ગાંધીનગર : મહાત્મા મંદિરની કોવિડ હોસ્પિટલ તૈયાર

0
3

ગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિરમાં તબક્કાવાર બેડની સંખ્યા ઘટાડી દઇ હવે 850 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં 225 આઈસીયુ તેમજ 625 ઓક્સિજન એમ કુલ 850 બેડની વ્યવસ્થા ઉભી કરાઇ છે. જેમાં 54 ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક મારફતે એક સાથે દર્દીઓને ઓક્સિજન આપી શકાય તે રીતે સંપૂર્ણ હોસ્પિટલ વાતાનુકૂલિત બનાવવામાં આવી છે.

હોસ્પિટલ DRDO અને ટાટાના સહયોગથી ઉભી કરી દેવામાં આવી

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ દ્વારા જાહેરાત કરાયેલી મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ DRDO અને ટાટાના સહયોગથી યુધ્ધના ધોરણે ઉભી કરી દેવામાં આવી છે. શરૂઆતમાં અત્રે 1200 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ અચાનક બેડની સંખ્યા ઘટાડી દઇ 900 બેડની હોસ્પિટલ બનાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે એમાંય 50 બેડનો કાપ મૂકીને 850 બેડની ક્ષમતા વાળી કોવિડ હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી છે.

54 ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક લગાવવામાં આવી

ગાંધીનગરની હોસ્પિટલોમાં જે રીતે ઓક્સિજન અછત સર્જાઈ હતી. જેના કારણે કેટલાય દર્દીઓને જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. ત્યારે મહાત્મા મંદિરની કોવિડ હોસ્પિટલમાં એકસાથે 1200 દર્દીઓને ઓક્સિજન સપ્લાય મળી રહે તે માટે 54 ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક ની વ્યવસ્થા કરવામાં આવી છે.

225 આઈસીયુ અને 625 ઓક્સિજનનાં બેડની સુવિધા

કોવિડ હોસ્પિટલ સંપૂર્ણ રીતે વાતાનુકૂલિત રીતે તૈયાર કરવામાં આવી છે. જેમાં 225 આઇસીયુ તેમજ 625 ઓક્સિજનનાં બેડ મળી કુલ 850 દર્દીઓને એકસાથે સારવાર આપવામાં આવનાર છે. કોવિડ હોસ્પિટલમાં ડેડ બોડી લઈ જવા માટે મહાત્મા મંદિરની કમ્પાઉન્ડ વોલને તોડીને ખાસ રસ્તો પણ બનાવી દેવામાં આવ્યો છે.

એક ફાયર ઓફિસર તેમજ ત્રણ ફાયર મેન તૈનાત રહેશે

મહાત્મા મંદિરમાં છાશવારે મોટા સરકારી કાર્યક્રમ થતાં રહેતા હોવાથી અહીં પહેલેથી જ હાઈટેક એકવિપમેન્ટ સાથેની ફાયર સિસ્ટમ કાર્યરત છે. જેમાં અગાઉથી જ ફાયર ઓફિસર તેમજ ફાયર મેન ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જ્યારે હવે કોવિડ હોસ્પિટલ કાર્યરત થવા જઈ રહી છે ત્યારે આગની ઘટનાને તુરંત પહોંચી વળવા માટે એક ફાયર ઓફિસર તેમજ ત્રણ ફાયર મેન તૈનાત રહેશે. આ ઉપરાંત એડિશનલ ફાયર એસસ્ટિંગ તેમજ વોટર મિસ્ટ ટ્રોલીની પણ સુવિધા કરવામાં આવશે. 150 લીટર પાણીની ક્ષમતા સાથેની વોટર મિસ્ટ ટ્રોલીઓ 30 થી 35 મીટર લાંબી પાઈપ જોડેલી હોય છે. જેથી આગની ઘટના બને તો હાજર કર્મચારીઓ જ આ વોટર મિસ્ટ ટ્રોલી મારફતે આગ પર કાબુ મેળવી લેશે.

સિવિલમાં 600કોલવડા 200 બાદ હવે મહાત્મા મંદિર હોસ્પિટલ ઓક્સિજનથી સજ્જ

ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેર ઘાતકી સાબિત થઈ છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 600 દર્દીઓને અવિરત ઓક્સિજન મળતો રહે તે માટે સિવિલ તંત્ર કામ કરી રહ્યું હતું પરંતુ ટેકનિકલ કારણોસર અહીં ઓક્સિજનનો પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા આવી હતી. જેનાં પગલે તાત્કાલિક કોલવડા ખાતે ખૂબ જ ટૂંકા ગાળામાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરી પ્રતિ મિનિટ 300 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ એક્ટિવ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે મહાત્મા મંદિરની હોસ્પિટલમાં પણ 54 ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક મારફતે એકસાથે 1200 દર્દીઓને ઓક્સિજન આપી શકાય તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત કરી

મહાત્મા મંદિર ખાતે યુદ્ધનાં ધોરણે ઉભી કરી દેવામાં આવેલી હોસ્પિટલની આરોગ્ય કમિશનર શિવ હરે, જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય, મ્યુનિસિપલ કમિશનર ડો. રતન કુંવર ગઢવી ચારણ, સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો. નિયતિ લાખાણી સહિત DRDOનાં ઉચ્ચ અધિકારીઓએ ગઈકાલે મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેથી આગામી ટૂંકા ગાળામાં મહાત્મા મંદિરની કોવિડ હોસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લી મૂકી દેવામાં આવે તેવા એધાણ દેખાઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here