ગાંધીનગર : કર્ફ્યૂ લગાવવામાં આવે તો માહિતી ખાતાની ભરતી પરીક્ષા પાછી ઠેલાવાની શક્યતાઓ

0
9

રાજ્યમાં કોરોનાના કેસ વધતાં સ્થિતિ વધારે વણસી છે. ડોક્ટરો અને વેપારીઓએ પણ રાજ્યમાં લોકડાઉન લગાવવાની તરફેણ કરી છે.આગામી 10 એપ્રિલે માહિતી ખાતાની પરીક્ષા યોજાવાની છે. જો હાઈકોર્ટના આદેશ મુજબ રાજ્યમાં કર્ફ્યૂ લગાવવામાં આવે તો પરીક્ષા પાછી ઠેલાવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

10મી એપ્રિલે માહિતી ખાતાની પરીક્ષા યોજાવાની છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ વર્ગ-1,2 અને 3ની ભરતી માટે આગામી 10મી એપ્રિલે પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષામાં આઠ હજાર કરતાં પણ વધારો ઉમેદવારો પરીક્ષા આપવાના છે. નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ-2ની પ્રિલિમનરી પરીક્ષા 10 એપ્રિલે સવારે 10 વાગ્યે યોજાશે. જ્યારે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-3ની પરીક્ષા બપોરે 3 વાગ્યે ફાળવવામાં આવેલા વિવિધ સેન્ટરો પર યોજાશે.

અગાઉ પરીક્ષાની તારીખો બદલવામાં આવી હતી
તે ઉપરાંત કોરોનાની પરિસ્થિતિને જોતાં જીપીએસસી દ્વારા યોજવામાં આવનાર 10 પરીક્ષાઓની તારીખો બદલવામાં આવી હતી. જેમાં પરિક્ષેત્ર વન અધિકારીની પરીક્ષા અગાઉ 4 એપ્રિલે યોજાવાની હતી. જેની તારીખમાં ફેરફાર થતાં હવે તે 18 એપ્રિલે યોજાશે. નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3ની પરીક્ષા અગાઉ 18 એપ્રિલે યોજાવાની હતી. જે હવે 9મી મેના રોજ યોજાશે. આ સિવાયની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ મે મહિનામાં યોજાઈ રહી છે.

કર્ફ્યૂ લાદવા હાઈકોર્ટની સરકારને ટકોર
રાજ્યમાં સતત વધી રહેલી કોરોના મહામારીને પગલે હવે ફરી એકવાર લોકડાઉન થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે હવે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે.

સરકારની વીકએન્ડ લોકડાઉન અંગેની વિચારણા
ગુજરાતમાં કોરોના સંક્રમણથી અલર્ટ થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. તો બીજી બાજુ, શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડતી હોવાથી વેપારી એસોસિયેશન માને છે કે કોરોના કાબૂમાં લેવા હવે સરકારે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ, જેથી ઝડપથી કાબૂ આવી શકે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here