સુરત: ડાંગના નાનકડા ગામડાથી એશિયન ગેમ્સ સુધીની સફર ખેડનારી ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી હાંસલ કરી છે. ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડે યુરોપના પોલેન્ડમાં ચાલી રહેલીએથ્લેટીક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
સામાન્ય પરિવારની દીકરી છે
ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામના એક સામાન્ય પરિવારની 25 વર્ષીય સરિતા ગાયકવાડ ડાંગ સહિત આસપાસના વિસ્તારમાં લોકો ડાંગ એક્સપ્રેસના નામે ઓળખે છે. બંદૂકમાંથી ગોળી છુટે તે રીતે રનીંગ ટ્રેક ઉપર દોડતી સરિતાએ વર્ષ 2017ના જાન્યુઆરી માસમાં કોઇમ્બતૂર ખાતે યોજાયેલી 400 મીટર અને 400 મીટર હડલ્સમાં ઉત્કૃષ્ટત દેખાવ કરીને યુનિવર્સિટીને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
દેશનું નામ રોશન કર્યુ
ખેલમહાકુંભથી રાષ્ટ્રીય સ્તરે ચમકનારી સરિતાએ એશિયન ગેમ્સની 400 મીટર 4/4 રનિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ગોલ્ડ મેડલ સરિતાનો બીજો આંતરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે. પર્વતીય હારમાળાઓ વચ્ચે આવેલા ગુજરાતના છેવાડાના જિલ્લાની દીકરી સરિતા ગાયકવાડે એશિયાન ગેમ્સ 2018માં કાંઠુ કાઢીને દેશને ગોલ્ડ મેડલ અપાવીને ગૌરવ વધાર્યું હતું. ત્યારબાદ ફરીથી એક વાર આંતરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ અપાવી સરિતાએ દેશનું નામ રોશન કર્યું છે.