વડોદરા : ગૌરક્ષકે ગાયના ગોબરમાંથી 10 હજાર રાખડી તૈયાર કરી,

0
2

વડોદરા. દેશભરમાં લોકો ચાઇનાની પ્રોડક્ટનો બહિષ્કાર કરી રહ્યા છે, ત્યારે વડોદરાના એક નાગરિક ગોબરમાંથી અલગ-અલગ 20 જેટલી વસ્તુઓ બનાવીને તેને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જેમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પણ ગાયના ગોબરમાંથી 10 હજાર જેટલી રાખડી તૈયાર કરી છે. વડોદરાના અલકાપુરીમાં રહેતા મુકેશભાઇ ગુપ્તા ગૌ સેવા અને ગૌરક્ષણ માટે વર્ષોથી કામ કરી રહ્યા છે. જ્યારે ગાયના ગોબર અને મૂત્રથી તેઓ પર્યાવરણને ઉપયોગી વસ્તુઓનું કેવી રીતે નિર્માણ કરી શકાય તેના માટે પ્રયત્નશીલ રહે છે.

વિદશી વસ્તુના બહિષ્કાર સાથે ગાય માતાનું રક્ષણ પણ થશે

મુકેશભાઈ દર વર્ષે જેતલપુર રોડ પર આવેલા કાશી વિશ્વેશ્વર મંદિર ખાતે ગોબરના ઉપયોગથી વૈદિક હોળી પણ પ્રગટાવે છે. મુકેશભાઈ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ગાયના ગોબરથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય તેના ઉપર છેલ્લા એક વર્ષથી રિસર્ચ કરી રહ્યો છું. જેમાં મેં અત્યાર સુધી દિવડો, ડસ્ટબીન, કિચેન, પેન-સ્ટેન્ડ, ઘડિયાળ સહિત 20 જેટલી વસ્તુઓ બનાવી છે. જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવતો હોવાથી મે ગોબરનો બેઝ બનાવીને તેના પર ડેકોરેશન કરી એક રાખડી પણ બનાવી છે. અત્યાર સુધીમાં ગાયના ગોબરમાંથી 10 હજાર રાખડીઓ તૈયાર કરી છે. જેનાથી ગાય માતાનું રક્ષણ થશે અને પર્યાવરણની સુરક્ષા થશે. વિદેશી વસ્તુઓની બહિષ્કારનો સંકલ્પ પણ પૂર્ણ થશે.

વોકલ ફોર લોકલના મેસેજ સાથે વૈદિક રાખડીઓ તૈયાર કરી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વોકલ ફોર લોકલ અને સ્વદેશી બનો, સ્વદેશી અપનાવો મેસેજ સાથે વૈદિક રાખડીઓ તૈયાર કરી છે. અત્યારે મારે ત્યાં 65 મહિલાઓ કામ કરે છે. આગામી વર્ષ સુધી 5 હજાર લોકોને રોજગારી આપવાનો સંકલ્પ છે.

મહિલાઓને મશીનો આપ્યા

મુકેશભાઈ ગુપ્તા દ્વારા ગુજરાતના કચ્છ અને રાજસ્થાનના અજમેર ખાતે કેટલીક બહેનોને ગોબરમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા ઉપયોગમાં લેવાતું મશીન આપીને તેમને પગભર બનાવી છે. હાલ ગોબરથી અલગ અલગ પ્રકારની 20 વસ્તુ મહિલાઓ બનાવે છે.