અમદાવાદ : સરદારનગરમાં દહેગામની મહિલા સાથે ગેંગરેપ, પ્રેમી અને તેના બે મિત્રોએ આચર્યું દુષ્કર્મ.

0
14

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. દારૂના નશામાં ચૂર આરોપીઓએ મહિલાને નશા વાળી સોડા પીવડાવી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો હતો. મૂળ દહેગામ રહેતી પીડિત પરણિતાએ આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. ફરિયાદ બાદ પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં રહેતી ચાર બાળકોની માતાને રીક્ષા ચાલક સાથે પ્રેમસંબંધ હતા. રીક્ષા ચાલકે મહિલાને બળજબરી ગોંધી રાખી અન્ય મિત્રો સાથે મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

ફરિયાદ મુજબ, દહેગામ રહેતી 30 વર્ષીય પરણિત મહિલા દાણીલીમડા ખાતે આવેલા બેરલ માર્કેટ પાસે કાપડની ફેક્ટરીમાં દોરા તોડવાનું કામ કરે છે. યુવતીના દસેક વર્ષ પહેલા લગ્ન થયા હતા અને હાલ તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. યુવતીને કુબેરનગરમાં રહેતા મહેશ ઉર્ફે પ્રેમ સિંધી સાથે એક મહિનાથી પ્રેમસંબંધ હતો.

પીડિત મહિલા ઘરેથી નોકરી જવાનું કહી તેના પ્રેમી મહેશના ઘરે ગઇ હતી. આખો દિવસ પ્રેમી સાથે રહ્યા બાદ સાંજે ઘરે પરત જવા માટે કહેતા પ્રેમી ના પાડી દીધી અને રૂમમાં બંધ કરી દીધી હતી.

મહિલાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ગત 31મી તારીખે આ યુવતી તેના ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળી હતી. જે બાદમાં 10 વાગ્યે નરોડા ખાતે આવી હતી. ત્યાં તેને તેના પ્રેમી મહેશ ઉર્ફે પ્રેમનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તું કેટલે છે? જેથી આ યુવતીએ નરોડા પાટિયા પાસે ઊભી છું તેમ કહ્યું હતું. બાદમાં મહેશે તેની સાથે રહેતા લંબુ નામના યુવકને યુવતીને લેવા મોકલી હતી. બાદમાં આ લંબુ રિક્ષામાં બેસાડી યુવતીને મહેશના ઘરે લાવ્યો હતો. આખો દિવસ તે મહેશના ઘરે રોકાઇ હતી અને રાત્રે મોડું થતાં તેને મહેશને ઘરે જવાનું કહ્યું હતું.

જોકે, મહેશે તેને કહ્યું હતું કે તારે ઘરે જવાનું નથી અને અહીં જ રહેવાનું છે. આમ કહીને તેણે ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. મહેશની સાથે તેના બે મિત્રો હાર્દિક પંડ્યા અને સુમિત ઠાકોર પણ હાજર હતા. ઘરે જવા જીદ પકડીને બેઠેલી મહિલાને પ્રેમી મહેશે નશા વાળી સોડા પીવડાવી હતી.

સોડા પીધા બાદ મહિલા અર્ધ બેભાન થતાં પ્રેમી મહેશ ઉર્ફે પ્રેમ સિંધીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ મહેશના બે મિત્રો હાર્દિક પંડ્યા તેમજ સુમિત ઠાકોરે મહિલાને પીંખી નાખી હતી.

બાદમાં વહેલી સવારે પાંચ વાગ્યે મહેશ લંબુ નામના યુવકને બોલાવી પીડિત મહિલાને રિક્ષામાં બેસાડી, નોબલનગર ખાતે છોડી દીધી હતી. આ દરમિયન મહિલાને પેટમાં અને ગુપ્તભાગે દુઃખાવો થતાં રસ્તા વચ્ચે બેસી ગઇ હતી. અને પોતાના માનેલા ભાઇને ફોન કરી બોલાવ્યો હતો. બાદમાં મહિલાને સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડી હતી. મહિલાએ સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જાણ કરી સરદારનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પીડિત મહિલાની ફરિયાદ બાદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here