ત્રણ દિવસમાં બીજી વાર ગેસ લીકેજ : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં જીવલેણ ગેસ લીક, પ્રાઈવેટ કંપનીના 2 કર્મચારીઓનું મોત

0
8

વિશાખાપટ્ટનમ. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં મંગળવારે સવારે એક ફેક્ટરીમાં ગેસ લીક થયો છે. ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા છે. 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સેનર લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં થઈ છે. અહીં બેન્જીમિડેલોજ ગેસ લીક થયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, જે લોકોના મોત થયા છે તેઓ સાઈટ પર હાજર હતા. બીજી કોઈ જગ્યાએ ગેસ ફેલાયો નથી, સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.

અંદાજે બે મહિનામાં આ ત્રીજી વખત ગેસ લીક થવાની ઘટના થઈ છે. 8 મેના રોજ વિશાખાપટ્ટનમમાં એક ફેક્ટરીમાં ગેસ લીક થવાના કારણે અંદાજે 11 લોકોના મોત થયા હતા. ત્યારપછી આ મહિનાની 27 તારીખે કુર્નૂલમાં પણ એક ઘટના થઈ હતી. તેમાં કંપનીના મેનેજરનું મોત થયું છે.

27 જૂને કુર્નૂલમાં ઘટના થઈ હતી

કુર્નૂલ જિલ્લાના નંધાલ શહેરમાં એસપીવાઈ એગ્રો કેમિકલ ફેક્ટરીમાં 27 જૂને અમોનિયા ગેસ લીક થવાના કારણે એક મેનેજરનું મોત થયું છે. ત્રણ મજૂરોની તબિયત ખરાબ થઈ હતી. ઘટના સમયે ફેક્ટરીના કુલ 5 લોકો હતા. આ ફેક્ટરી સ્વર્ગસ્થ પૂર્વ સાંસદ એસપીવાય રેડ્ડીની છે જે નંદી ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયર કંપની છે.

8મેના રોજ થયેલી ઘટના ખૂબ ભયાનક હતી

8મેના રોજ વિશાખાપટ્ટનમના વેંકટપુરમ ગામની એક કેમિકલ ફેક્ટરીથી સ્ટાઈરીન ગેસ લીક થવાના કારણે 11 લોકોના મોત થયા હતા. તેમાં બે બાળકો પણ સામેલ હતા. ગેસ એલજી પોલિમર્સ પ્લાન્ટમાંથી લીક થયો હતો. સ્ટાઈરીન ગેસનો ઉપયોગ પ્લાસ્ટિક, ફાઈબર ગ્લાસ, રબર અને પાઈપ બનાવવા માટે થાય છે. ગેસની અસર પ્લાન્ટની આજુ બાજુ 3-4 કિમી સુધી જોવા મળી હતી. પોલીસને અંદાજે 50 લોકો રસ્તા ઉપર જ બેભાન જોવા મળ્યા હતા.