ગાંધીનગર : 99 દિવસ પછી કોરોનાના 41 કેસ નોંધાયા

0
1

જિલ્લામાં કોરોનાના નવા 41 સાથે કુલ આંકડો 8801 પહોંચ્યો છે. જોકે છેલ્લા 99 દિવસ પછી એક દિવસમાં 41 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલા મોટા ચિલોડા, અડાલજ અને રતનપુરના દર્દીઓના મોતથી કુલ આંકડો 623 થયો છે. સારવાર દરમિયાન મોત પામેલા દર્દીઓની ઉંમર 51થી 56 વર્ષની છે. જોકે ડેથ ઓડિટના આધારે દર્દીઓના મોતનું કારણ જાણવા મળશે. ઉપરાંત સારવારને અંતે વધુ 19 દર્દીઓ સાજા થતાં જિલ્લાના 7772 વ્યક્તિઓ કોરોનાથી મુક્ત થયા છે.

રવિવારે સંક્રમિત થયેલા લોકોમાં 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જોકે તમામ વિદ્યાર્થીઓ મહાનગર પાલિકાના સેક્ટર તેમજ નવા સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા છે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ તારીખ 1લી, એપ્રિલ છે. ત્યારબાદ ઉમેદવારો સેક્ટર, મહોલ્લામાં અને સોસાયટીઓમાં ઘરે ઘરે ફરીને પ્રચાર શરૂ કરશે. આથી કોરોનાનું સંક્રમણ વધુ ચિંતાજનક સ્થિતિમાં વધશે.

આથી મનપાની ચુંટણી કાલે પતિ જશે પરંતુ ઘરમાં કોરોના અડિંગા જમાવી જાય નહી તે માટે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. સંક્રમિતોમાં વિદ્યાર્થી, ડિવાયએસઓ, વેપારી, તલાટી કમ મંત્રી, એડવોકેટ, નાયબ ઓડિટર, ફાર્માસિસ્ટ, ખેડુત, ગૃહિણી સહિતનો સમાવેશ થાય છે. રવિવારે નોંધાયેલા કોરોનાના કેસમાં દહેગામમાંથી માત્ર એક જ કેસ છે. બાકીના તમામ કેસ ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય અને મનપા વિસ્તારમાંથી જ નોંધાયા છે.

ગાંધીનગર તાલુકામાંથી 18 અને દહેગામમાંથી 1 કેસ
તાલુકામાંથી 18 કેસમાં કુડાસણમાંથી 3 વર્ષીય બાળક, 25 વર્ષીય, 27 વર્ષીય અને 30 વર્ષીય યુવાનો, 57 વર્ષીય અને 51 વર્ષીય આધેડ, 54 વર્ષીય ગૃહિણી, પેથાપુરમાંથી 48 વર્ષીય વેપારી, 48 વર્ષીય ગૃહિણી, રાંદેસણમાંથી 18 વર્ષીય વિદ્યાર્થી, 49 વર્ષીય બે આધેડ, 30 વર્ષીય યુવાન, રાંદેસણની વિદ્યાર્થીની, રાયસણની યુવતી, લવારપુરનો યુવાન, કોરોનામાં સપડાયો છે.

મનપા વિસ્તારના 22 કેસમાંથી 15 યુવાનો
મનપા વિસ્તારમાંથી નવા 22 કેસમાં સેક્ટર-26માંથી 54 વર્ષીય ગૃહિણી, 24 વર્ષીય અને 33 વર્ષીય વેપારીઓ, મહિલા તલાટી કમ મંત્રી, વિદ્યાર્થી, સેક્ટર-15માંથી 21 વર્ષીય બે અને 23 વર્ષીય વિદ્યાર્થીઓ, સેક્ટર-30માંથી યુવાન, 65 વર્ષીય ગૃહિણી, સેક્ટર-24માંથી 37 વર્ષીય ગૃહિણી, 39 વર્ષીય યુવાન, સેક્ટર-7માંથી ડીવાયએસઓ, 52 વર્ષીય આધેડ, સેક્ટર-4ના 54 વર્ષીય નાયબ ઓડિટર, સેક્ટર-3ના 33 વર્ષીય એડવોકેટ, સેક્ટર-2ના 37 વર્ષીય ફાર્માસિસ્ટ, પાલજનો વિદ્યાર્થી, સેક્ટર-13ની 29 વર્ષીય યુવતી, સેક્ટર-25ની ગૃહિણી, સેક્ટર-22ની ગૃહિણી, સેક્ટર-5ના વૃદ્ધ કોરોનામાં સપડાયા છે. સંક્રમિતના સંપર્કવાળા 72 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.

સેક્ટર-15ની હોસ્ટેલના વિદ્યાર્થીઓ સંક્રમિત
નગરની આઇઆઇટી સંસ્થાના વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારબાદ નગરના સેક્ટર-15માં આવેલી એક સમાજની હોસ્ટેલમાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. આથી મનપાના આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ ગોસ્વામીને પુછતા જણાવ્યું છે કે હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં હોસ્ટેલમાં રહેતા અન્ય બાળકોના ટેસ્ટ કરતા નેગેટીવ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here