નવરાત્રિમાં નકારાત્મકતા દૂર કરો, નવું શીખવાના વિચારો અપનાવો અને આદતોમાં ફેરફાર કરી લાઈફની મજા લો

0
0

નવરાત્રિમાં મા અંબે પ્રત્યે આસ્થા રાખનારા અને તેમને પ્રસન્ન કરનાર લોકો 9 દિવસના ઉપવાસ કરે છે. માનવામાં આવે છે કે આ વ્રત આપણી આત્માની શુદ્ધિ માટે હોય છે. વ્રતથી તન, મન અને આત્માને શુદ્ધિ મળે છે. ઉપવાસ સાથે વિચારોની શુદ્ધિ અને મગજ શાંત રાખવાની પણ જરૂર છે. પોતાની જાતને વધુ સારી અને મજબૂત બનાવવાની જરૂર છે. આપણે શું બોલીએ છીએ, કેવો વ્યવહાર કરીએ છીએ તેના પર આપણી પ્રતિષ્ઠા રહેલી હોય છે. જ્યારે તે ખરાબ થાય છે તો આસપાસના લોકો સાથેનો વ્યવહાર પણ બગડે છે. માનસિક તણાવ વધે છે. તેમાં સુધારો લાવવા માટે પહેલાં તેના વિશે જાણી લેવું જરૂરી છે.

ક્રોધ પર કાબૂ મેળવો
સંસ્કૃતમાં એક શ્લોક છે
‘क्रोधाद्भवति संमोह: संमोहात्स्मृतिविभ्रम:।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥

તેનો અર્થ એ છે કે ક્રોધથી મનુષ્યની સ્મૃતિ ભ્રમિત થઈ જાય છે. સ્મૃતિ ભ્રમ થવા પર બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. તેને લીધે વ્યક્તિ પોતાનો જ નાશ કરી બેસે છે. જ્યારે વ્યક્તિ ક્રોધમાં હોય છે ત્યારે તે તેની આસપાસના લોકો સાથે દુર્વ્યવહાર કરે છે. તેનાથી સંબંધો ખરાબ થાય છે. તેવામાં જો ગુસ્સો આવે તો ઊંડો શ્વાસ લો અને ગુસ્સો દર્શાવાના બદલે ખૂલી જગ્યાએ ચાલ્યા જાવ અને શાંત જગ્યાએ થોડો સમય એકલા રહો.

ભાષા પર નિયંત્રણ રાખો

ભાષા આપણા મન, વ્યવહાર અને ક્રોધથી જોડાયેલી છે. આપણે જેવું વિચારીએ છીએ, મગજમાં વાતો સ્ટોર કરીએ છીએ અને દરેક સમયે ગુસ્સામાં હોઈએ છીએ તો આ ભાવનાઓ આપણા મુખમાંથી અભદ્ર ભાષા સ્વરૂપે બહાર આવે છે. ખુશીનો માહોલ અને તહેવાર કઠોર અને અભદ્ર શબ્દોથી બગડી શકે છે. તેથી બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ.

ઝઘડાથી દૂર રહો

દલીલ કરવાથી ક્યારે પણ મામલો સુધરતો નથી બગડે જ છે. ઝઘડાથી દૂર રહેવું હોય તો દલીલથી દૂર રહો. ભૂલ ભલે ગમે તેની હોય માંફી માગીને વાત પૂરી કરો. પરિવારમાં કોઈ ભૂલને લીધે લાંબા સમય સુધી મનભેદ ન રાખો. તેનાથી સંબંધો ખરાબ થાય છે. પરિવારમાં તણાવ અને નકારાત્મકતા બની રહે છે.

આદતોમાં ફેરફાર

જો તમને એમ લાગે કે તમારી અંદર કેટલીક ખરાબ આદતો છે જેમ કે જિદ કરવી, બેદરકારી અથવા કામ ટાળવું તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો. ઘણી વખત આ આદતોની અસર સંબંધો પર પડે છે. જેટલી સારી આદતો અપનાવશો તેટલી ખુશી મળશે. આદતોનું લિસ્ટ તૈયાર કરો અને જુઓ કે શેમાં સુધારો લાવવાની જરૂર છે.

શીખવાના વિચાર અપનાવો

જો તમે અન્ય કોઈ વ્યક્તિથી વધારે સારા અને સફળ છો તેના પર ગર્વ કરો અભિમાન નહિ. અભિમાન આપણા મગજ અને વિચારોમાં ઉત્પન્ન થાય છે. તે સંબંધોથી દૂર કરે છે તેથી તે નુક્સાનકારક છે. તેના માટે સૌ પ્રથમ અન્ય વ્યક્તિઓથી તમારી સરખામણી ન કરો. અભિમાન ત્યારે જ આવે છે જ્યારે વ્યક્તિ અન્ય લોકો કરતાં પોતાને શ્રેષ્ઠ સમજે છે. એ ન વિચારો કે તમને બધું જ આવડે છે બલકે એ વિચારો કે હજું શીખવાની જરૂરિયાત છે.

વાતો મનમાં ન રાખો

કેટલાક લોકો ઘણી વાતો પોતાના મનમાં દબાઈને રાખતા હોય છે. જો કોઈ સમસ્યા પણ હોય છે તો કોઈને શેર કરતા નથી. મનમાં જ વાતો રાખવાથી મગજ પર તેની અસર થાય છે અને તણાવ વધે છે. તેવામાં પોતાની વાતો શેર કરવાનો પ્રયાસ કરો. જે લોકો સાફ શબ્દોમાં પોતાની વાતો શેર કરે છે ખરી રીતે તેમનું મન સાફ હોય છે. જો કોઈની વાત અને વ્યવહાર પસંદ નથી તો પીઠ પાછળ બોલવાને બદલે મિઠાશથી તે વ્યક્તિને જ કહી દો. કેટલાક સમય સુધી સામેવાળા વ્યક્તિને તમારી વાત કડવી લાગશે, પરંતુ તમારું મન હળવું થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here