ગાંધીનગર : મનપાની ચૂંટણી મુલતવી થતાં વહીવટદાર તરીકે IAS અધિકારીની નિમણૂક કરવા માંગણી

0
0

ગાંધીનગરમાં કોરોના ના કેસ વધતા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલતવી કરી લેવામાં આવી છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનમાં વહીવટદાર તરીકે આઈએએસ અધિકારીને હવાલો સોંપવામાં આવે તેવી ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

કોરોના કહેર વચ્ચે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતાં ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે આંદોલન શરૂ કરીને ચૂંટણી મોકૂફ રાખવા માંગણી કરવામાં આવી હતી. જે બાદ સૌપ્રથમ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને કોર્પોરેશનની ચૂંટણી મુલતવી રાખવા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ કોરોના કાળમાં ચૂંટણીઓ ન યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે કોર્પોરેશનની ચૂંટણી મુલતવી રાખવા કહ્યું તો બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા નાના-મોટા મેળાવડાઓ યોજી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ધીમે ધીમે પોતાના જ ઉમેદવારો સંક્રમિત થવા લાગતા અને બળવો થવાની આશંકા સાથે આ વખતની ચૂંટણી જીતવી મુશ્કેલ લાગી રહી હતી જેના પરિણામે સૌથી છેલ્લે ભાજપ દ્વારા પણ ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત કરાઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ દરખાસ્ત પણ કરવામાં આવી હતી. એક પછી એક રાજકીય પક્ષો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચૂંટણી મોકૂફ રાખવા બાબતે રજૂઆતો મળતા સમીક્ષા બેઠકના અંતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે કોર્પોરેશનની ચૂંટણી મુલતવી કરી દેવામાં આવી હતી.

શહેર વસાહત મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી ત્યારે હવે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા કોર્પોરેશનમાં વહીવટદાર તરીકે કોઈ આઇએએસ અધિકારીની નિમણૂક કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે મહાસંઘના પ્રમુખ કેસરી બિહોલા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં પૂર્વ સત્તાધીશો દ્વારા અસંખ્ય ગેરવહીવટ ભ્રષ્ટાચાર અને ખોટા નિર્ણયો કરીને વગર ટેન્ડરે કામ કરવામાં આવ્યા છે જેની સંપૂર્ણ તપાસ માટે આઇએએસ અધિકારીની નિમણૂક કરવા માંગણી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોર્પોરેશનમાં કમિશનરને વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે નહીં કારણકે પૂર્વ વહીવટી બોડી અને કમિશનરની મિલીભગતથી વહીવટ ચલાવવામાં આવતો હતો જેથી પાછળનો હિસાબ અને પૂર્વ સત્તાધીશો દ્વારા બાકી હિસાબ સરભર કરી દેવામાં આવશે. જેના કારણે પ્રજા સમક્ષ સાચી હકીકત બાર આવશે નહીં જેથી કોર્પોરેશનમાં વહીવટદાર તરીકે કોઈ તટસ્થ આઇએએસ અધિકારીની નિમણૂક કરવા અમારી માંગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here