ગાંધીનગર : IAS દહિયાને બરતરફ કરવા તપાસ સમિતિનું સરકારને સૂચન

0
25

ગાંધીનગર: 2010ની બેચના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની યુવતીએ કરેલાં છેતરપિંડી, લગ્નેત્તર સંબંધો અને ધાકધમકીના આક્ષેપોની તપાસ કરતી સમિતિએ સરકારને સોંપેલા અહેવાલમાં અધિકારીને સેવામાંથી હાંકી કાઢવા જોઇએ ત્યાં સુધીની ભલામણ કરી છે. સમિતિએ દહિયા, આક્ષેપ કરનારી યુવતી લીનુ સિંઘ, પૂર્વપત્નીના પરિજનો અને હાલ તેમની સાથે લીવ-ઇન રીલેશનશીપમાં રહેતી યુવતી સહિતના લોકોના નિવેદનો નોંધ્યાં હતા અને તેમાં દહિયા સામે લીનુએ કરેલાં આક્ષેપો સિદ્ધ થયાં છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છૂટાછેડા વગર પરણિત હોવા છતાં અન્ય સ્ત્રી સાથે સંબંધો અને ત્યારબાદ તે સ્ત્રીને તરછોડી વળી બીજી યુવતી સાથે સંબંધોને કારણે દહિયા પોતે ભ્રમરવૃત્તિના હોય તેવું પણ સમિતિના મહિલા અધિકારીઓએ નોંધ્યું છે. સમિતિએ લીનુ સિંઘે આપેલાં તમામ દસ્તાવેજો ચકાસી તેની ખરાઇ કરી હતી અને તે સાચાં સાબિત થયાં છે. આ ઉપરાંત દહિયાએ લીનુ સિંઘને દિલ્હીમાં અને ત્રીજી યુવતીને અમદાવાદમાં અપાવેલાં મકાનો પણ ભ્રષ્ટાચાર અને આવકના પ્રમાણમાં વધુ સંપત્તિનો કેસ હોવાનું તારણ પણ સમિતિએ ચકાસેલાં અન્ય પાસાઓ પરથી આવ્યું છે.
અહેવાલનો સામાન્ય વહીવટ વિભાગ અભ્યાસ કરીને ભલામણો મુખ્યમંત્રીને આપશે.સીએમ ભલામણોથી નિર્ણય લઇને દહિયા સામે શું પગલાં લેવાં તે નક્કી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here