ગાંધીનગર : ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી રોડ પર ધૂળની ડમરીઓ ઉડાડતિ કન્સ્ટ્રક્શન સાઈટ બંધ

0
7

ગાંધીનગરનાં શિક્ષણ હબ ગણાતા પીડિપીયુ તેમજ જીએનએલયુ રોડ પર ધૂળની ડમરીઓ ઉડાડતિ એક કન્સ્ટ્રક્શન સાઈટને મૌખિક સૂચના આપીને બંધ કરાવી દેનાર ઈન્ફોસિટી પોલીસની જાગૃતતાથી ભવિષ્યમાં અનેક અકસ્માતો પર અંકુશ આવશે. આ ઘટના બહુ સામાન્ય છે પણ પોલીસનાં એક પ્રયાસથી ભવિષ્યમાં મોટી જાનહાનિ ચોક્સસથી અટકી જવાની છે.બિલ્ડરો કન્સ્ટ્રક્શન સાઈટ પર આડેધડ કામગીરી કરે છે

ગાંધીનગર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એમાંય નવા વિસ્તારોનો વિકાસ તેજ ગતિએ થવા માંડ્યો છે. ઠેર ઠેર વનરાજી વિસ્તારનો નાશ કરીને મોટી મોટી બિલ્ડિંગો ઉભી થવા લાગી છે. ત્યારે મેટ્રો રેલનો પ્રોજેકટ પણ પૂરજોશમાં ચાલી રહ્યો હોય આગામી દિવસોમાં શહેરની ઓળખ નવી પ્રસ્થાપિત થશે. ત્યારે વિકાસનાં નામે ઘણા બિલ્ડરો પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ પર આડેધડ કામગીરી કરીને ઘણી વાર લોકોના જીવ જોખમમાં મુકાય તેવું કૃત્ય આચરતાં હોય છે. આવો જ એક બનાવ શહેરના શિક્ષણ હબ ગણાતા પીડિપીયુ તેમજ જીએનએલયુ રોડ પર બનતા ઈન્ફોસિટી પોલીસે જાગૃતતા દાખવી સાઈટ બંધ કરાવી દીધી છે.

વિકાસ માટે કોન્ટ્રાકટર દ્વારા આડેધડ કામ શરૂ કરી દેવાયું

ભાઈજી પૂરાથી ગિફ્ટ સિટી તરફનો માર્ગ સિક્સ લેન કરી અત્રેના રોડ પર મેટ્રો રેલનો પ્રોજેકટ પણ કાર્યરત છે. જેનાં કારણે ભાઈજી પૂરાથી ગિફ્ટ સિટી તરફના માર્ગ પર અંધારપટ રહેતું હોય છે. જેનાં લીધે રાત્રે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી રોડ તરફ જતા રોડને અડીને એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઈટ શરૂ થઈ હતી. પોતાની જગ્યાનાં વિકાસ માટે કોન્ટ્રાકટર દ્વારા આડેધડ કામ શરૂ કરી દેવાયું હતું.

બન્ને દિશા તરફથી આવતા વાહનોની વિજિબીલીટી ધૂંધળી થઈ

આખો દિવસ લોડીંગ ટ્રકો, ટ્રેકટરોની અવરજવરનાં કારણે રોડ પર માટીના ઢગલા થવા લાગ્યા હતા. તેના પરથી કોઈ પણ વાહન પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડવા લાગતી હતી. જેથી બન્ને દિશા તરફથી આવતા વાહનોની વિજિબીલીટી ધૂંધળી થઈ જતી અને ઘણી વાર અકસ્માત થઈ જતો હતો. આટલું ઓછું હોય તેમ આ સાઈટ પર પાણીના ટેન્કરોની અવરજવર શરૂ થયેલી જેના લીધે રોડ પર પથરાયેલી માટી પર પાણી પડવાથી રોડ કાદવ કીચડ વાળો થઈ ગયો હતો.

રોજ બે ત્રણ વાહન ચાલકો સ્લીપ ખાઈને પડવા લાગ્યા

જેના પરથી વાહનો પસાર થતાં રોજ બે ત્રણ વાહન ચાલકો સ્લીપ ખાઈને પડવા લાગ્યા હતા. ત્યારે કોઈ ઈન્ફોસિટી પોલીસ ઇન્સ્પેકટર પી.પી. વાઘેલાનાં ધ્યાને આ ગંભીર બેદરકારી ધ્યાને આવી હતી. જેમણે તુરંત પોલીસ સ્ટાફને મોકલીને આવી કામગીરી પર રોક લગાવી દીધી હતી. ત્યારે બિલ્ડરને પણ પોતાની ભૂલ સમજાતા તેણે રોડ પરથી માટી દૂર કરાવી પોતાની સાઈટનું કામ હાલ પૂરતું ધીમું કરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના મુજબની કામગીરી પોલીસ દરરોજ કરતી હશે. પણ તેની એક નાની કામગીરીમાં કેટલાય લોકોનાં જીવ બચી જતાં હોય છે. ત્યારે ઈન્ફોસિટી પોલીસે કરેલી કામગીરીથી ભવિષ્યમાં અકસ્માતો પર રોક લાગી જશે અને કોઈનો અકસ્માતમાં જીવ નહીં જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here