ગાંધીનગર : કોરોનાની બીજી લહેરમાં શહેરો કરતાં ગામડાંમાં કેસો વધી રહ્યા છે

0
0

ગુજરાતમાં કોરોનાનો કહેર તીવ્ર ગતિએ વધી રહ્યો છે, કોરોનાની બીજી લહેરમાં શહેરો કરતાં ગામડાંમાં કેસો વધી રહ્યા છે, એ જોતાં હવે કોરોનાએ માત્ર ચોક્કસ શહેરો જ નહીં, આખા ગુજરાતમાં ભરડો લીધો છે અને દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. માત્ર એપ્રિલના 11 દિવસમાં જ મહાનગરો કરતાં જિલ્લાઓમાં કેસો ડબલ ગતિએ વધ્યા છે, જેમાં જિલ્લાઓમાં 214 ટકા કેસ નોંધાયા છે, જેની સામે શહેરોમાં 104 ટકા કેસ થયા છે.

ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વણસી રહી છે
કોરોનાના કહેરના આંકડા પણ ગંભીર બની રહ્યા છે, જેમાં એપ્રિલના 11 જ દિવસમાં રોજેરોજના કેસોમાં 174 ટકાનો વધારો રહ્યો છે. ઝોનવાઇઝ કોરોનાના કેસોનો ગ્રોથ જોવામાં આવે તો સૌથી વધુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ એટલે કે ગામડાંમાં 11 દિવસમાં 62માંથી સીધા 365 કેસોનો વધારો થયો છે, આ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 31 માર્ચે 162 કેસ હતા, જે વધીને 461 સુધી પહોંચી ગયા છે, મધ્ય ગુજરાતમાં 167 કેસથી વધીને 429 અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 167 કેસ વધીને 513 થાય છે. આમ, છેલ્લા 11 દિવસોમાં તો કોરોનાએ ગુજરાતનાં ગામડાંમાં ખૂબ ઝડપથી પગપેસારો કર્યો છે, એપ્રિલના કેસોની ટકાવારી મુજબ, 33 જિલ્લામાં 214 ટકા અને 8 શહેરોમાં 104 ટકા વધ્યા છે.

ગામડાંમાં દર્દીઓ વધતાં ઠેર ઠેર લોકડાઉનની સ્થિતિ ( ફાઈલ ફોટો).
ગામડાંમાં દર્દીઓ વધતાં ઠેર ઠેર લોકડાઉનની સ્થિતિ ( ફાઈલ ફોટો).

ઉત્તર ગુજરાતમાં નવા 536 કેસ નોંધાયા
શહેરોની સાથે જે રીતે ગામડાંમાં કોરોનાની ગતિ વધી રહી છે. એ જોતાં કોરોનાની લહેર ખતરનાક સાબિત થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં નવા કેસોની વિગતો જોઈએ તો મહેસાણામાં 143, પાટણમાં 104, બનાસકાંઠામાં 94, સાબરકાંઠામાં 24 અને અરવલ્લીમાં 171 મળી કુલ 536 કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણામાં 59, કડીમાં 50, વીસનગરમાં 20, વિજાપુરમાં 7, વડનગર-સતલાસણામાં 2-2, ઊંઝા-બહુચરાજી-જોટાણામાં 1-1 કેસ નોંધાયા છે.

મહેસાણા શહેરમાં રેપિડમાં 128, RT-PCRમાં 42 પૉઝિટિવ
મહેસાણા જિલ્લામાં રવિવારે લેવાયેલા 732 સેમ્પલો પૈકી 143 કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, એટલે કે સેમ્પલ સામે પોઝિટિવ રેશિયો 19.53 ટકાનો રહ્યો હતો, જ્યારે મહેસાણા શહેરમાં સોમવારે કરાયેલા રેપિડ ટેસ્ટમાં 409માંથી 128ને પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. તો મહેસાણા અને વીસનગરમાં 6 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની કોવિડ ગાઇડલાઇન્સ મુજબ અંતિમવિધિ કરાઇ હતી. જોકે આરોગ્ય વિભાગના ચોપડે કોરાનાથી એકપણ મોત બતાવાયું નથી. સોમવારે 7394 લોકોને કોવિડ રસી અપાતાં કુલ રસીકરણનો આંકડો 3,39,221 થયો છે.

કોરોનાના ટેસ્ટ માટે સ્પેશિયલ ડોમ ઊભા કરવામાં આવ્યા ( ફાઈલ ફોટો).
કોરોનાના ટેસ્ટ માટે સ્પેશિયલ ડોમ ઊભા કરવામાં આવ્યા ( ફાઈલ ફોટો).

અરવલ્લી જિલ્લામાં 171 કરતાં વધુ લોકો પોઝિટિવ
અરવલ્લી જિલ્લામાં જુદા જુદા સામૂહિક આરોગ્ય કેન્દ્રને પીએસસી દ્વારા 580 ઉપરાંત લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં એક જ દિવસમાં જિલ્લામાં 171 કરતાં વધુ લોકોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો હતો. જિલ્લાના આરોગ્ય વિભાગના સેન્ટર પર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓ ધરખમ વધારો નોંધાતાં આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો હતો. ઉત્તર ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના કેસમાં સતત વધારો થતો જ રહે છે. રેપિડ અને આરટીપીસીઆઆર ટેસ્ટમાં વધારો કરાતાં કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. બાયડમાં શંકાસ્પદ એક મોત નોંધાયું હતું.

સાબરકાંઠામાં બીજી લહેરમાં સંક્રમિત થનારા 65 ટકા લોકો 45 વર્ષથી નીચેના
તંત્ર દ્વારા હાલમાં 45 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિઓને વેક્સિન અપાઇ રહ્યુ છે પરંતુ નવી લહેરમાં સાબરકાંઠામાં 42 દિવસમાં સંક્રમિત થયેલી વ્યક્તિઓમાં 65.06 ટકા દર્દી 45 વર્ષથી નીચેના છે. વાયરસની ક્રોનોલોજી જોતાં આવનાર સાઇકલ માટે લોકોને મૃત્યુથી સુરક્ષિત કરવા હોય તો 45 વર્ષથી નીચેની વ્યક્તિઓને પણ વેક્સિન આપવાનું ચાલુ કરી દેવું જરૂરી બની રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોના નવી લહેરના 42 દિવસમાં તંત્રએ જાહેર કરેલા આંકડાની વિગત જોતાં કુલ 541 સંક્રમિત વ્યક્તિ પૈકી 352 દર્દી 05થી 45 વર્ષની છે. માર્ચમાં શરૂ થયેલી નવી લહેરમાં 65.06 ટકા દર્દી યુવા છે. આ વયજૂથના લોકો શાળા – કોલેજ, ધંધા રોજગાર, પ્રવાસ અર્થે બહાર અવરજવર વધુ કરતા હોવાથી આ વખતની સાઇકલ યુવા વર્ગને વધુ સંક્રમિત કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here