ગાંધીનગરમાં દબાણ તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શ્રમજીવીઓનાં લારી ગલ્લાઓ તેમજ ઝુંપડાનાં દબાણો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. એવામાં પીડીપીયુ રોડ પર વરસાદી પાણીના નિકાલની સ્ટોમ વોટર લાઈનમાં માટીનું પુરાણ કરીને બિલ્ડરો ગેરકાયદેસર રીતે બગીચા – પાર્કિંગ બનાવવા લાગ્યાં હોવા છતાં દબાણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના વિપક્ષ નેતા અંકિત બારોટે કર્યો છે. શહેરમાં બિલ્ડરો અને માલેતુંજાર લોકોએ પણ ઠેર ઠેર પાકા દબાણો ઉભા કરી દીધા હોવાથી દબાણ તંત્ર પહેલા આ દબાણો દૂર કરે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખા, પાટનગર યોજના વિભાગ તેમજ કલેકટર દબાણ મામલતદાર દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે સેકટર – 20 માં સંયુક્ત દબાણ ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદેસર ઝુંપડાનાં કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અંદાજીત 100 થી વધુ દબાણો દૂર કરી દેવાતા શ્રમજીવીઓ રસ્તે રઝળતા થઈ ગયા છે. જો કે કેટલાય દિવસોથી દબાણ તંત્રની બેવડી નીતિ સામે નાના લારી ગલ્લા ધારકોમાં રોષ વ્યાપી ગયો છે. શહેરમાં વીવીઆઇપી વિસ્તારો ઉપરાંત ઠેર ઠેર બિલ્ડરો, ઉચ્ચ અધિકારીઓએ તેમજ માલેતુંજાર વગદાર વ્યક્તિઓએ પાકા દબાણો ખડકી દેવાયા છતાં દબાણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ મામલે અગાઉ પણ કોંગ્રેસ વિપક્ષ નેતા અંકિત બારોટ ધ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરાઈ હતી. આ અંગે વિપક્ષ નેતા દ્વારા ફરીવાર મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરાઈ છે. તેમણે દબાણ તંત્રની કામગીરી સામે આંગળી ચીંધીને કહ્યું હતું કે, ગાંધીનગરના પીડીપીયુ રોડ પર વરસાદી પાણીના નિકાલની સ્ટોમ વોટર લાઈન પણ બિલ્ડરો દ્વારા પચાવી પાડવાની પેરવી શરૂ થઈ છે. અત્રેના વિસ્તારમાં તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર લાઈન બનાવામાં આવી હતી. જેમાં બિલ્ડરો દ્વારા માટીનું પુરાણ કરીને પેવર બ્લોક નાખીને બગીચા – પાર્કિંગ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં મેટ્રો રેલના પીલ્લરોને અડીને આવેલ વરસાદી પાણીના નિકાલની લાઈનો પૂરી દેવાની ગતિવિધિ શરૂ થઈ છે. આગામી દિવસોમાં વરસાદી સિઝન શરૂ થશે. એવામાં વરસાદી પાણીના નિકાલ નહીં થવાથી મોટી સમસ્યા સર્જાશે. અને મેટ્રો રેલનાં પીલ્લરોને પણ નુકશાન થવાની ભીતી સાથે મોટી દુર્ઘટના સર્જાવાની પણ દહેશત વર્તાઈ રહી.