ગાંધીનગર : કોરોના બેફામ થતાં રાજ્યનાં 8 મહાનગરોમાં 500 બેડનાં કોવિડ કેર સેન્ટર શરૂ થશે

0
5

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળ સોમવારે મળેલી કૉર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતિને લઈને મહત્ત્વના નિર્ણયો લેવાય હતા. આ નિર્ણયો મુજબ રાજ્ય સરકારે દર્દીઓને ઓક્સિજન સરળતાથી મળી રહે તે હેતુથી તમામ ઓક્સિજન સપ્લાયર્સે પોતાના ઉત્પાદનનો 60 ટકા જથ્થો દર્દીઓ માટે અનામત રાખીને આપવાનો રહેશે. તથા રાજ્યના 8 મહાનગરોમાં 500-500 બેડ ધરાવતા કોવિડ કેર સેન્ટરો શરૂ કરાશે. તેમજ તેની તબીબી કામગીરીના સુપરવિઝન, દેખરેખ સંકલન માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર માટે 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે.

નર્સિંગ હોમમાં પણ હવે સારવાર થશે
આ ઉપરાંત સંબંધિત જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનર ખાનગી દવાખાનાઓમાં ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, કોવિડ કેર સેન્ટરની મંજુરી આપી શકશે. આ ઉપરાંત અન્ય મહત્ત્વના નિર્ણયોમાં હવે સરકારે આઇસીયુ કે વેન્ટિલેટરની સુવિધા ન ધરાવતાં પ્રાઇવેટ નર્સિંગ હોમ અને દવાખાનાઓમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર કરી શકાશે તેમ જાહેર કર્યું છે. ઓછી ગંભીર સ્થિતિ ધરાવતાં દર્દીઓને વેન્ટિલેટર કે આઇસીયુમાં ન રાખવા પડે તેવી સ્થિતિ હોય તો અહીં તેમની સારવાર થતાં અન્ય હોસ્પિટલો પર ભારણ ઘટે તે માટે આ નિર્ણય લેવાયો છે.

દિવસનો મહત્તમ ચાર્જ 2000 લઈ શકાશે
આ ઉપરાંત રાજ્ય સરકારે તેવું પણ જાહેર કર્યું છે કે ખાનગી નર્સિંગ હોમ, ક્લિનિક્સ આઇ.સી.યુ કે વેન્ટીલેટરની સુવિધા વિના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે. ખાનગી હોસ્પિટલોમાં ઊભાં કરાયેલાં કોવિડ હેલ્થ સેન્ટરમાં દર્દી પાસેથી દિવસના મહત્તમ 2000 રૂપિયા તથા કોવિડ કેર સેન્ટરોમાં 1,500 રૂપિયાથી વધુ ચાર્જ લઇ શકાશે નહીં. જો કે આ દરોમાં રેમડેસીવિર ઇન્જેક્શનો કે અન્ય મોંઘા ઇન્જેક્શનનો ચાર્જ સમાવિષ્ટ કરાયો નથી, જે દર્દીએ અલગથી ખર્ચ ભોગવવાનો રહેશે.

ભવિષ્યમાં ત્રિપલ લેયર માસ્ક 1 રૂપિયામાં મળશે
રેમડેસીવિર ઇન્જેક્શનો સરળતાથી અને ઓછા દરે પ્રાપ્ત થાય તે માટે અમદાવાદની સોલા સિવીલ હોસ્પિટલ, એસ.વી.પી. હોસ્પિટલ, ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને નગરી હોસ્પિટલમાં રેમડિસીવીર ઇન્જેકશન આગામી ત્રણથી પાંચ દિવસમાં નહિં નફો નહિ નુકશાનના ધોરણે ઉપલબ્ધ કરાવાશે. તથા રાજ્ય સરકારની બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી નજીકના ભવિષ્યમાં ટ્રિપલ લેયર માસ્ક માત્ર રૂ. 1ની કિંમતે ઉપલબ્ધ કરાવશે.

ગુજરાતમાં ઑક્સિજનનો 60% જથ્થો કોવિડ દર્દીઓ માટે અનામત રહેશે

  • ઓક્સિજનનો 60 % જથ્થો કોવિડ દર્દીઓ માટે અનામત રહેશે
  • APMC અને અમૂલ પાર્લર પરથી ટૂંક સમયમાં માત્ર 1 રૂપિયામાં ટ્રીપલ લેયર માસ્ક ઉપલબ્ધ કરાશે.
  • ખાનગી નર્સિંગ હોમ, કલીનીકસ ICU, વેન્ટિલેટરની સુવિધા વિના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે.
  • કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ 2 હજારથી 1500 ચાર્જ લઈ શકાશે. ચાર્જમાં રેમડીસીવીર ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થશે નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here