Wednesday, September 29, 2021
Homeગાંધીનગર : શિહોલી ગામથી 1500 લીટર બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો
Array

ગાંધીનગર : શિહોલી ગામથી 1500 લીટર બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી બાયો ડીઝલનો હજારો લીટર જથ્થો ઝડપી લઈ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કામ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે ચીલોડા પોલીસે બાતમીના આધારે શિહોલી ગામથી મિની ટેન્કરમાંથી 1500 લીટર બાયો ડીઝલનો જથ્થો ઝડપી લઈ કિયા ટ્રાન્સ મોડેલ કંપનીના માલિકની ધરપકડ કરી રૂ. 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાયો ડીઝલના વેચાણ તેમજ તેના સંગ્રહખોરીની પ્રવૃતિઓએ માઝા મૂકી દીધી છે. પર્યાવરણને નુકશાન પહોંચાડનાર ઈસમો સામે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નિષ્ક્રિય કામગીરી કરવામાં આવતી હોવાથી જિલ્લા પોલીસ દ્વારા પર્યાવરણને નુકશાન કરનાર ઈસમોને ઝડપી લેવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમે લવારપૂર ગામની સીમમાં ગલાલ એન્ટરપ્રાઈઝ રેતીના સ્ટોકીસ્ટ દ્વારા પોતાના વાહનોમાં ભરવા માટે એકઠો કરવામાં આવેલો કુલ 12 હજાર 800 લીટર બાયો ડીઝલ જથ્થો, મિની ટેન્કર સહિત રૂ. 8.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેના માલિકની ધરપકડ કરી લેવાઈ હતી.

ઉપરાંત મોટી ભોંયણ ખાતે ફોર્ચ્યુન બીલ્ડર્સ નામની સાઇટ ઉપર ભૂગર્ભ ટાંકામાં 4 હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો, દહેગામ બાયડ રોડ પર રુદ્રાક્ષ કોમ્પલેક્ષ આગળથી બાયો ડીઝલના જથ્થા સહિત રૂ. 20 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો હતો. ત્યારે ગઈકાલે ચીલોડા પોલીસે પણ શિહોલી ગામથી 1500 લીટર બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ચીલોડા પોલીસ મથકના ઇન્સ્પેકટર તરલ ભટ્ટની સૂચનાથી સ્ટાફના માણસોએ પૂર્વ બાતમીના આધારે શિહોલી ગામે સર્વે નંબર 572માં આવેલી કિયા ટ્રાન્સ મોડેલ પ્રાઈવેટ લિમિટેડ કંપની પર છાપો મારવામાં આવ્યો હતો અને મિની ટેન્કરમાં ભરેલો ગેરકાયદેસર બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરી લેવાયો હતો.

આ અંગે ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટે જણાવ્યું હતું કે, પર્યાવરણ ને નુકસાનકારક જ્વલનશીલ બાયો ડીઝલનો જથ્થો કિયા ટ્રાન્સ મોડેલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના રામભાઈ નાગજણભાઈ ઓડેદરા (રહે. બી /303,સીમંત – 2, બોડકદેવ અમદાવાદ) દ્વારા મિની ટેન્કરમાં રાખવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ તે પોતાના ટ્રાન્સપોર્ટનાં વાહનોમાં કરતો હતો. તેમજ ઉક્ત જગ્યા ભાડે રાખીને પોતાનો ધંધો કરે છે. હાલમાં 1500 લીટર બાયો ડીઝલનો જથ્થો તેમજ મિની ટેન્કર મળી કુલ. 4 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

જિલ્લા પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હકીકતમાં પર્યાવરણને નુકશાન કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવાની સીધી જવાબદારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રહેતી હોય છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સક્રિય કાર્યવાહી કરવામાં નહી આવતા હવે બાયો ડીઝલના ગેરકાયદેસર જથ્થાને ઝડપી લેવા પોલીસને કામગીરી કરવી પડી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments