ગાંધીનગર : સગીર પ્રેમિકાનું અપહરણ કરી કુકર્મ આચરનાર પ્રેમીને સાત વર્ષની સજા ફટકારી

0
5

સગીર વયની પ્રેમીકાનું વર્ષ 2017માં અપહરણ કરી દુષ્કર્મ આચરનાર કલોલના આસોડિયા રહેતાં પ્રેમી અજિતજી અરવિંદજી ઠાકોરને ગાંધીનગરની પોકસો કોર્ટે તકસીરવાન ઠરાવીને સાત વર્ષની સજા તેમજ 8000નો દંડ ફટકાર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, ફરિયાદીએ પોતાની 16 વર્ષ 3 મહિના ઉંમરની સગીર દીકરીને 15 જૂન 2017ના રોજ કલોલના આસોડિયા ખાતે રહેતો ધોળાકુવા માણસાનો અજિતજી અરવિંદજી ઠાકોર લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. જેમાં સગીર વયની કિશોરીએ પોલીસને નિવેદન આપ્યું હતું ઉપરોક્ત આરોપી સાથે એકબીજા વાતો કરતા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

જેના પગલે પોતાની જાતે ઘરેથી નીકળીને અજિતને ફોન કરી બોલાવ્યો હતો. બાદમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા શહેરોમાં બંને જતા રહ્યા હતા. જોકે, કિશોરી સગીર વયની હોવા અંગે તેના પિતાની ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે કેસ ગાંધીનગરની પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ દલીલ કરી હતી કે, કિશોરી પોતાની મરજીથી આરોપી સાથે ગઈ હતી અને તેણે સંમતિ આપતાં આરોપીએ શરીર સંબંધ બાંધ્યો હોય તો પણ આવા ગંભીર ગુનામાં સખતમાં સખત સજા થવી જોઈએ. જેના પગલે જજ કે.એમ સોજીત્રાએ આરોપીને ઈપિકો કલમ 363,366,376 તેમજ પોકસો કલમ 4 હેઠળ તકસીરવાન ઠરાવી સાત વર્ષની સજા તેમજ રૂપિયા 8000 દંડ ફટકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here