ગાંધીધામઃ સંકુલમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે જેમાં ગત સાંજે આંગડિયા પેઢીનો કર્મચારી ઇફ્કો રોડ પર પોતાનું એક્ટિવા ઉભું રાખી ખારેક લેવા ગયો એટલી વારમાં તેની એક્ટિવાની ડીકીમાં રાખેલા રૂ.38,00,000 ની રોકડ અને હિસાબની ચિઠ્ઠી કોઇ ઉપાડી ગયું હોવાની ફરીયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
મુળ પાટણના માતપુર ગામના હાલે અંજારના મેઘપર કુંભારડીના ગોલ્ડન સીટીમાં રહેતા અને 13 વર્ષથી ગાંધીધામના આર.કે.ચેમ્બરમાં આવેલી અશોકકુમાર કાન્તિલાલની આંગડિયા પેઢીમા નોકરી કરતા 36 વર્ષીય સુનિલકુમાર ચંદુલાલ પટેલે ફરીયાદ નોંધાવી છે કે, ગત સાંજે સાત વાગ્યાના આરસામાં આંગડિયા પેઢીની રકમનો તેની સાથે કામ કરતા નિતિન સાથે હીસાબ કરી રૂ.2,000 ના દરની નોટના 37 બંડલ, રૂ.500ની દરનું એક બંડલ તેમજ રૂ.100 ની દરના બંડલ મળી કુલ રૂ.38,00,000ની રકમ અને હિસાબની ચિઠ્ઠી એક પર્સમાં રાખી હંમેશ મુજબ પોતાની જીજે-12-સીએચ-6376 નંબરની એક્ટિવાની ડિક્કીમાં રાખી ઓસ્લો સર્કલથી સુંદરપુરી વાળા ઇફ્કો રોડ પર આવેલા ભચીબા ખારેકની રેકડી વાળા પાસે એક્ટિવા ઉભું રાખી એક કિલો ખારેક લઇ ડીક્કીમાં રાખવા ગયો ત્યારે ડીક્કીમાં રૂ.38 લાખ રોકડ અને હીસાબની ચિઠ્ઠી ભરેલું પર્સ જોવામાં ન આવતાં આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
એક્ટિવાની ડીક્કી ખુલ્લી હતી કે બંધ?
ખારેક લઇને આવે એટલીવારમાં એક્ટિજવાની ડીક્કીમાંથી રૂ.38 લાખની રોકડ અને હિસાબની ચિઠ્ઠી રાખેલું પર્સ ઉપડી ગયું હોવાની ફરીયાદ નોંધાવનાર આંગડિયા પેઢીના કર્મચારી સુનિલકુમારે પોતાની ફરીયાદમાં જણાવ્યું છે કે, તે રોજ બાકીનો પેઢીનો હિસાબ પોતાની એક્ટિવાની ડીક્કીમાં રાખી ઘરે લઇ જતો સાથે તેણે એવું પણ લખાવ્યું છે કે એક્ટિવાની ડીક્કી ક્યારેક બંધ થતી ક્યારેક બંધ ન થતી ત્યારે શું આ બનાવ બન્યો ત્યારે ડીક્કી ખુલ્લી હતી? અને તેમણે ફરીયાદમાં ખારેક લેવા ગયા ત્યારે ચાવી એક્ટિવામાં જ રાખી હોવાનું જણાવ્યું છે.