ગાંધીનગર : સાઉથ આફ્રિકાથી કલોલ આવેલા યુવકમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા

0
5

ગુજરાતમાં કોરોનાના વિદેશી સ્ટ્રેનને લઈને ચિંતા વધી ગઈ છે, ત્યારે આફ્રિકામાં હાહાકાર મચાવનાર કોરોનાના એલ-વન અને એલ-ટુ ટાઈપ સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતો દર્દી મળી આવતાં ગાંધીનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મૂળ કલોલનો રહેવાસી યુવાન થોડા દિવસો અગાઉ જ સાઉથ આફ્રિકાથી ગાંધીનગર આવેલો હતો, જેને કોરોનાનાં લક્ષણો જણાતાં ત્રણ દિવસ અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, વિદેશી સ્ટ્રેનનાં લક્ષણો બાબતે હાલ તેનાં સેમ્પલ પુણે મોકલી આપવામાં આવ્યાં છે.

આફ્રિકામાં તબાહી મચાવનારા નવા સ્ટ્રેનથી ખળભળાટ.

આફ્રિકામાં તબાહી મચાવનારા નવા સ્ટ્રેનથી ખળભળાટ.

2 માર્ચે સાઉથ આફ્રિકાથી ગાંધીનગરના કલોલના બોરી‌સણા ખાતેના 31 વર્ષીય યુવાનને કોરોનાનાં લક્ષણો જણાતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેનો ટેસ્ટ કરવામાં આવતાં વિદેશી સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો તેનામાંથી મળી આવ્યાં છે. આફ્રિકામાં તબાહી મચાવનારા નવા સ્ટ્રેન ગાંધીનગરના યુવાનમાંથી મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ જણાવ્યું હતું કે કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, યુવાન આફ્રિકાથી આવ્યો હોવાથી તેનો આરટી પીસીઆર ટેસ્ટ કરતાં તે પોઝિટિવ મળી આવ્યો છે, જેનાં સેમ્પલ કુરિયર મારફત પુણેની લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ વધુ હકીકત જાણવા મળશે. હાલમાં તેના ઘરની હિસ્ટરી મેળવીને યુવકના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે.

આરોગ્યતંત્રની લાપરવાહી તબાહી સર્જશે

કલોલનો યુવક સાઉથ આફ્રિકાથી 2 માર્ચના રોજ ગાંધીનગર આવી ગયો હતો. કોરોના ગાઇડલાઇન્સ મુજબ, કોઈપણ વિદેશી પ્રવાસી ગુજરાત આવે તો તરત જ તેનો RT PCR ટેસ્ટ કરી રિપોર્ટ તંત્રને મોકલી આપવાનો હોય છે. ત્યારે કલોલનો યુવાન બીજી માર્ચે ગાંધીનગર આવ્યો હોવા છતાં તંત્રને દસેક દિવસ પછી તેની જાણ થઈ છે ને ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. ત્યારે આટલા દિવસો સુધી યુવક કેટલાય લોકોના સંપર્કમાં આવી ચૂક્યો હશે.

યુવક આફ્રિકાથી આવ્યો હોવાથી તેનો આરટી પીસીઆર ટેસ્ટ કરતાં પોઝિટિવ.

યુવક આફ્રિકાથી આવ્યો હોવાથી તેનો આરટી પીસીઆર ટેસ્ટ કરતાં પોઝિટિવ.

એક માસ બાદ પણ પુણેથી યુકેના દંપતીનો રિપોર્ટ નથી આવ્યો

થોડા વખત અગાઉ રાજકોટનું દંપતી યુકેથી ગુજરાત આવ્યું હતું. ત્યાંથી પુત્રને સાથે લઈને દંપતી ગાંધીનગર આવતાં ટેસ્ટ બાદ તેમનામાં પણ શંકાસ્પદ લક્ષણો મળી આવ્યાં હતાં. તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમનાં સેમ્પલ પુણે ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં. જોકે એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ દંપતીનાં સેમ્પલનો રિપોર્ટ હજી સુધી નહીં આવ્યો હોવાનું ગાંધીનગર સિવિલનાં સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 4000ને પાર થઈ ગયો છે. છેલ્લા 20 દિવસથી રાજ્યમાં નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઈ રહી છે. રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જ કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજીને રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોની વિગતો મેળવી તેના પર અંકુશ મેળવવા માટે ભાર મૂક્યો હતો. ગાંધીનગર જિલ્લામાં પણ ગઈકાલે કોરોનાના નવા 18 કેસ મળ્યા આવતાં કોરોના કેસોનો આકડો 8327 પર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here