ગાંધીનગર : વતનમાં જતાં રહેવાં બાબતે બનેવી ઉપર હૂમલો કરનાર સાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી

0
7

ગાંધીનગરના રાંધેજા ગામે ઝૂંપડું ખાલી કરીને પરિવારને લઈ વતનમાં જતાં રહેવાં બાબતે બહેન સાથે ઝગડો કરીને બનેવી ઉપર લાકડાના ધોકા વડે ઘાતકી હૂમલો કરનાર સાળા વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગરનાં રાંધેજા ગામે કરણ બાલાભાઈ દંતાણી તેની પત્ની ઉષાબેન તેમજ પાંચ દીકરી અને એક દીકરા સાથે ઝૂંપડાં રહી છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે કરણ મજૂરી કામ કરીને ઘરે આવ્યો હતો તે દરમિયાન તેનો સાળો કમલેશ રસિકભાઈ દંતાણી તેની બહેન ઉષા સાથે ઝૂંપડું ખાલી કરાવવા માટે માથાકૂટ કરી રહ્યો હતો.

કરણે તેની પતિની ઉષાને ઝગડાનું કારણ પૂછતાં તેણે કહેલું કે તેનો ભાઈ કમલેશ ઝૂંપડું ખાલી કરીને વતન સુખડ જવા માટે બિભત્સ ગાળો બોલીને માથાકૂટ કરી રહ્યો છે. ત્યારે કરણે તેના સાળા કમલેશને કહેલું કે, મારે પાંચ નાની દીકરી તેમજ એક દીકરો છે. જે થોડા મોટા થઈ જાય પછી ઝૂંપડું ખાલી કરીને પરિવારને લઈ જતા રહીશું. જેનાં પગલે કમલેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને બનેવી કરણને પણ બિભત્સ ગાળો બોલી લાકડાનો ડંડો માથામાં ફટકારી દીધો હતો.

લાકડાનો ડંડો માથામાં મારતાં કરણનાં માથામાંથી પુષ્કળ લોહી વહેવા માંડયું હતું અને ઉષાએ બૂમાબૂમ મૂકતા પાડોશીઓ દોડી આવી કરણને વધુ મારમાંથી છોડાવ્યો હતો. બાદમાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે કરણે તેના સાળા કમલેશ વિરુદ્ધ ફરિયાદ આપતાં પેથાંપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here