ગાંધીનગર: ગાંધીનગરને અડીને આવેલા કોલવડા પંચાયત કચેરીમાં જ તલાટીને લાફો મારી યુવકે પગ પકડાવતા ફોટો તથા વીડિયો લઈ તેને વાઈરલ કરી દેવાનું કહીંને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કૃત્ય કરનાર બીજુ કોઈ નહીં પણ તલાટી યુવકના સગા માસીનો દિકરો જ છે. જેણે દારૂ પીધેલી હાલતમાં ‘હું કહું ત્યાં સહી સિક્કા કરવા પડશે’ કહીં ગાળો બોલીને તલાટીને લાફો માર્યો હતો. આ બનાવથી ગ્રામ પંચાયતમા આવેલા અનેક લોકો એકત્ર થઈ ગયા હતા.
બનાવથી ભારે ચકચાર: સેક્ટર-3-એ ખાતે રહેતાં રણવીરસિંહ દિલીપસિંહ રાણા (મુળ- પીંપળજ ગામ) બંને પગલે અપંગ છે અને છેલ્લા 11 મહિનાથી કોલવડા ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવે છે. સાંજે સાડા ચારેક વાગ્યાના સુમારે કોલવડા પંચાયતમાં દિલિપસિંહ સગા માસીનો દિકરો અને કોલવડામાં રહેતો મયુરધ્વજસિંહ ઉર્ફે મયુર જગદીશસિંહ વાઘેલા આવ્યો હતો. દારૂ પીધેલી હાલતમાં આવેલા મયુરે તલાટીને કીધું હતું કે, ‘તારે આ ગામમાં નોકરી કરવી હોય તો તારે હું કહું તેમ કરવું પડશે અને હું કહું ત્યાં સહી સિક્કા કરવા પડશે.’ જેને પગલે તલાટીએ કહ્યું હતું કે ‘જો કાયદેસરના કાગળો હશે તો હું સહી સિક્કા કરવા બંધાયેલો છું.’ તલાટી ભાઈનો જવાબ સાંભળી ઉશ્કેરાયેલા મયુરે પંયાતની ઓફિસમાં જ તલાટીને જોરથી લાફો મારી દીધો હતો. આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી.
ફરાર થયેલાઆરોપીની શોધખોળ હાથ ધરાઈ: ઘટના અંગે તલાટી યુવકે પોતાના ભાઈને બોલાવીને આ અંગે મોડી રાત્રે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પેથાપુર પોલીસે આરોપી મયૂર વાઘેલા સામે ફરજમાં રૂકાવટ, ઈરાદપૂર્વક અપમાન, ગુનાહિત ધમકીનો ગુનો નોંધ્યો છે. કેસની વધુ તપાસ શરૂ કરતા પીએસઆઈ એ. જી. એનુરકારે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
‘પગ પકડતાં ફોટો વાઇરલ કરી આબરૂના ધજાગરા ઉડાવીશ’: મયુરે તલાટી ભાઈ ફોન લઈને ઓફિસમાં મરણનો દાખલો લેવા આવેલા મહોબતસિંહ ભરતસિંહ વાઘેલાને આપી તલાટી આરોપીના પગ પકડતા હોય તેવા ફોટો પડાવ્યા હતા. તેણે ધમકી આપી હતી કે, ફોટો વાઈરલ કરીને તારી આબરૂના ધજાગરા ઉડાવી દઈશ. આ સાથે મયૂરે સહી-સિક્કા નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ આરોપી જતો રહ્યો હતો. અને આ બનાવ બાદ ભારે ચકચાર મચી જવા પામી હતી.