Wednesday, September 29, 2021
Homeગાંધીનગર : સાબરમતી નદી : ભૂમાફિયાઓ દ્વારા આયોજન પૂર્વક નેટવર્ક ચલાવવામાં આવતું...
Array

ગાંધીનગર : સાબરમતી નદી : ભૂમાફિયાઓ દ્વારા આયોજન પૂર્વક નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ

ગાંધીનગર જિલ્લામાં સાબરમતી નદીમાં ચાલતી ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃતિને અંજામ આપવા ભૂમાફિયાઓ દ્વારા સોશિયલ મિડિયા ગ્રુપ એક્ટિવ કરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જિલ્લામાં ચાલતા આયોજન પૂર્વકનાં નેટવર્કમાં ભૂસ્તર કચેરીથી જ અધિકારી-કર્મચારીઓની રેકી કરવાથીમાંડી ભૂસ્તર ટીમની સમગ્ર હિલચાલની પળેપળ વિગતો રેત માફિયાઓ સુધી અગાઉથી જ પહોંચી જાય છે. ત્યારે જિલ્લામાં ઘણા વર્ષોથી ઊધઈની માફક ઉભા થઈ ગયેલા નેટવર્કને જડમૂળથી નેસ્તનાબૂદ કરી સરકારી તિજોરીને કરોડોનું નુકશાન પહોંચાડનાર ભૂમાફિયા સામે સાયબર સેલની ટીમને ભૂસ્તર વિભાગ દ્વારા સક્રિય કરવામાં આવનાર છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનિજ ચોરીની પ્રવૃતિઓએ માઝા મૂકી દીધી છે. સાબરમતી નદીમાં રેત માફિયાઓ દ્વારા 40થી 50 ફૂટ સુધી રેત ખનન કરી દેવામાં આવ્યું છે અને કરોડોની કિંમતની રેતી ચોરી કરી લઈ ભૂસ્તર તંત્રને મસમોટુ આર્થિક નુકશાન પહોંચાડવામાં આવી ચૂક્યું છે. બેફામ રીતે રેત ખનન થવાના કારણે સાબરમતી નદી તેની રોનક પણ ગુમાવી ચૂકી છે.

થોડા વખત અગાઉ જ ડો. મલ્લિકા સારાભાઈ દ્વારા ગાંધીનગરનાં પેથાપુર ગામ ફતેપુરામાં આવેલા પોતાના ફાર્મ હાઉસ પાછળથી પસાર થતી સાબરમતી નદીમાંથી ભૂમાફિયાઓએ 40 ફુટ સુધી રેત ખનન કરી દેવાયા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ ભૂસ્તર તંત્રની ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો, પરંતુ અગાઉથી જ દરોડાની જાણકારી મળી જતાં રેત માફિયાઓ ભૂગર્ભમાં જતાં રહ્યાં હતાં. જેનાં કારણે ભૂસ્તર તંત્રની ટીમને વીલા મોઢે પરત ફરવાની નોબત આવી હતી.

બીજી તરફ ભૂસ્તર તંત્ર દ્વારા ગુપ્ત રાહે તપાસ કરવામાં આવતા સનસનીખેજ વિગતો બહાર આવતા આખું તંત્ર હચમચી જવા પામ્યું છે. ગાંધીનગર જિલ્લામાં ચાલતું રેત ખનનનું નેટવર્ક સોશિયલ મિડિયાના માધ્યમથી ચાલતું હોવાની વિગતો ભૂસ્તર તંત્રની તપાસમાં બહાર આવી છે. ગાંધીનગર જિલ્લામાં રેત માફિયાઓ દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ ચલાવવામાં આવી રહ્યું છે. તદ્ઉપરાંત રેત ચોરી કરવા માટે પણ આયોજન બદ્ધ રીતે સમગ્ર નેટવર્ક ઊભું કરી દેવામાં આવ્યું છે.

જે મુજબ વહેલી સવારથી જ અમુક માણસો ભૂસ્તર કચેરી આસપાસ વોચમાં ગોઠવાઈ જાય છે. વહેલી પરોઢિયે પણ આ ઈસમો દ્વારા વોચ રાખવામાં આવતી હોય છે. ત્યારે ભૂસ્તર અધિકારી તેમજ કર્મચારીઓનાં વાહનો કચેરીની બહાર નીકળે એટલે તુરંત જ વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ વહેતો કરી દેવામાં આવે છે. જેનાં પગલે એક ટીમ દ્વારા પોતાના વાહનો લઈને ભૂસ્તરની ટીમની પાછળ સતત રેકી કરીને પળેપળની મુવમેન્ટની વિગતો ગ્રુપમાં વહેતી કરી દેવામાં આવતી હોય છે. જેનાં કારણે ભૂસ્તર તંત્રની ટીમ જિલ્લાના જે તે વિસ્તારમાં પ્રવેશી હોવાની માહિતી રેત માફિયાને અગાઉથી જ મળી જતી હોય છે અને તેઓ પોતાના મળતિયા લોકોને તાત્કાલીક નદીમાં ખનનની પ્રવૃતિ બંધ કરવાની સૂચના આપી દેવામા આવે છે. જેથી ભૂસ્તરની ટીમ પહોંચે તે પેહલા જ રેત માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી જતાં હોય છે અને ભૂસ્તર ટીમને વીલા મોઢે પરત ફરવાની ફરજ પડતી હોય છે.

બીજી તરફ ભૂસ્તર વિભાગના અમુક કર્મચારીઓ સાથે પણ રેત માફિયા ઘરોબો કેળવીને અગાઉથી ક્યાં ક્યાં વિસ્તારમાં દરોડો પાડવામાં આવશે તેની માહિતી પણ મેળવી લેતા હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. જિલ્લામાં બેફામ બનેલા રેત માફિયાઓ કોઈપણ જાતના ડર વિના ઘણીવાર ભૂસ્તર ટીમ પર પણ હુમલા કરતાં હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આવા સંજોગો વચ્ચે તાજેતરમાં જ ભૂસ્તર તંત્રની મિટિંગ યોજાઈ હતી.

ભૂસ્તરના ઉચ્ચ અધિકારીઓની ચાલેલી મેરેથોન બેઠકમાં રેત ખનન નાં નેટવર્કને જડમૂળથી નેસ્તનાબૂદ કરવાં અનેક સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા. ત્યારે સોશિયલ મિડિયા ગ્રૂપ થકી ચાલતાં નેટવર્ક સામેની લડાઈમાં આગામી દિવસોમાં સાયબર સેલની મદદ લેવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવનાર છે.

આ અંગે ખાણ ખનિજ વિભાગના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. વિભાગની કચેરી બહાર જ રેત માફિયાઓ ના માણસો વોચ ગોઠવીને બેસી રહેતા હોય છે અને દરોડા પાડવા નીકળેલી ટીમની રેકી કરીને સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ વહેતો કરી દેવામાં આવે છે. જેનાં કારણે વિભાગ ની ટીમને દરોડા પાડવા છતાં કાંઈ ખાસ હાથ લાગતું નથી. ત્યારે રેત માફિયાનાં નેટવર્કને સમાપ્ત કરવા માટે સાયબર સેલ ની મદદ લેવામાં આવશે. તાજેતરમાં જ વલાદ ગામમાં ભેખડ ધસી પડતાં બે લોકોના મોત થયા હતા જેમાં ટ્રેકટર ડ્રાઈવર સામે ગુનો દાખલ કરાશે. ઉપરાંત ઉવારસદ, વાવોલ, ચિલોડા, ઇન્દ્રોડા, ગિયોડ છાલા વિસ્તારમાંથી રૂ. 1.40 કરોડના વાહનો તેમજ રેતી જપ્ત કરી લેવામાં આવી છે. આગામી દિવસોમાં ભૂ માફિયાઓ સામે કડક હાથે કાર્યવાહી કરી સમગ્ર નેટવર્કને નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments