ગાંધીનગર : સચિવાલયના ગેટ -7 પાસે આગની ઘટના, પોલીસ કેબિનમાં નુકસાન

0
3

શહેરના હાર્દ સમા ચ રોડ પર વિધાનસભા પાસે આગની ઘટના બની હતી. પોઈન્ટના બસ સ્ટેન્ડ અને સચિવાલયના ગેટ નં-7 પાસે કેટલાક સ્થળે કોઈએ કચરો સળગાવ્યો હતો. સુક્કા પાંદડાઓને કારણે અહીં પડેલી પોલીસ કેબિન આગની ઝપેટમાં આવી જતા ભારે નુકસાન થયુ છે.

વિધાનસભા પાસે ચ રોડ પર પોલીસ કેબિન સહિતના સ્થળે આગ લાગતા ફાયરના જવાનોએ આગને કાબૂમાં લેતા લોકોમાં રાહત થઈ હતી.

આ બનાવ જે સ્થળે બન્યો હતો તેની સામે જ વિસ્તારમાં રહેતાં ફાયર બ્રિગેડના જવાનોએ અહીંથી પસાર થઈ રહ્યાં હતા. જેઓએ આગ ઓલવવાનો પ્રયત્ન કરીને ફાયર બ્રિગેડમાં કોલ કર્યો હતો. જેને પગલે ફાયરબ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જેમાં પાણીનો મારો ચલાવીને આગને થોડા સમયમાં જ કાબૂમાં લેવામાં આવી હતી.

પર્યાવરણની સુરક્ષા માટે દેશની વડી અદાલત દ્વારા કચરો સળગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં જ તેનું ઉલ્લંઘન થવાના દશ્યો સામાન્ય થઇ ગયા છે. બુધવારે બનેલી ઘટનામાં પણ અહીં આસપાસ 7થી 8 સ્થળે કચરો સળગાવવામાં આવેલો નજરે પડ્યો હતો. ત્યારે આ કચરો કોણે સળગાવ્યો હતો તે જાણવા અધિકારીઓ દ્વારા કવાયત શરૂ કરાઈ છે. કારણ કે આગમાં પોલીસ માટે મૂકાયેલી કેબિનમાં નુકશાન થયું છે અને આગ વનરાજીમાં ફેલાઈ હોય તો વધુ ભીષણ બની ગઈ હોત. ત્યારે આગ માટે જવાબદાર સામે પગલાં લઈને શહેરમાં દાખલા બેસાડાય તે ઈચ્છનીય છે. શહેરમાં આ અગાઉ પણ આગની કેટલીક ઘટનાઓ બની ચુકી છે ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓ રોકવા માટે તંત્ર દ્વારા આગોતરા આયોજનથી યોગ્ય પગલાં લેવામા આવે તેવી માગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here