ગાંધીનગર : સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દીને એક એક શ્વાસ માટે વલખાં મારવા પડ્યા

0
0

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી તેમજ દીશાહીન વહીવટનાં કારણે અલુવાનાં કોરોનાગ્રસ્ત દર્દીને એક એક શ્વાસ માટે સિવિલ કોવિડ વોર્ડ બહાર લાચાર સ્થિતિમાં બેસી રહેવાની ફરજ પડી હતી. ત્યારે સારવાર કરાવવા માટે સિવિલ સુપરિટેન્ડન્ટ અને આર. એમ.ઓ.ને પરિવારે ઘણા ફોન કર્યા હતા તેમ છતાં તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. જોકે, દેવદૂત સમાન 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને ઓક્સિજન ચાલુ રાખવામાં આવ્યો હતો અને કલાકોની કાગડોળે રાહ જોયા બાદ પણ સિવિલ તંત્ર દ્વારા સમયસર સારવાર નહીં મળવાથી આખરે દર્દીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

ગાંધીનગર શહેરમાં કોરોના બેકાબુ બનતાં કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર મેળવવા માટે રીતસરના ફાંફા મારવાની નોબત આવી ગઈ છે. ગાંધીનગરની તમામ કોવિડ હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસ ફૂલ થઈ ગઈ હોવાથી વુહાન જેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે સારવાર મેળવવાની આશાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચતા દર્દીઓ સિવિલનાં દિશાહિન વહીવટના કારણે રીતસરના વલખાં મારી રહ્યા છે. જેનાં કારણે સમયસર સારવાર ન મળવાથી અને યોગ્ય આયોજનનાં અભાવે દર્દીઓને જીવ ગુમાવવાનો વખત આવી ગયો છે. આવો એક બનાવ ગઈકાલે સિવિલ કમ્પાઉન્ડમાં બનવા પામ્યો હતો. એક એક શ્વાસ માટે કલાકોની રઝળપાટ કર્યા પછી પણ સમયસર કૃત્રિમ શ્વાસ ન મળી રહેવાને કારણે આખરે દર્દીને જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો.

સિવિલની લાલીયાવાડીથી દર્દીએ જીવ ગુમાવ્યો
સિવિલની લાલીયાવાડીથી દર્દીએ જીવ ગુમાવ્યો

ગાંધીનગરના અલુવા ખાતે રહેતા વયનિવૃત પ્રભુદાસ દવે થોડાં દિવસો અગાઉ કોરોના સંક્રમિત થયા હતા. શરૂઆતમાં ઓક્સિજન લેવલ બરાબર રહેતા જેમની ઘરે પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. પરંતુ ચારેક દિવસ અગાઉ તેમની તબિયત અચાનક લથડી હતી જેના કારણે પરિવારજનોએ ગાંધીનગરની હોસ્પિટલોમાં સારવાર મેળવવા માટે સંપર્ક કર્યો હતો. જોકે દરેક હોસ્પિટલમાં લાંબુ લચક વેટિંગ હોવાનો જવાબ આપી દેવામાં આવ્યો હતો. જેથી ઘરે જ ઓક્સિજનની સુવિધા ઊભી કરીને ડોક્ટરને બોલાવી સારવાર શરૂ કરવામાં આવી હતી.

પરંતુ ગઇકાલે વહેલી સવારે અચાનક તેમનું ઓક્સિજન લેવલ 72થી 76 પહોંચી ગયું હતું. જેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં શરૂઆતમાં શહેરની ખાનગી હોસ્પિટલોને ફરીવાર મદદ માટે કોલ કરવામાં આવ્યા હતા. અને પરિસ્થિતિથી હોસ્પિટલ તંત્ર નેવા કે પણ કરાયા હતા તેમ છતાં શહેરની કોઈપણ હોસ્પિટલ સારવાર આપવાની ઘસીને ના પાડી દીધી હતી. આખરે હારી કંટાળીને તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવારની આશાએ પરિવાર લઈ આવ્યો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ પરિવારે સિવિલ તંત્રને પોતાના ઘરના મોભીની સ્થિતિ નાજુક ભવાની વાત કરી હતી ત્યારે તંત્ર દ્વારા ઓક્સિજનની સુવિધા ન હોવાનું ઘસીને ના પાડી દીધી હતી અને માત્ર બેડ આપવાની વાત કરી હતી. એક તરફ પરિવારના મોભી એક એક શ્વાસ માટે વલખા મારી રહ્યા હતા ત્યારે પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ફાંફા મારી રહ્યા હતા.​​​​​​​

સિવિલ સુપરિટેન્ડન્ટ કે RMOએ ફોન ઉપાડવાની તસ્દી ન લીધી
​​​​​​​
ધીમે ધીમે પરિસ્થિતિ વણસી રહી હોવાથી 108 એમ્બ્યુલન્સ તેમના માટે દેવ દૂત બની હતી. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે સમય સૂચકતા પારખીને દવે ભાઈને પોતાની એમ્બ્યુલન્સમાં ફરી બેસાડી દીધા હતા અને ઓક્સિજન સપ્લાય શરૂ કરી દીધો હતો બીજી તરફ તેઓને સારવાર મળી રહે તે માટે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ નિયતિ લાખાણીના નંબર 99784 05056 તેમજ આર.એમ.ઓ ના ફોન નંબર 099784 07067 ઉપર અવારનવાર સંપર્ક કરવા છતાં તેઓએ જવાબદાર અધિકારી તરીકે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. કલાકોની રઝળપાટ તેમજ વિનંતીના અંતે સિવિલ નાં ફરજ પરના અધિકારીએ સારવાર કરવાની તૈયારી દર્શાવી હતી.

જેથી દવેભાઈને એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર પર બેસાડી અંદર લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓ શ્વાસ લેવા માટે વલખા મારતા હોવા છતાં સિવિલની શિખાઉ મેડિકલ ટીમે તેમને ઓક્સિજન આપવાની દરકાર કર્યા વિના જ વોર્ડમાં લઈ આવ્યા હતા અને સારવાર શરૂ થાય તે પહેલા જ સમયસર ઓક્સિજન ન મળવાના કારણે તેમનું પ્રાણ-પંખેરું ઉડી ગયું હતું.બાદમાં ઔપચારિક પ્રક્રિયાના ભાગરૂપે સિવિલ ની મેડિકલ ટીમે તાત્કાલિક સારવારના નાટકો શરૂ કરી દેવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ પારખી ગયેલા પરિવારજનો લાચાર સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

મુક્તિધામમાં પણ મુક્તિ મેળવવા માટે પ્રભુદાસ દવેને રાહ જોવી પડી
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચોક્કસથી સારવાર મળી જશે તેવી આશાએ આવી પહોંચેલા પરિવારજનો પોતાના સ્વજનને સમયસર સારવાર ન મળવાના કારણે જીવ ગુમાવ્યાનો ઝે નો ઘૂંટડો પી લીધા પછી પરિવાર તેમના પાર્થિવ દેહને લઈને સેક્ટર-30માં આવેલા મુક્તિધામ પહોંચ્યા હતા. જ્યાંનું ભયાનક દ્રશ્ય જોઈને પરિવારજનો કંપી ઉઠયા હતા એક પછી એક લાશો અંતિમવિધિ માટે આવતી રહેતી હતી. મુક્તિધામમાં પણ એક-પછી 50થી વધુ મૃતદેહો આવી ચૂક્યા હતા.આખરે મુક્તિધામમાં પણ પ્રભુદાસ દવેને મુક્તિ મેળવવા માટે પણ લાઈનમાં રહેવાની નોબત ઊભી થઈ હતી.આ અંગે કોંગ્રેસ સમિતિના પ્રમુખ સૂર્ય સી ડાભીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનનો અંધેર વહીવટ મુક્તિધામમાં ચાલી રહ્યો છે. હું ચાર વાગ્યાનો તમારા સ્વજનની અંતિમ વિધિ માટે અત્રે આવી પહોંચ્યો છું પરંતુ મુક્તિ મેળવવા માટે પણ મૃતદેહોને લાઈનોમાં રહેવાની નોબત આવી છે કોઈપણ જાતના પ્લાનિંગ વગર કે સુવિધા વિના મુક્તિધામ નો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે.

મુક્તિધામનુ બિહામણું ચિત્ર પ્રકાશમાં ના આવે તે માટે ફોટોગ્રાફી પર પ્રતિબંધ
ગાંધીનગર તંત્ર દ્વારા આંકડાની માયાજાળ રચીને નગરજનોને સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે દિવસેને દિવસે કોરોના ના કેસો ની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો હોવા છતાં ગઇકાલે પણ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં અનેક દર્દીઓ ના મૃત્યુ થયા હતા. કેમકે દવે ભાઈ ના પરિવારને જ પોતાના સ્વજન ને મુક્તિ અપાવવા માટે 47 નંબર આપવામાં આવ્યો હતો. મુક્તિધામ ના વહીવટદારો દ્વારા મુક્તિધામ ના પણ સમાચારો અને ફોટા નગરજનો સમક્ષ ન આવે તેની તકેદારી રાખીને ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જેના પરથી જ અંદાજ મેળવી શકાય છે કે ગાંધીનગરની પરિસ્થિતિ કેવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here