ગાંધીનગર: પછાત વર્ગ છાત્રાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓને મોંઘવારીમાં પણ ફિક્સ પગાર અપાય છે. પરિણામે પગારમાં વધારો કરવાની માંગણી સાથે ગુજરાત રાજ્ય પછાત વર્ગ છાત્રાલય કર્મચારી મહામંડળના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી છે. કર્મચારીઓની માંગણીઓ નહી સ્વિકારાય તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
રાજ્ય સરકાર દ્વારા પછાત વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે નહી તેમજ રહેવા માટે હોસ્ટેલ સહિતની સુવિધા કરવામાં આવી છે. જોકે હોસ્ટેલમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ હાલમાં ફિક્સ વેતન આપવામાં આવી રહ્યું છે. હોસ્ટેલમાં ફરજ બજાવતા ગૃહપતિ અને ગૃહમાતાને રૂપિયા 5500 થી 6500નો માસિક પગાર આપવામાં આવે છે. તે જ રીતે રસોઇયાને માસિક રૂપિયા 3000 થી 3500 તેમજ ચોકીદારને માસિક રૂપિયા 3000નો ઉચ્ચક વેતન આપતા કર્મચારીઓ આર્થિક શોષણનો ભોગ બની રહ્યા હોવાનો આક્ષેપ ગુજરાત રાજ્ય પછાત વર્ગ છાત્રાલય કર્મચારી મહામંડળના પ્રમુખ રમેશભાઇ નાયીએ કર્યો છે. જોકે હોસ્ટેલના કર્મચારીઓના પગારમાં વધારાની માંગણી કરતા રાજ્ય સરકારે ગૃહપતિ અને ગૃહમાતાનો માસિક પગાર રૂપિયા 5200 થી 6000, રસોઇયાનો માસિક પગાર રૂપિયા2800 થી 3050 તથા ચોકિદારનો માસિક પગાર રૂપિયા 3350 કરાયો હતો.
જોકે હાલની કારમી મોંઘવારીમાં આટલો ઓછો પગાર આપવામાં આવતા આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે. ઓછા પગારને લીધે મોંઘવારીમાં ઘરનું ગુજરાન કરવું કપરૂ બની રહ્યું છે. કારમી મોંઘવારીમાં કર્મચારીઓને લઘુત્તમ વેતન ધારા કરતાં તદ્દન ઓછું ફિક્સ વેતન આપવામાં આવે છે. આથી સરકારના લઘુત્તમ વેતન ધારાની અમલવારી કરવામાં આવે તેવી માંગણી સાથે મુખ્યમંત્રી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં રજુઆત કરવામાં આવી છે. કર્મચારીઓના વેતનમાં વધારો કરવામાં નહી આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ગુજરાત રાજ્ય પછાત વર્ગ છાત્રાલય કર્મચારી મહામંડળના પ્રમુખે ઉચ્ચારી છે.