Tuesday, September 21, 2021
Homeગાંધીનગર : દોઢ માસની બાળકીને ઝૂંટવી લઈ પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી,...
Array

ગાંધીનગર : દોઢ માસની બાળકીને ઝૂંટવી લઈ પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી, 15 દિવસ રઝળપાટ કર્યા બાદ માતા-પુત્રીઓનું મિલન થયું

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે ચાલતા ઘરકંકાસના કારણે નિષ્ઠુર પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી બે નાની દીકરીઓને પણ જબરજસ્તી રીતે પોતાની સાથે રાખી લેતા માતા લાચાર બની ગઈ હતી.જેમાં એક દીકરી તો માત્ર દોઢ માસની જ હોવાથી છેલ્લા પંદર દિવસની રઝળપાટ પછી પતિ જીદથી હારી થાકી ગયેલી માતાએ મહિલા હેલ્પ લાઈનના દ્વાર ખખડાવ્યા હતા.

ગાંધીનગર શહેરમાં રહેતા દંપતીને સંતાનમાં બે દીકરીઓ છે. જેમાં એક દીકરી પાંચ વર્ષની અને બીજી દીકરી દોઢ માસની છે. છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે નાની નાની બાબતોમાં ઘરકંકાસ થયા કરતો હતો. ત્યારે પંદર દિવસ અગાઉ પણ દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેનાં કારણે પતિએ આવેશમાં આવીને પત્નીને મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મુકી હતી.

આથી પત્નીએ બન્ને દીકરીઓને પોતાની સાથે લઈ જવાની તૈયારી બતાવી હતી પણ નિષ્ઠુર પતિએ બન્ને દીકરીઓને પોતાની પાસે રાખી લઈ પત્નીને ઘરમાં ફરીવાર પગ નહીં મૂકવા જણાવી દીધું હતું. જેથી પોતાની દોઢ માસની દીકરીને ધાવણ વિના ચાલે નહીં હોવાની કાકલૂદી પત્નીએ કરી હતી પરંતુ પતિએ તેની એકપણ વાત માની ન હતી. અને તેને ઘરમાંથી કાઢી મુકી હતી.

ત્યારે પંદર દિવસથી માતા પોતાની દોઢ માસ અને પાંચ વર્ષની દીકરીઓનો કબ્જો મેળવવા પતિને સતત વિનંતી કરતી રહેતી હતી. ત્યારે સમાજના લોકોએ પણ બન્ને બાળકીઓ નાની હોવાથી તેની માતાની હૂંફની ખાસ જરૂરિયાત હોવાનું કહી પતિને બહુ સમજાવ્યો હતો પણ પતિ તેની જીદ પર ટકી રહ્યો હતો.

આખરે પતિની જીદ સામે હારી થાકીને કંટાળેલી પત્નીએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનનું શરણું લઈ મદદ માટે હાથ લંબાવ્યો હતો. ત્યારે મહિલા હેલ્પલાઇન ની ટીમ પત્નીને લઈને નિષ્ઠુર પતિ પાસે પહોંચી ગઈ હતી જ્યાં માતાને જોઈને પાંચ વર્ષની દીકરી માતા પાસે જવા માટે પોક મૂકીને રડવા લાગી હતી તેમજ દોઢ માસની દીકરી પણ રડી રહી હતી. આ જોઈ હેલ્પ લાઈન ટીમ નું પણ હ્રદય હચમચી ગયું હતું. બાદમાં પતિને સમજાવવાની કોશિશ શરૂ કરાઈ હતી પણ પતિ કોઈ કાળે માનવા તૈયાર ન હતો.

આખરે અભયમ ની ટીમે પાંચ વર્ષથી નાના બાળકને તેની માતાથી વિખૂટા કરવા તેમજ ડોમેસ્ટિક વાયોલન્સ નાં કાયદાકીય માહિતી આપતા પતિનો ગુસ્સો ઠંડો પડી ગયો હતો. અને બન્ને બાળકીઓ નું તેની માતા સાથે મિલન કરાવી મહિલા હેલ્પ લાઈનની ટીમે રાહત નો દમ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments