ગાંધીનગર : પ્રજા કર્ફ્યૂમાં બંધ છે અને નેતાઓ ચૂંટણીમાં મસ્ત થઈને ફરી રહ્યા છે

0
8

ગુજરાતમાં હાલમાં કોરોનાએ તમામ હદો વટાવી દીધી છે. કોરોનાને કારણે સરકારે અનિશ્ચિત મુદત માટે સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દીધું છે. બીજી તરફ,, રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે ચૂંટણીઓ યોજાઈ રહી છે. રાજકીય પક્ષોનો પ્રચાર પણ પુરજોશમાં શરૂ થઈ ગયો છે. ત્યારે સરકારના આ બેવડા વલણને લીધે અનેક સવાલો ઊભા થયા છે. હાલમાં એવાં દૃશ્યો ઊભાં થયાં છે કે પ્રજા કર્ફ્યૂમાં બંધ છે અને નેતાઓ ચૂંટણીમાં મસ્ત થઈને ફરી રહ્યા છે.

સરકારે સ્કૂલો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ કર્યું
કોરોનાના કેસો વધતાં સરકારે સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દીધું છે તેમજ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું છે. એ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂ પણ લાદી દીધો છે. સંક્રમણને રોકવા માટે સરકારે શનિવાર અને રવિવારે મોલ અને મલ્ટિપ્લેક્સ પણ બંધ કરી દીધાં છે. કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં વેપારીઓ પણ ધંધારોજગારને લઈને પરેશાન થઈ રહ્યા છે.

ગાંધીનગરમાં કોરોનાથી સ્થિતિ ગંભીર, પણ નેતાઓ ચૂંટણીમાં મસ્ત.
ગાંધીનગરમાં કોરોનાથી સ્થિતિ ગંભીર, પણ નેતાઓ ચૂંટણીમાં મસ્ત.

કોરોનાની સ્થિતિમાં ચૂંટણીપ્રચાર પુરજોશમાં
રાજ્યમાં આગામી 17 એપ્રિલના રોજ મોરવાહડફની પેટાચૂંટણી તથા 18 એપ્રિલના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. હાલ બંને ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રેલીઓ અને સભામાં કોરોના ગાઈડલાઇન્સનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. અનેક નેતાઓ માસ્ક વગર સભામાં જોવા મળ્યા હતા. આ મુદ્દે લોકોમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે જો સરકાર, કોરોનાવાયરસને કારણે પરીક્ષાઓની તારીખ બદલી શકે છે તો ચૂંટણીની તારીખ કેમ નહિ?

ગંભીર પરિસ્થિતિમાં પણ નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે.
ગંભીર પરિસ્થિતિમાં પણ નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે.

નાગરિકોએ ચૂંટણીની તારીખો બદલવા અપીલ કરી હતી
ગાંધીનગરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. જિલ્લામાં નવા 56 સાથે કુલ કેસ 9180એ પહોંચ્યા છે. છેલ્લા 127 દિવસના લાંબા વિરામ બાદ નવા 65 કેસ નોંધાયા છે. તેમાંથી મહાનગરપાલિકા વિસ્તારમાંથી વધુ 47 કેસ અને 5 દર્દીનાં મોત નીપજ્યાં છે. જોકે કોરોનાની મહામારીમાં પ્રથમ વખત છેલ્લા 24 કલાકમાં સારવાર લઇ રહેલા કોરોનાના 12 દર્દીઓનાં મોતથી કુલ આંકડો 671એ પહોંચ્યો છે. આ પરિસ્થિતિમાં ગાંધીનગરના નાગરિકોએ ચૂંટણીની તારીખો બદલવા માટે અપીલ પણ કરી હતી. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે ગાંધીનગર મનપાની ચુંટણીનો વિરોધ કર્યો હતો છતાંય સરકારના પેટનું પાણી હાલ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here