શેખબાબુ હત્યા કેસ : ગાંધીનગર CID ક્રાઇમે એક આરોપી પોલીસકર્મીની ઓળખ પરેડ કરાવી, તમામ આરોપીઓને કાલે ફરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે

0
0

વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનના ચકચારી શેખ બાબુ હત્યા પ્રકરણમાં ગાંધીનગર CID ક્રાઇમે આજે એક આરોપી પોલીસકર્મી પંકજની વડોદરામાં મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી અને ત્યારબાદ ફરી આરોપીને લઇને ગાંધીનગર જવા રવાના થઇ ગઇ હતી. તમામ 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં હોવાથી આવતીકાલે ફરી વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે હજી સુધી શેખ બાબુની લાશ મળી ન હોવાથી CID ક્રાઇમ વધુ રિમાન્ડની માંગણી કરશે તેવી શક્યતા છે.

પોલીસ મથકમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું

આરોપીઓએ બાબુ શેખને પોલીસ મથકના આ રૂમમાં બાંધીને માર માર્યો હતો અને તેના મૃત્યુ બાદ તેની લાશને કેવી રીતે લઈ જવામાં આવી હતી અને લાશને આ સ્થળે લઇ જઇને નિકાલ કરવામાં આવ્યો છે, તે અંગેની માહિતી મેળવવા માટે CID ક્રાઇમની ટીમ વડોદરા આવી પહોંચી હતી. પોલીસ મથકમા મોતને ઘાટ ઉતારવામાં આવેલા શેખ બાબુની લાશ હજી સુધી મળી નથી. શેખ બાબુની લાશનો પતો મેળવવા માટે CID ક્રાઇમ આરોપીઓને વડોદરા લઇને આવી હતી. જ્યાં પોલીસ મથકમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.

જે જગ્યાએ લાશ દાટી દીધી તે સ્થળે આરોપીઓને લઇ જવાયા
(જે જગ્યાએ લાશ દાટી દીધી તે સ્થળે આરોપીઓને લઇ જવાયા)

 

ગાયબ થઇ ગયેલા CCTV પરત મેળવવા પ્રયાસ

ગાંધીનગર CID ક્રાઇમ બ્રાંચના SP ગીરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, બાબુ શેખની જ્યાંથી અટકાયત કરી હતી. ત્યાંથી લઇને લાશનો ક્યાં નિકાલ કરાયો છે, ત્યાં સુધીના રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને વડોદરા લાવવામાં આવ્યા છે. ઘટના સંબંધમાં ખૂટતી કડીઓને જોડવાની કામગીરી ચાલી રહી છે. જે CCTVમાં ગાયબ થયા છે. તે મામલે ટેક્નિકલ એજન્સીના સંપર્કમાં છીએ અને CCTV ફૂટેજ મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા લાશનો ક્યાં નિકાલ કર્યો છે અને કેવી રીતે કર્યો તે છે. તે સ્થળનું પણ પંચનામુ કરવામાં આવશે.

આરોપી તત્કાલિન PI અને PSI અને મૃતક શેખ બાબુની ફાઇલ તસવીર
(આરોપી તત્કાલિન PI અને PSI અને મૃતક શેખ બાબુની ફાઇલ તસવીર)

 

શેખ બાબુના કસ્ટોડિયલ ડેથ મામલે CID ક્રાઇને તપાસ સોંપાઇ હતી

મૂળ તેલંગાનાના અને અમદાવાદમાં રહેતા શેખબાબુ નિસાર વડોદરામાં રહેતા તેમના જમાઇને ત્યાં આવ્યાં હતા અને ફતેગંજ પોલીસે શેખબાબુની શંકાના આધારે અટકાયત કરી હતી. બીજી તરફ ઘરે પરત ન ફરતા શેખબાબુના પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં તેમની ભાળ મળી શકી ન હતી એટલે તેમની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઇ હતી. બીજી તરફ હાઇકોર્ટમાં રીટ દાખલ કરાયા બાદ પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું કે, શેખબાબુનું પોલીસ સ્ટેશનમાં ટોર્ચર કરાયા બાદ મોત નિપજતાં તેની લાશ સગેવગે કરાઈ છે. એટલે આ બનાવ અંગે આખરે PI ધર્મેન્દ્રસિંહ ગોહીલ,PSI દશરથ રબારી, 4 કોન્સ્ટેબલ પંકજ, યોગેન્દ્રસિંહ,રાજેશ અને હિતેશ સામે હત્યાનો ગુનો દાખલ થતાં તમામ આરોપી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ ચકચારી હત્યા કેસની તપાસ CID ક્રાઇમ (ગાંધનગર)ને સોંપાતા SP ગીરીશ પંડ્યાએ તપાસ હાથ ધરી હતી.

કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા

છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી PI સહિતના તમામ આરોપીઓ ફરાર હતા અને તેમને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો પણ બનાવાઇ હતી. દરમિયાનમાં તમામ આરોપીઓ એક સાથે ગાંધીનગર સ્થિત CID ક્રાઇમની કચેરીમાં SP સમક્ષ હાજર થઇ ગયા હતા અને ત્યારબાદ તેમના કોરોના ટેસ્ટનો રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે 3 દિવસ પહેલા વડોદરા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here