ગાંધીનગરમાં ગઠીયા ટોળકીઓની કમી નથી ત્યાં હવે કારચાલકોને નિશાન બનાવતા ગઠીયા સક્રિય થઈ ગયા છે અને કારમાંથી ઓઇલ ઢોળાતું હોવાનું કહીને કારચાલક પાસેથી ૨૦૦૦ રૃપિયા લઇ રીપેર કરી આપવાનું કહી ફરાર થઈ જતા હોવાની ફરિયાદો ઉઠે છે. આજે સેક્ટર ૨૯માં એક કારચાલક આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા છે.પાટનગર ગાંધીનગર શહેરમાં આમ તો શિક્ષિત લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા જોવા મળ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરના અલગ અલગ સેક્ટરોમાં ઓફલાઈન એટલે કે રૃબરૃમાં જ કાર ચાલકોને રીતસરના છેતરતી ગેંગ સક્રિય થઈ છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૯માંથી આજે શહેરના એક નાગરિક તેમની કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક ઉપર સવાર એક યુવાન દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હતો
અને ત્યારબાદ તેમના રસ્તામાં ઊભા રાખીને આ યુવાન દ્વારા કહેવાયું હતું કે, હું ક્યારનો તમારો પીછો કરીને બૂમો પાડી રહ્યો છું, તમારી કારમાંથી ઓઇલ ઢોળાઈ રહ્યું છે અને હું મિકેનિક છું તેમ કહીને કાર નીચે હાથ નાખીને આ યુવાન દ્વારા ઓઇલ બતાવવામાં આવ્યું હતું. જેથી તેણે ઓઇલની પાઇપ તૂટી ગઈ હોવાનું કહી બધું ઓઇલ ઢોળાઈ ગયું છે તેમ કહેતા કાર ચાલક ચિંતામાં પડી ગયા હતા અને તે રીપેર કરી આપવા માટે કહેતા યુવાન દ્વારા ૨૦૦૦ રૃપિયા માંગવામાં આવ્યા હતા. જોકે તેમણે ઓનલાઇન ટ્રાન્સફર કરવાની વાત કરતા આ યુવાન ઓનલાઇન સિસ્ટમ નહીં વાપરતો હોવાનું કહ્યું હતું. જેના પગલે મિત્ર પાસેથી ૨૦૦૦ લઈને આ યુવાનને આપ્યા હતા. જોકે યુવાન પાઇપ લેવા માટે ગયો તે ગયો તે પછી પરત ફર્યો જ નહીં ત્યારબાદ કાર ચાલકને પોતે છેતરાયનો અહેસાસ થયો હતો. આ પ્રકારની છેતરપિંડીના કિસ્સા ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી બન્યા છે અને અત્યાર સુધીમાં ૧૦થી વધુ કાર ચાલકો ભોગ બની ચૂક્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ આ ઘટનાઓને ગંભીરતાથી લેવાની જરૃર છે અને આવા ગઠિયાઓને તાત્કાલિક પકડવા જરૃરી છે.