ગાંધીનગર : હુક્કાની જુદી જુદી ફ્લેવરના પેકેટો, માટીના હુક્કા મળી રૂ. 49 હજારનો મુદ્દામાલ જપ્ત

0
0

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકની હદમાં કોબા સર્કલ પાસે સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્ષનાં ભોંયરામાં ચાલતા ગેરકાયદેસર હુક્કા બાર પર પૂર્વ બાતમીના આધારે ત્રાટકી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 11 નબીરા તેમજ હુક્કા બારના માલિક સહિત 15 લોકોની ધરપકડ કરી હુક્કાની જુદી જુદી ફ્લેવરના પેકેટો, માટીના હુક્કા મળી રૂ. 49 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર રેન્જ આઈજીપી અભય ચુડાસમા અને પોલીસ વડા મયુર ચાવડાએ ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા નશાની ગેરકાયદેસર પ્રવૃતિ અંગે માહિતી મેળવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેનાં પગલે એસઓજી પીઆઈ ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પીએસઆઈ આર.બી.પરમાર સહિતની ટીમ સરકારી તેમજ ખાનગી વાહનોમાં ઈન્ફોસીટી પોલીસ વિસ્તારમાં ખાનગી વોચ રાખી પેટ્રોલીંગ કરી રહી હતી. પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, કોબા સર્કલથી ગાંધીનગર તરફ જતાં રોડ પર આવેલા સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્ષના પાછળના ભાગે બેઝમેન્ટમાં હુક્કા બાર ધમધમી રહ્યું છે. આથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સિલ્વર પોઈન્ટ કોમ્પલેક્ષ પહોંચીને તેને કોર્ડન કરી લીધું હતું. બાદમાં કોમ્પલેક્ષનાં ભોંયરામાં ચાલતા હુક્કા બાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. અચાનક પોલીસ કાફલો ત્રાટકતા હુક્કા બારમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે હુક્કા બારના ચલાવનાર નભોઈ ભરવાડવાસમાં રહેતા નવઘણ છગનભાઈ ભરવાડ અને તેના ભત્રીજા સંજય જગાભાઈ ભરવાડ અને તેના કારીગર કુમાર આશુતોષ ધર્મેન્દ્રકુમાર ભારદ્વાજ રોહિત કુમાર પાન્ડે (રહે. મૂળ બિહાર, હાલ સિલ્વર પોઈન્ટ કોમ્પલેક્ષ)ને ઝડપી લેવામાં આવ્યા હતા.

તદુપરાંત હુક્કા બારમાં બેસીને વિવિધ ફ્લેવરના હુક્કા ફૂંકીને ધુમાડા કાઢનાર અંશુલ દિનેશભાઈ નાનવાણી (રહે. હરનામદાર સોસાયટી, કુબેરનગર, અમદાવાદ), દિવ્યાંશુ વિજયભાઈ ગુપ્તા (શ્રીરામ કુટીર સ્વામિનારાયણ પાર્કની પાછળ,નવા નરોડા, અમદાવાદ), યુવરાજસિંહ ભરતસિંહ વાઘેલા (રહે. આર્યક્રિષ્ણ એન્કલેવ, સૈજપુર-બોઘા, અમદાવાદ), અર્ચિત ગૌતમભાઈ પટેલ (રહે. વ્રજનંદન બંગલો, બોપલ-અમદાવાદ), પ્રતિક ચંદ્રકાંતભાઈ પટેલ (રહે. રવિકુંજ સોસાયટી, ચાંદખેડા), વિરાજ જશવંતભાઈ પટેલ (રહે. વિવેકાનંદ નગર, ચાંદખેડા), વિશાલ હિરાભાઈ દવે (હિરાધન સીટી, ચાંદખેડા), હિમાંશુ નરેશકુમાર રામરખીયાણી (નારાયણ સ્ટેટસ, ભાટ), મિત પરેશભાઈ પટેલ (નારાયણ સ્ટેટસ, ભાટ) ઉત્સવ કેતનભાઈ પટેલ (રહે. પ્રમુખનગર, સરગાસણ) અને જયરાજ રોહિતભાઈ બ્રહ્મભટ્ટ (રહે. પ્રમુખપાર્ક બંગલોઝ, રાયસણ)ની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સ્થળ પરથી માટીની ચીલમના હુક્કા, હુક્કાની જુદી-જુદી ફલેવરોના પેકેટ, હુક્કામાં લગાવવાની પ્લાસ્ટીકની જુદા-જુદા કલરની પાઈપ મળી કુલ રૂ. 49 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here