ગાંધીનગર : ખાનગી હોસ્ટેલે આર્થિક રીતે નબળી યુવતીઓને બે ટાઈમ જમવાનું નહીં આપતાં ‘મહિલા હેલ્પલાઇન’ની મદદ લીધી

0
9

ગાંધીનગર શહેરમાં અનેક યુવક યુવતીઓ UPSC અને GPSCની તૈયારીઓ કરવા માટે અન્ય શહેરોમાંથી આવતી હોય છે. તેઓ શહેરમાં આવેલી અનેક ખાનગી હોસ્ટેલમાં રહેતી હોય છે. ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલી એક હોસ્ટેલમાં રહેતી 10 જેટલી યુવતીઓની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાના કારણે સમયસર ફી ભરી ન શકતા એક અઠવાડિયાથી તેમને નાસ્તો આપવામાં આવતો નથી. તેમજ બે ટાઈમ જમવાનું પણ આપવાની ના પાડી દેવામાં આવી હતી. જેથી યુવતીઓએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે હોસ્ટેલના માલિક અને મેનેજર તેમજ યુવતીઓ વચ્ચે કાઉન્સેલિંગ કરી યુવતીઓએ લેખિતમાં સમયસર ફી ભરી દેશે તેવી બાંહેધરી આપી હતી. ત્યાં સુધી તેઓને રહેવા, જમવા સહિતની સુવિધાઓ આપવા પણ હોસ્ટેલ માલિક તૈયાર થતા સમાધાન થયું હતું.

યુવતીઓએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી

ગાંધીનગર 181 અભ્યમ હેલ્પલાઇનને કોલ મળ્યો હતો કે હોસ્ટેલમાં અમને જમવાનું નથી આપતા જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. ફોન કરનાર યુવતીએ જણાવ્યું હતું કે મારી સાથે અન્ય આઠથી નવ યુવતીઓ હોસ્ટેલમાં રહે છે અને અમને જમવાનું આજે આપવાની ના પાડે છે અને એક અઠવાડિયાથી નાસ્તો પણ બંધ કરી દીધો છે. સારી પરિસ્થિતિ ન હોવાથી અમે ફી નથી ભરી પરંતુ નક્કી કરેલી તારીખ સુધીમાં ભરી દેવાનું કહ્યું છતાં આ રીતે જમવાનું નથી આપ્યું. હેલ્પલાઇનની ટીમે હોસ્ટેલના માલિક અને મેનેજર સાથે વાતચીત કરતાં મેનેજરે જણાવ્યું હતું કે છોકરીઓએ યુનિયન બનાવ્યું છે. તેઓ પાસે ફી ભરવા પૈસા છે છતાં તેઓ નક્કી કરેલી તારીખે જ ફી ભરશે તેવું છોકરીઓમાંથી જ અમને જાણવા મળ્યું છે.

ફી ભરવાની લેખિતમાં ખાતરી આપ્યા બાદ સમાધાન થયું

મેનેજર અને માલિકને આ બાબતે સમજાવ્યા હતા કે નક્કી કરેલી તારીખ સુધીમાં છોકરીઓને હોસ્ટેલમાં રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવે. જો નક્કી કરેલી તારીખ બાદ ન આપે તો આગળ કાર્યવાહી કરવામાં આવે. જેથી મેનેજરે છોકરીઓ આ બાબતે લેખિતમાં આપશે કે નક્કી કરેલી તારીખ સુધીમાં ફી આપીશું તો જ અમે જમવા દઈશું. જેથી છોકરીઓએ લેખિતમાં આપતાં છોકરીઓ અને હોસ્ટેલના મેનેજર- માલિક વચ્ચે સમાધાન કરાવી મહિલા હેલ્પલાઇન એપ્લિકેશનની માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here