ગાંધીનગર : શહેરના પ્રવેશ દ્વારે આશરે 100 ફુટ ઉંચાઇ ઉપર લહેરાતો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ખંડિત

0
1

ગાંધીનગરમાં વાવાઝોડાની અસરના પગલે પવનના સુસવાટા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતાં શહેરના પ્રવેશ દ્વારે આશરે 100 ફુટ ઉંચાઇ ઉપર લહેરાતો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ખંડિત થઈ ગયો હતો. ત્યારે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે વરસતા વરસાદમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે રાષ્ટ્રધ્વજને ઉતારીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરત કર્યો હતો.

વાવાઝોડુ ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા

રાજ્યભરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે ભારે પવનનાં સુસવાટા સાથે ધોધમાર કમોસમી વરસાદથી જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબકી પડ્યો હતો. ગાંધીનગર શહેર સહિત તાલુકા વિસ્તારોમાં મિની વાવાઝોડુ ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઘણી જગ્યાએ મસમોટા ભૂવા જવાના કારણે વાહનો ફસાઈ ગયાં હોવાનું પણ સામે આવ્યું હતું.

 4 નો અંડર બ્રીજ પણ પાણીથી ભરાઈ ગયો

એમાંય ગાંધીનગર શહેરમાં કમોસમી વરસાદ સતત ચાલુ રહેતા નદી વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત અનેક સ્થળોએ મસમોટા હોર્ડિંગ્સ પડી જવા પામ્યા હતા. દિવસભર વરસાદી માહોલ રહેતા સ્માર્ટ સીટી અન્વયે બનાવેલ ઘ 4નો અંડર બ્રીજ પણ પાણીથી ભરાઈ ગયો હતો. જેનાં કારણે અંડર બ્રીજમાં પાણીના ફુવારા શરૂ થઈ ગયા હતા. યોગ્ય પ્લાનીંગ વિના કરોડોનાં ખર્ચે તૈયાર કરાયેલ બ્રિજ કોર્પોરેશન તંત્રને બંધ કરી દેવાની ફરજ પડી હતી.

બીજી તરફ આશરે 100 કિ.મી ઝડપે ફૂંકાતા પવન તેમજ ભારે વરસાદના કારણે ગાંધીનગરનાં પ્રવેશ દ્વારે લહેરાવવામાં આવેલ સૌથી મોટો રાષ્ટ્ર ધ્વજ પણ ખંડિત થઈ ગયો હતો. ગાંધીનગરની આન બાન શાન ગણાતા 100 ફૂટની ઊંચાઈએ લહેરાતા રાષ્ટ્ર ધ્વજ પણ વાવાઝોડાનાં કારણે ખંડિત થતાં કોર્પોરેશન તંત્ર દ્વારા તાત્કાલિક ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

રાષ્ટ્ર ધ્વજને વધુ નુકશાન થાય તે પેહલા જ ફાયર બ્રિગેડે કામગીરી કરી

ગાંધીનગરનાં પ્રવેશ દ્વારે ગગનચુંબી રાષ્ટ્ર ધ્વજને વધુ નુકશાન થાય તે પેહલા જ ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક તરફ ગગનચુંબી ઊંચાઈએ રાષ્ટ્ર ધ્વજ અને બીજી તરફ સુસવાટા મારતા પવન સાથેના વરસતા વરસાદ વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક આગવી સૂઝબૂઝ વાપરીને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે રાષ્ટ્રધ્વજને નીચે ઉતારવામાં આવ્યો હતો. બાદમાં રાષ્ટ્રધ્વજને નિયમો મુજબ લપેટીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here