ગાંધીનગર : રિસેપ્શનિસ્ટ અને વેઇટર વચ્ચે પ્રેમ પાંગર્યો, પ્રેમીએ બીભત્સ ફોટોઝ પાડી વારંવાર દુષ્કર્મ આચર્યું

0
8

અમદાવાદના સૈજપુર બોઘા ખાતે રહેતી અને ગાંધીનગરના એક રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી યુવતીને રિસોર્ટની કેન્ટીનના વેઇટર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બન્ને પ્રેમના ફાગ ખેલવા ગાંધીનગરની એક હોટલમાં ગયેલાં. બાદમાં યુવકે તેના બીભત્સ ફોટોઝ પાડીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગાંધીનગરના સેકટર 21 પોલીસ મથકે નોંધવામાં આવી છે.

ગાંધીનગરના સેકટર 21 પોલીસ મથકે 19 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અમદાવાદના સૈજપુર બોઘામાં રહેતી યુવતી વર્ષ 2018થી 2019 દરમિયાન 17 વર્ષની ઉંમરે ગાંધીનગરના એક રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. એ વખતે તેને રિસોર્ટની કેન્ટીનના વેઇટર સુરેશ કાન્તિલાલ વાઘેલા (રહે.14/15, ઔડાના મકાન જીઆઇડીસી સેક્ટર 25 ગાંધીનગર) સાથે થયેલા પરિચય બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો અને સુરેશે તેને લગ્ન કરવાનો ભરોસો આપ્યો હતો.

ગાંધીનગરના પૂર્ણિમા ગેસ્ટ હાઉસથી સિલસિલો શરૂ થયો

ત્યારે 18મી ઓક્ટોબર 2018ના રોજ સુરેશ સાથે યુવતી ગાંધીનગરના સેક્ટર 16માં આવેલા પૂર્ણિમા ગેસ્ટ હાઉસમાં પ્રણય ફાગ ખેલવા માટે ગઈ હતી. સુરેશે એ યુવતીના બીભત્સ ફોટોઝ પાડીને દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ પણ 23મી ઓકટોબરના રોજ બપોરના સુમારે સુરેશ કિશોરીને ફરીથી પૂર્ણિમા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. એ પછી કિશોરી વર્ષ 2019માં પુખ્ત વયની થઈ ચૂકી હતી. ત્યાર બાદ 19મી જાન્યુઆરી 2019ના રોજ સુરેશ યુવતીને એપોલો હોસ્પિટલ ખાતે બોલાવીને એક્ટિવા ઉપર બેસાડી થલતેજ રોડ પર આવેલી હોટલ લોન્ગ સ્ટેમાં લઈ ગયો હતો. ત્યાં પણ સુરેશ તેની સાથે સંબંધ બાંધ્યા બાદ આ પ્રકારનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.

સેક્ટર 16માં આવેલી વસુંધરા હોટલમાં દસ વખત લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા

યુવતીના અશ્લીલ ફોટોઝ પાડ્યા બાદ સુરેશ માટે શરીર સંબંધ બાંધવાનું નિત્યક્રમ બની ગયું હતું, જેને પગલે ગાંધીનગરના સેક્ટર 16માં આવેલી વસુંધરા હોટલમાં અલગ અલગ તારીખે અને સમયે આઠથી દસ વખત યુવતીને લઈ ગયા બાદ શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ ગાંધીનગર કોબા સર્કલ પાસે આવેલી ન્યૂ રાજધાનીમાં પણ પાંચથી છ વખત યુવતી સાથે સંબંધો બાંધ્યા હતા.

પ્રેમી સાથે ફોન પર પ્રેમાલાપ કરતી વખતે યુવતીનાં પરિવારજનો સમક્ષ ભાંડો ફૂટ્યો

પ્રેમી સાથે ફોન પર વાત કરતી વખતે યુવતીનાં મમ્મી-પપ્પાને ખબર પડી ગઈ હતી. જેથી તેમણે સુરેશને ઘરે મળવા બોલાવ્યો હતો અને તેમને યુવતી સાથે લગ્ન કરવાની સુરેશે હા પાડી હતી. એ બાદ યુવતીએ 31 માર્ચ 2019ના રોજ રિસોર્ટમાંથી રાજીનામું આપી નોકરી છોડી દીધી હતી.

પુખ્ત વયની થયા બાદ યુવતીએ લગ્નની વાત કરતાં પ્રેમીનું પોત પ્રકાશ્યું

18 વર્ષ પૂર્ણ થતાં યુવતીએ સુરેશને લગ્નની વાત કરી હતી અને સુરેશને પણ તેનાં પરિવારજનોને આ બાબતે જાણ કરવા યુવતીએ કીધું હતું. ત્યાર બાદ સુરેશ દર રવિવારે યુવતીને મળવા માટે તેના ઘરે પહોંચી જઈ શરીર સંબંધ બાંધતો હતો. છેલ્લા દસેક દિવસથી યુવતી સુરેશને ફોન કરતાં તેનો ફોન સતત એન્ગેજ આવી રહ્યો હતો, જેથી વારંવાર પૂછતાછ કરતાં સુરેશ તેને નિકોલ શુકન રાધે બંગલો પાસે મળવા બોલાવી હતી. જ્યાં યુવતીએ યુક્તિ પ્રયુક્તિથી સુરેશનો ફોન લઈને સંગી નામથી સેવ થયેલો નંબર નોંધી લીધો હતો. બાદમાં યુવતીએ એ નંબર પર ફોન કરતાં સામેથી સંગીતા નામની યુવતીએ જણાવ્યું કે સુરેશ સાથે મારી સગાઈ થવાની છે, જેથી યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

સુરેશે પોતાની વાગ્દત્તાને કોન્ફરન્સમાં લઈ યુવતીને ધમકાવી

થોડીવાર પછી સુરેશે એની વાગ્દત્તા સંગીતાને કોન્ફરન્સમાં રાખીને યુવતીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરવાનો નથી, તારાથી થાય એ કરી લેજે, ત્યારે વાગ્દત્તા સંગીતાએ પણ સુરેશ સાથે લગ્ન કરીશ, તારે મરવું હોય તો મરી જા એમ કહી ફોન કાપી નાખ્યો હતો, જેને પગલે યુવતીએ તેનાં માતા-પિતાને સમગ્ર હકીકતથી વાકેફ કરતાં સેક્ટર 21 પોલીસ મથકે યુવતીએ ફરિયાદ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર મનોજ ભરવાડે સુરેશ વાઘેલા વિરુદ્ધ આઈપીસીની કલમ 376 (2) (n),376(3),406,506(1) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here