ગંગાકિનારે કોરોના : ઋષિકેશમાં એક સપ્તાહમાં 28 ગુજરાતી કોરોના પોઝિટિવ

0
7

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ક્રિકેટ મેચ બાદ કોરોના બરાબરનો વકર્યો છે. કોવિડ-19 મહામારીના આ બીજા રાઉન્ડમાં ગુજરાતમાં રોજના બે હજારની નજીક કેસ આવી રહ્યા છે, ત્યારે રાજ્ય બહાર જતા ગુજરાતીઓમાં પણ ચિંતાજનક રીતે પોઝિટિવ કેસ વધવા લાગ્યા છે. ગુજરાતીઓના સૌથી ફેવરિટ તીર્થસ્થાનમાંના એક હરિદ્વાર-ઋષિકેશમાં અત્યારે આવી જ સ્થિતિ છે. ઋષિકેશમાં તો મુનિ કી રેતી વિસ્તારના આશ્રમોમાં એક જ અઠવાડિયામાં 28 ગુજરાતીના રિપોર્ટ પોઝિટિવ આવતાં સ્થાનિક તંત્ર ચોંકી ઊઠ્યું છે.

આ લોકો જે હોટલમાં રોકાયા હતા ત્યાંના સ્ટાફ તેમજ અન્ય યોગ અભ્યાસુઓમાંથી પણ 11ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હવે આમાંથી ધડો લઈને સ્થાનિક તંત્રએ માત્ર ઋષિકેશ જ નહીં, પરંતુ હરિદ્વારમાં પણ ગુજરાતી સમાજ સહિત આસપાસના ગુજરાતીઓની અવરજવરવાળા વિસ્તારોમાં સઘન ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે.

11 જણ કોવિડ સેન્ટરમાં, 6 ગુજરાતી જતા રહેતાં સંપર્કના પ્રયાસો
ઋષિકેશના ઈન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશચંદ્ર જોશીએ જણાવ્યું હતું કે ઋષિકેશના મુનિ કી રેતીના તપોવન વિસ્તારમાં ગુજરાતથી આવેલાં 6 યાત્રાળુ તેમજ 11 હોટલ કર્મી-યોગ અભ્યાસુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ જ તપોવન ચેકપોસ્ટ પર ગત 18 માર્ચે ગુજરાતથી આવેલા 22 યાત્રાળુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે ગઈકાલે વધુ 17ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમાંથી 11 જણ હાલ તપોવન કોવિડ કેર સેન્ટરમાં છે, જ્યારે 6 ગુજરાતી કે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ ત્યાંથી જતા રહેતાં તેમના ફોન નંબર મેળવી સંપર્કના પ્રયાસો કરાયા છે.

હરિદ્વારમાં આવેલા ગુજરાતી સમાજની ફાઈલ તસવીર.
હરિદ્વારમાં આવેલા ગુજરાતી સમાજની ફાઈલ તસવીર.

તપોવન ક્ષેત્રની હોટલો-યોગ સેન્ટરોમાં તપાસ શરૂ
મહારાષ્ટ્ર અને ગુજરાતથી સંખ્યાબંધ યાત્રાળુઓ દર વર્ષે ઋષિકેશ આવે છે. તેમાંના ઘણા અહીં યોગ શીખવા મહિનાઓ સુધી રોકાઈ જાય છે. આ ઉપરાંત વિદેશથી પણ હજારો પ્રવાસીઓ યોગ શીખવા ઋષિકેશ આવે છે. આમાંના મોટા ભાગના તપોવન ક્ષેત્રની હોટલો-યોગ સેન્ટર તથા આશ્રમોમાં રોકાય છે. આ તમામ સ્થળોએ સ્થાનિક હેલ્થ વિભાગની અલાયદી ટીમોએ તપાસ શરૂ કરી છે અને સામૂહિક ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

હરિદ્વાર ગુજરાતી સમાજવાળા વિસ્તારમાં ટેસ્ટિંગ
​​​​​​​હરિદ્વારમાં પણ દર વર્ષે લાખો ગુજરાતીઓ જાય છે. અહીં ગુજરાતીઓ મોટે ભાગે ગુજરાતી સમાજ અને આસપાસના વિસ્તારોની ધર્મશાળાઓ અને આશ્રમોમાં રોકાતા હોય છે. આ ઉપરાંત ભૂપતવાલા વિસ્તારના આશ્રમો અને શાંતિકુંજ ગાયત્રી પરિવાર આશ્રમમાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું સ્થાનિક આરોગ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતમાંથી ઉત્તરાંચલમાં કોરોનાનો ફેલાવો રોકવા માટે આ પગલાં લેવાઈ રહ્યાં છે.

કોવિડ મહામારીના શમન માટે વિશેષ ગંગા આરતી-પ્રાર્થના
અત્યારે કોરોના મહામારીનો વ્યાપ દેશમાં ફરીથી વધી રહ્યો છે, ત્યારે તેના શમન માટે હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગાઆરતીમાં વિશેષ પૂજન-પ્રાર્થના કરવામાં આવી રહી છે. ગંગા ઘાટ વ્યવસ્થાપન મંડળના પ્રભારી લક્ષ્મીકાંત શાસ્ત્રીએ કહ્યું હતું કે ઉત્તરાંચલમાં અત્યારસુધી કોરોનાનો આટલો વ્યાપ નહોતો, પરંતુ હવે પ્રવાસીઓના આગમન સાથે વ્યાપ વધવા લાગ્યો છે. આ કારણથી જ મા ગંગાનું વિશેષ પૂજન અને પ્રાર્થના મંગળવારે કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી તીરથસિંહ રાવત પોતે અત્યારે સંક્રમિત થઈ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here