ઓનલાઇન ગેંમીગ અને ક્રિકેટ સટ્ટાના નાણાંની હેરફેર કરવા દુબઇમાં કામ કરતા બુકીઓ માટે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઇને તેમના ડોક્યુમેન્ટના આધારે બેંક એકાઉન્ટ ખોલાવવાની સાથે મોબાઇલ સીમ કાર્ડ અપાવવાનું કામ કરતી ગેંગના ચાર સાગરિતોને વાસણા પોલીસે અંજલી ચાર રસ્તા પાસેથી ઝડપી લીધા હતા. આરોપીઓ સામાન્ય લોકોને વિશ્વાસમાં લઇને તેમના ડોક્યુમેન્ટ લઇને એકાઉન્ટ હોલ્ડરને પાંચ થી આઠ હજારનું કમિશન આપતા હતા. તેમણે અત્યાર સુધીમાં ખુબ મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલ્યા હોવાની વિગતો સામે આવી છે. જે અંગે વાસણા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
વાસણા પોલીસને બાતમી મળી હતી કે લોકોને લાલચ આપીને તેમના ડોક્યુમેન્ટના આધારે સીમ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ ખોલીને કમિશન પેટે આઠ હજાર સુધીની રકમ આપીને બેંક એકાઉન્ટની કીટ અને સીમ કાર્ડ ઓનલાઇન ગેંમીંગ અને ક્રિકેટ સટ્ટાના નાણાંની હેરફેર કરવા માટે દુબઇમાં રહેતા બુકીઓને આપતી એક ગેંગના કેટલાંક લોકો અંજલી ચાર રસ્તા પાસે એકઠા થયા છે. જે બાતમીના આધારે પોલીસે બુધવારે સાંજે દરોડો પાડયો હતો. જેમાં યોગેન્દ્ર છીપા (પાવાપુરી સોસાયટી, મુંદ્રા, કચ્છ), મહર્ષી નરેન્દ્ર દવે (રિદ્ધીનગર, મુંદ્રા), યારૂકમીયા શેખ (કલાપૂર્ણ-૨ સોસાયટી, મુદ્રા) અને આશુપ્રતાપસિંગ રાઠોડ (આઝાદનગર, ભીલવાડા, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી વિવિધ બેંકના એકાઉન્ટની વેલકમ કીટ, ચેકબુક, પાસબુક અને સીમ કાર્ડ જપ્ત કર્યા હતા. આ અંગે માહિતી આપતા પોલીસ ઇન્સ્પેક્ટર આર એન પટેલે જણાવ્યું કે યોગેન્દ્ર છીપા અને આસુપ્રતાપસિંગ ખાસ મિત્ર હતો. તેમણે તેમના જાણીતા મહર્ષી દવે અને યારૂકમીયા શેખનો સંપર્ક કરીને ઓફર આપી હતી કે તેમને ગેમીંગ અને સટ્ટા માટે પૈસાના વ્યવહાર કરવા માટે મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટની જરૂરીયાત છે. જેમાં બેંક એકાઉન્ટની કીટ અને તેમાં રજીસ્ટર્ડ નંબરનું સીમકાર્ડ આપશે તો તેના બદલામાં ૧૨ હજારની પહોંચતા કરાશે. જેથી તેમણે અનેક લોકોના એકાઉન્ટ ખોલાવી આપ્યા હતા. આ કીટ બીપીન મહારાજ નામના વ્યક્તિને પહોંચતી થતી હતી. તેના બદલામાં બીપીન મહારાજ ૨૦ હજાર રૂપિયા આપતો હતો. આ બેંક એકાઉન્ટમાં મોટાપ્રમાણમાં નાણાંની હેરફેર થતી હતી. પોલીસે હાલ બેંક એકાઉન્ટ નંબરની યાદી મેળવીને તે ફ્રીઝ કરવા માટે તજવીજ હાથ ધરી છે. સાથેસાથે આ કૌભાંડમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.