમારો હેતુ નથી. અમે મજબૂરીમાં અહીં બેઠા છીએ. અમે પ્રદર્શનના કારણે તમને થયેલી હેરાનગતિ માટે હાથ જોડીને તમારી માફી માગીએ છીએ.

ખેડૂત પ્રતિનિધિ કાયદાના સમર્થનમાં-પીયૂષ ગોયલ…
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, દેશના ખેડૂત મોદી સરકારના કૃષિ કાયદાનું મહત્વ સમજે છે. રાજ્યના ખેડૂત પ્રતિનિધિઓએ કહ્યું કે, પંજાબનું આંદોલન રાજકારણથી પ્રેરિત છે. કોઈ પણ કિંમત પર આ કાયદો પાછા ન લેવા જોઈએ.

તો આ તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, એગ્રીકલ્ચર એક મહત્વનું સેક્ટર છે, જેમાં વિપરીત નિર્ણય લેવાનો સવાલ જ નથી ઉઠતો. હાલ સુધારા ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here