ગાંધીનગર : પાર્કિંગ સિવાય અન્ય જગ્યાએ વાહનને પાર્ક કરવા બદલ રૂપિયા 200નો દંડ

0
13

નગરના એસ ટી ડેપોમાં મુલાકાતીઓ પોતાના ખાનગી વાહનોને આડેધડ પાર્ક કરતા હતા. આથી બસના ડ્રાઇવરોને હાલાકી પડતી હોવાથી ખાનગી વાહનોને ફરજિયાત પાર્કિંગમાં પાર્ક કરવાનો આદેશ કર્યો છે. ઉપરાંત પાર્કિંગ સિવાય અન્ય જગ્યાએ વાહનને પાર્ક કરવા બદલ રૂપિયા 200નો દંડ લેવાનો આદેશ એસ ટી ડેપોના સંચાલકોએ આદેશ કર્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરના એસ ટી ડેપોમાં વાહન પાર્કિંગ માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત અપડાઉન કરતા મુસાફરોના વાહનો મુકવા માટે પે એન્ડ પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવી છે. તેમ છતાં એસ ટી ડેપોમાં પાસ કઢાવવા કે ટિકીટના બુકિંગ માટે આવતા મુલાકાતીઓ દ્વારા પોતાના ખાનગી વાહનોને ડેપોમાં આડેધડ પાર્ક કરતા હતા. આથી બસના ડ્રાઇવરોને હાલાકી પડતી હતી. બસને લાવવા અને લઇ જવા પડતી હાલાકીને પગલે ખાનગી વાહનોને યોગ્ય જગ્યાએ પાર્કિંગમાં જ પાર્ક કરવાની સુચના લખવામાં આવી હતી. ઉપરાંત ડેપો દ્વારા એક કર્મચારીને પણ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં મુલાકાતીઓ પોતાના વાહનોને પાર્કિંગમાં પાર્ક કરવાને બદલે આડેધડ પાર્ક કરી દેતા હતા.

ડેપોમાં ખાનગી વાહનોના આડેધડ પાર્કિંગને રોકવા માટે એસ ટી ડેપોના મેનેજર દ્વારા રૂપિયા 200 દંડનો નિયમ બનાવ્યો છે. તેમાં મુલાકાતે આવતા લોકોએ પોતાના ખાનગી વાહનોને પાર્કિંગમાં મુકવાના રહેશે. અન્યથા ગમે ત્યાં પાર્ક કરવામાં આવશે તો રૂપિયા 200નો દંડ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાસ કઢાવવા કે ટિકીટના બુકિંગ માટે આવતી વ્યક્તિઓના પોતાના વાહનોને પે એન્ડ પાર્કિંગમાં મુકવા દેવામાં આવે છે. તેના માટે કોઇ ચાર્જ પણ લેવામાં આવતો નથી. તેમ છતાં અમુક લોકો પોતાના વાહનોને ગમે ત્યાં પાર્ક કરીને જતા રહેતા હોવાનું ડેપોના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here