વડોદરા : ઉત્તર-પૂર્વ ઝોનમાં આજે રાત્રે 10થી કાલે સવારે 7 વાગ્યા સુધી ગેસ પુરવઠો બંધ, 5 લાખ લોકોને અસર થશે

0
8

વડોદરા શહેરના ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં અપગ્રેડેશનની કામગીરી કરવાની હોવાથી આજે 24 સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યાથી આવતીકાલે 25 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યા સુધી ગેસ પુરવઠો બંધ રહેશે. જેને પગલે 5 લાખ લોકો પરેશાન થશે.

વડોદરા શહેરના આ વિસ્તારના લોકોને અસર થશે

હરણી એરપોર્ટ સર્કલ પાસે ડીઆરએસ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાનાર હોવાથી પાઇપલાઇનથી ગેસ મેળવતા ઉત્તર ઝોનના હરણી, વીઆઈપી રોડ, ન્યૂ વીઆઇપી રોડ, ખોડિયાર નગર તેમજ આસપાસનો વિસ્તાર, સરદાર એસ્ટેટ, સમા, નિઝામપુરા, ટીપી 13 સહિતના વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ રહેશે. જ્યારે પૂર્વ ઝોનમાં આવેલા આજવા રોડ, વાઘોડિયા રોડ, સોમા તળાવ, ડભોઇ રોડ, વાડી મહંમદ તળાવ પછીના સમગ્ર વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ રહેશે.

સવારે નોકરી પર જતા લોકોને નાસ્તો અને ટિફિન વગર નોકરીએ જવુ પડશે

સદનસીબે હાલમાં સ્કૂલો બંધ છે અને ઓનલાઇન શિક્ષણ ચાલતું હોવાથી વિદ્યાર્થીઓને વહેલી સવારે સ્કૂલ જવાનું નથી અને તેના કારણે નાના બાળકોને ગેસ પુરવઠો બંધ થવાથી મુશ્કેલી નહીં પડે. જોકે પ્રથમ શિફ્ટમાં નોકરી કરતા ઉત્તર અને પૂર્વ ઝોનના નાગરિકોને 7 વાગ્યા પહેલા જવાનું હોવાથી ચા કે ગરમ નાસ્તો કર્યાં વગર અને ટિફિન લીધા વગર જવું પડે તેવી સ્થિતિ ઉભી થશે

11 સપ્ટેમ્બરે પણ ગેસ પૂરવઠો બંધ કરાયો હતો

વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ પાસે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા મૂકવામાં આવેલી મશીનરીની અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવાની હોવાથી 11 સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યાથી 9 કલાક સુધી 38 હજાર ઘરોમાં ગેસ પુરવઠો બંધ રહ્યો હતો. જે કામગીરીના કારણે નિઝામપુરા, ટીપી 13, છાણી, સમા, અમિતનગર, હરણી-વારસિયા રિંગ રોડ, આજવા રોડ, વીઆઇપી રોડ, ન્યૂ વીઆઇપી રોડ, કપુરાઈ, વાડી મહાદેવ તળાવ સહિતના વિસ્તારમાં ગેસ પુરવઠો મેળવતા ઘરોમાં ગેસના ચૂલા બંધ રહ્યા હતા. 9 કલાક સુધી ગેસ બંધ રહેવાના કારણે ઉપરોક્ત વિસ્તારના 38 હજાર ઘરોના પરિવારોને મુશ્કેલી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here