ગાંધીનગર : કોરોના રસીકરણની કામગીરી 80 ટકા પૂર્ણ

0
0

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિનામાં પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. બીજી તરફ ગાંધીનગરમાં કોરોનાની આવનારી સંભવિત ત્રીજી લહેરના પગલે મહારસીકરણ અભિયાન છેડવામાં આવ્યું હતું. ત્યારે કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધી 80થી 85 ટકા રસીકરણ કરી દેવામાં આવ્યું હોવાનું કોર્પોરેશન તંત્ર તરફથી જાણવા મળ્યું છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 2 લાખ 85 હજાર 500 મતદારો છે. જેમાથી 2 લાખ 71 હજાર 506 લાભાર્થીને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 73 હજાર 405 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપી દેવાયો છે. આમ 80થી 85% લોકોનું ટીકાકરણ થઈ ચૂક્યું છે. ત્યારે જુલાઈ મહિનાના અંત સુધીમાં બાકીનાં લોકોને પણ રસીકરણ કરી સો ટકા કામગીરી પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક કોર્પોરેશન તંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં 4 લાખ 39 હજાર 848 લાભાર્થીને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો
અત્યાર સુધી કોર્પોરેશન વિસ્તારમાં 9 હજાર 302 કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી દફતરે નોંધાયા છે જ્યારે 41 દર્દીઓ જ મૃત્યુ પામ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. એજ રીતે ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ, માણસા અને ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં 4 લાખ 39 હજાર 848 લાભાર્થીને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ 1 લાખ 19 હજાર 843 લાભાર્થીને કોરોના રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

શરૂઆતમાં 145 સેન્ટરો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું
કોરોનાની આવનાર સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય તંત્ર ધમ પછાડા કરી રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં એકસો ટકા રસીકરણ કરવા મહારસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં 145 સેન્ટરો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ રસીનો પૂરતા પ્રમાણમાં જથ્થો મળી ન રહેતા ક્રમશઃ રસીકરણ કેન્દ્રો ઘટાડી દેવાની ફરજ પડી છે. જેનાં પગલે હાલમાં માત્ર 45 સેન્ટરો પરથી જ કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

જુલાઈના અંત સુધીમાં 100% રસીકરણ કરવાનો ટાર્ગેટ
જુલાઈના અંત સુધીમાં 100% રસીકરણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે જે માટે દૈનિક 5થી 6 હજાર કોરોના રસીની જરૂરિયાત છે, પરંતુ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા 3 હજાર જેટલા જ ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ અંગે કોર્પોરેશન આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 80 ટકાથી વધુ રસીકરણ કરી દેવામાં આવ્યું છે. હવે માત્ર 25થી 30 હજાર લાભાર્થીનું વેક્સિનેશન બાકી રહ્યું છે જે જુલાઈના અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારે ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન માં અત્યાર સુધી 3 હજાર લાભાર્થીનું રસીકરણ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં ચારેય તાલુકામાં 51 ટકા જેટલું રસીકરણ કરવામાં આવ્યું
ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લા અને ગ્રામ્યની વસ્તી 11 લાખ 10 હજાર જેટલી છે. જેમાથી 4 લાખ 33 હજાર લાભાર્થીને પ્રથમ તેમજ 1 લાખ 18 હજાર લાભાર્થીને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેથી અત્યાર સુધીમાં ચારેય તાલુકામાં 51 ટકા જેટલું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી 44 વર્ષના 38 ટકા લાભાર્થીઓ નું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. હાલમાં દૈનિક 8 હજાર રસીનો ડોઝ ફાળવવામાં આવે છે જે મુજબ રસીકરણની કામગીરી કરવામાં આવે છે. આમ એક રીતે જોતા ગ્રામ્યમાં અત્યાર સુધીમાં રસીકરણ 51 ટકા લોકોને થઈ શક્યું છે. એમાંય વળી ગ્રામ્ય અમુક વર્ગમાં રસી માટેની જાગૃતતા દાખવવામાં આવતી નથી. જેની સામે શહેરમાં માત્ર વીસેક ટકા લોકોનું જ વેક્સિનેશન બાકી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here