ગાંધીનગર : યુવતી સાથે રૂ. 26.25 લાખની છેતરપિંડી

0
6

ગાંધીનગરના સચિવાલય ખાતે ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવતી 31 વર્ષીય યુવતી સાથે વિશ્વાસ સંપાદન કરીને ચાર ગાડીઓ હજીરા પોર્ટ ઉપર ભાડે ચડાવી રોજના રૂ.3800 ચૂકવવાની લાલચ આપી વલસાડ વાપીનો શખ્શ રૂ. 26.25 લાખની ચાર ગાડીઓ લઈને છૂ થઈ જતાં અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવવા પામ્યો છે.

ગાંધીનગરના સરગાસણ હરિ આલયમ ફ્લેટ નંબર-501માં પરિવાર સાથે રહેતી રિદ્ધિ રતનસિંહ ગઢવી સચિવાલય ખાતે ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આજથી ત્રણ વર્ષ અગાઉ પરિવારને ફરવા જવાનું હોવાથી રિદ્ધિએ અમદાવાદની યુગ ડ્રાઈવર સર્વિસમાં ફોન કરીને ડ્રાઈવર સંજય નટવરભાઈ પટેલ (રહે. બી 101, વૃંદાવન પાર્ક, તક્ષશિલા પાસે, વાપી, વલસાડ)ને બોલાવ્યો હતો. બાદમાં તેનું ડ્રાઈવીંગ વ્યવસ્થિત લાગતા અવારનવાર સંજયને જ ડ્રાઈવર તરીકે બોલાવતા હતા.

આ રીતે રિદ્ધિ સાથેની મુલાકત થતાં સંજય પટેલ સાથે ઓળખાણ થઈ ગઈ હતી. ત્યારે વર્ષ 2020માં સંજયે કહેલું કે, નોકરીમાં વધુ કમાણી થતી નથી. જો તમે મને ગાડીઓ ભાડે આપો તો તેને હજીરા પોર્ટ પર ભાડે મૂકીને બન્નેને આર્થિક ફાયદો મળશે. તેવો સંજયે વિશ્વાસ આપતા રિદ્ધિએ તેમના ઓળખીતા ભરત દેસાઈ ની સ્વિફ્ટ કાર, કનુભાઈ સોલંકીની બલેનો કાર, બાબુભાઈ જાદવની રેનોલટ કાર તેમજ નીકીન પટેલની ઇનોવા કાર સંજય પટેલને ભાડે મૂકવા માટે આપી હતી.

જેની સામે સંજય પટેલે ત્રણ કાર પેટે રૂ. 1800 તેમજ ઇનોવા કાર પેટે રૂ. બે હજાર દૈનિક ચૂકવવાનો વિશ્વાસ આપ્યો હતો. બીજી તરફ રિદ્ધિ ત્રણ વર્ષથી સંજયને ઓળખતી હોવાથી તેની સાથે કોઈ જાતનું લખાણ કર્યું ન હતું. બાદમાં ગત.તા 04/02/2021નાં રોજ રૂ. 49 હજાર 500 તેમજ તા. 04/03/2021 નાં રોજ રૂ. 20 હજાર સંજયે ચૂકવ્યા હતા. જે રકમ નક્કી થયા કરતા ઓછી હતી.

ત્યારબાદ રિદ્ધિએ ગાડીઓ પરત માંગી લીધી હતી. જેનાં પગલે તા. 15/05/2021 નાં રોજ સંજયે ફોન કરીને કહેલું કે ગાડીઓ તેમજ બાકીના પૈસાનો હિસાબ આપી જશે. એ બાદથી સંજયે તેનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. જેથી શંકા જતા રિદ્ધિએ હજીરા મુદ્રા પોર્ટ પર તપાસ કરતા આ પ્રકારે કોઈ ગાડીઓ ભાડે મૂકવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રિદ્ધિ સંજયનાં ઘરે તા. 02/06/2021નાં રોજ તપાસ કરવા ગઈ હતી. જ્યાં તેની પત્ની અંજના તેમજ દીકરા દેવેને કહેલું કે સંજય મુંબઈ જતો રહ્યો છે અને ગાડીઓ વિશે કાંઈ ખબર નથી. આખરે રિદ્ધિને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેની ફરિયાદનાં આધારે અડાલજ પોલીસે ઉપરોક્ત ચાર ગાડીઓની કિંમત રૂ. 26.50 લાખ આંકીને સંજય પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here