ગાંધીનગર : મહંમદ રફીનું અપહરણ થયાની શંકા, ઘરેથી સ્કૂલ ફી ભરવા નિકળ્યો અને પરત ન ફર્યો

0
1

ગાંધીનગરના વાવોલ ગામમાં રહેતો 15 વર્ષીય મહંમદ રફી નામનો કિશોર સેક્ટર 23 સ્કૂલમાં ફી ભરવા નીકળ્યા પછી આજદિન સુધી ઘરે પરત ન ફરતા તેનાં પિતાએ પુત્રનું અપહરણ થયું હોવાની આશંકા વ્યક્ત કરી ફરિયાદ આપતાં સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના વાવોલમાં આવેલા બદરી એપાર્ટમેન્ટમાં રહેતા નિઝામુદ્દીન અનવર શેખ લેબર કોન્ટ્રાક્ટર તરીકે ધંધો કરી રહ્યા છે. જેમને પરિવારમાં પત્ની ઝરીના તેમજ બે દીકરા અને એક દીકરી છે. જેમનો સૌથી મોટો પુત્ર મોહમ્મદ રફી ઉર્ફે અબરાર સેક્ટર-23ની એમબી પટેલ સ્કૂલ માં ધોરણ-10માં અભ્યાસ કરે છે.

સ્કૂલની ફી ભરવાની હોવાથી મોહમ્મદ રફી ગત તારીખ 14મી જુલાઈના રોજ ઘરેથી સ્કુલ બેગ સાથે રૂ. 3500 રોકડા લઈને ઘરેથી નિકળ્યો હતો. જ્યારે નિઝામુદ્દીન અને તેમના પત્ની કામ અર્થે સેકટર-24 માં ગયા હતા. ત્યારબાદ સ્કૂલ છૂટી ગઇ હોવા છતાં પણ મોહમ્મદ રફી ઘરે પરત ન ફરતા તેના પિતાએ સ્કૂલના ટીચરને ફોન કરીને પુત્ર અંગે પૂછપરછ કરી હતી, પરંતુ ટીચરે મહંમદ સ્કૂલે આવ્યો ન હોવાનું જણાવ્યું હતું.

પુત્ર ગાયબ થઇ જતાં પરિવારજનોએ આસપાસના વિસ્તારો તેમજ સગાસંબંધીઓના ઘરે પૂછપરછ કરી તેની શોધખોળ આદરી હતી. જોકે, આજદિન સુધી પુત્રનો ક્યાંય પત્તો ન મળતા નિઝામુદ્દીને તને પુત્રને કોઈ ઈસમ લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હોવાની આશંકા વ્યક્ત દર્શાવી ફરિયાદ આપતાં સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here