ગાંધીનગર : કોરોનાનાં ડર વચ્ચે નાના મોટા વેપારીઓએ ધંધા રોજગાર શરૂ કર્યા

0
2

ગાંધીનગરમાં કોરોનાનાં ડર વચ્ચે પેટીયુ રળવા નાના મોટા સૌ વેપારીઓએ આજે સવારથી પોતાના ધંધા રોજગાર ખોલી દીધા છે. આંશિક લોકડાઉનમાં સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ મળતા જાણે ઓક્સિજન મળી ગયો હોય એવી વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

નાના વેપારીઓની હાલત દયનીય થઈ હતી

રાજયના પાટનગર ગાંધીનગરમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં સરકાર દ્વારા મિની લોકડાઉન જાહેર કરીને રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવતા નગરજનોની હાલત “ન ઘર ના ન ઘાટ ના” જેવી થઈ ગઈ હતી. એમાંય જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયના તમામ ધંધા બંધ કરાવી દેવામાં આવતા નાના વેપારીઓની હાલત દયનીય થઈ જવા પામી હતી.

મિની લોકડાઉન અંતર્ગત તમામ ધંધા રોજગાર બંધ

વહીવટી તંત્ર દ્વારા સૌ પ્રથમ પાનનાં ગલ્લાઓ તેમજ ચાની કીટલીઓ બંધ કરાવવામાં આવી હતી. બાદમાં ગાંધીનગરમાં કોરોના સંક્રમણ કેસોમાં ઉછાળો આવવા માંડતા મિની લોકડાઉન અંતર્ગત તમામ ધંધા રોજગાર બંધ કરાવી દેવામાં આવ્યા હતા. કોરોનાની પહેલી લહેરમાં જેટલી તકલીફ પડી ન હતી. તેના કરતાં આ વખતની બીજી લહેરમાં મોટાભાગે સૌ કોઈએ પોતાના સ્વજનને ગુમાવવાનો વખત આવ્યો હતો.

આંશિક રીતે બે પૈસાનો લાભ થશે

ત્યારે સેકટર 22 નાં કોમ્પ્લેક્ષનાં ચાની કીટલી ચલાવતા યોગેશભાઈએ જણાવ્યું હતું કે, મોટા વેપારીઓને બંધની એટલી બધી અસર થઈ નથી. પણ અમારા જેવા નાના ધંધાદારીઓની તો કમર જ તૂટી જવા પામી છે. હાલમાં સરકારે આંશિક છૂટછાટ આપતા અમને પણ આંશિક રીતે બે પૈસાનો લાભ થશે.

હવે દેવું કરીને બીજો માલ મંગાવી ધંધો કરવો પડશે

જ્યારે સેકટર 6 માં નાનો પાનનો ગલ્લો ધરાવતા મૂકેશભાઈએ જણાવ્યું હતું કે, સરકાર દર વખતે પાનનાં ગલ્લા જ પહેલા બંધ કરાવી દેતી હોય છે. ગત વર્ષે પણ રાતોરાત ગલ્લા બંધ કરાવી દેવાનો હુકમ કરી દીધો હતો. અને આ વખતે પણ એવું કરવામાં આવ્યું હતું. જેના કારણે ગલ્લામાં પડેલો તમામ માલ આ વરસાદમાં પલળી ગયો. આશરે દસ હજારનો માલ ગલ્લામાં પડ્યો હતો. બંધનાં કારણે તેને કાઢી શક્યો ન હતો. ત્યાં વરસાદના લીધે માલ પલળી ગયો. હવે દેવું કરીને બીજો માલ મંગાવી ધંધો કરવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here