અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ લદાતા ગાંધીનગરનું અક્ષરધામ પણ 20થી 23 નવેમ્બર સુધી બંધ રહેશે.

0
8

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા આજે 20 નવેમ્બરથી 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જેના પગલે ગાંધીનગરના અક્ષરધામ મંદિરને 20 નવેમ્બરથી લઈને 23 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદની માફક અહીં પણ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રાખવામાં આવશે. ધાર્મિક સ્થળોમાં ભક્તોની ભીડ ભેગી ના થાય તે માટે સાવચેતાની ભાગ રૂપે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં લોકડાઉન નહીં લાગે: CM રૂપાણી

અમદાવાદમાં કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉનનું કોઇ પ્લાનિંગ નથી. કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધ્યું છે, ગુજરાતમાં લોકડાઉન નહીં થાય, આ વિકેન્ડ કર્ફ્યુ છે. એટલું જ નહીં મુખ્યમંત્રીએ રાજ્યમાં લોકડાઉન લગાવવાની વાતને અફવા ગણાવી હતી. અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ માત્ર તકેદારીના ભાગરૂપે લગાવવામાં આવ્યું છે.

શનિ અને રવિવારે ભક્તોની ભીડ ઉમટતી હોય છે

શનિવાર અને રવિવારે રજાના દિવસ હોવાથી અક્ષરધામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટતી હોય છે. સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર અક્ષરધામ મંદિર સહિતના ધાર્મિક સ્થળોને 20 નવેમ્બર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મંદિરને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.