Tuesday, October 26, 2021
Homeસોમનાથ જ્યોતિર્લિંગ ખાતે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર, મંદિર ‘બમ બમ ભોલે’ના નાદથી...
Array

સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર, મંદિર ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઊઠ્યું

મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવના ધરતી પરના અવતરણની રાત્રિ. આજે મહાશિવરાત્રિનું પર્વ છે ત્યારે સોમનાથ મંદિર વહેલી સવારથી ‘બમ બમ ભોલે’, ‘ઓમ્ નમ: શિવાય’ના નાદથી ગુંજી ઊઠ્યું છે. સોમનાથમાં મહાદેવનાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની ગાઈડલાઇન્સને અનુસરીને મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેક ભક્તે માસ્ક પહેરવાનું રહેશે, પોતાનું ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે તેમજ સેનિટાઈઝ ટનલમાંથી પસાર થવાનું રહેશે. દર્શનની લાઈન માટે જે સોશિયલ ડિસ્ટન્સના રાઉન્ડ કરવામાં આવ્યા છે એ પ્રમાણે જ લાઈનમાં ચાલવાનું રહેશે. બહારથી જે ફૂલો, પ્રસાદી, સામગ્રી સાથે લઈને આવે એ મંદિરની નક્કી કરેલી જગ્યાએ જ પધરાવવાનાં રહેશે. દર્શનની લાઈનમાં સતત ચાલતા રહવું, જેથી વધુ લોકોને દર્શનનો લાભ મળે, દર્શન થઈ ગયાં બાદ ક્યાંય પણ ઊભા ન રહીને સીધા બહારની તરફ નીકળવાનું રહેશે.

શિવરાત્રિએ ભાવિકો માટે સોમનાથ મંદિરનાં દ્વાર સળંગ 42 કલાક ખુલ્‍લાં રહેશે

આજે શિવરાત્રિના પાવન પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. આરતી સમયે દ્વાર ખૂલતાં જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારમાં નજરે ચડ્યા હતા. આ પ્રસંગે દાદાનો શણગાર જોવા દૂર-દૂરથી લોકો આવ્યા હતા. હજારો ભાવિક ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે મંદિર પરિસરમાં પહોંચી ગયા હતાં. શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર શિવરાત્રિ પર્વે સવારે 4થી લઇને સતત 42 કલાક માટે ભક્તજનો માટે ખુલ્લું રહેશે.

આજે દિવસ પર્યંત વૈદિક પૂજા થશે

ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો રુદ્રી, રુદ્રાષ્ટક પાઠ, શિવ મહિમ્ન સ્તોત્ર કરશે. જ્યોતિર્લિંગ સોમનાથમાં બુધવાર મોડી રાતથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું, ગુજરાતમાં સૌથી વધુ આકર્ષણ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનું હોય છે. આજે દિવસ પર્યંત વૈદિક પૂજાઓ, અભિષેકાત્મક લઘુરુદ્ર, રુદ્રી, બીલીપત્ર, સંકલ્પ પૂજાઓ યોજાઈ રહ્યાં છે. ભક્તો બીલીપત્ર, શેરડીનો રસ, પંચામૃત, દૂધ મિશ્રિત જળ, કાળા તલ, આંબળાં લઈને મહાદેવને અર્પણ કરી રહ્યા છે. ​​​​​

ધતૂરાનું ફૂલ, ભગવાન શિવને અર્પણ કરશે

શિવરાત્રિ નિમિત્તે ચાર પ્રહરની આરતી થતી હોય છે, જેમાં રાત્રે 9ના પ્રથમ પ્રહરની, રાત્રે 12ના બીજા પ્રહરની, રાત્રે 2ના ત્રીજા પ્રહરની અને પરોઢે 4ના ચોથા પ્રહરની આરતી થશે અનેક ભક્તો શિવરાત્રિના ઉપવાસ પણ કરતા હોય છે, જેના કારણે શક્કરિયા, સૂરણ, બટાટાં તેમજ ફ્રૂટ્સના ભાવમાં રવિવારથી જ અમદાવાદમાં હજારો કિલોગ્રામ ભાંગનું વેચાણ થશે. અવધૂત એવા શિવજીને ભાંગ ખૂબ જ પ્રિય છે. ભાવિકો નિજાનંદમાં લીન થઇને શિવજીની આરાધના કરવા માટે ભાંગનું સેવન કરે છે. અભિષેક વખતે પણ શિવજીને ભાંગ ધરાવવામાં આવે છે.

સોમનાથ મંદિરમાં ભાવિકોએ માસ્‍ક પહેર્યું હશે તો જ પ્રવેશ મળશે

અરબી સમુદ્રકાંઠે બિરાજમાન દેવાઘિદેવ સોમનાથ મહાદેવના સાંનિઘ્યે મહાશિવરાત્રિની ઉજવણી કરવા અંતર્ગત ચાલી રહેલી તૈયારીઓ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના અધિકારી દિલીપ ચાવડાએ જણાવ્યું હતું કે સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજા જેટલું પુણ્ય માત્ર શિવરાત્રિના દિવસે શિવ પૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થતું હોવાથી એને ઘ્યાને લઇ તત્કાલ શિવપૂજન, ઘ્વજાપૂજન મર્યાદિત સંખ્‍યામાં ભાવિકો કરી શકે એ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 9 વાગ્‍યે પાલખીયાત્રા નીકળશે, જે ફક્ત પરિસરમાં જ ફરશે. શિવરાત્રિને લઇ સોમનાથ મંદિર અને પ્રવેશદ્રાર ખાસ સુગંધિત જુદાં-જુદાં પુષ્પોથી અને રંગબેરંગી લાઇટિંગથી સુશોભિત કરી ઝળહળતાં કરાશે. મંદિરે દર્શાનાર્થે આવતા અશક્ત, દિવ્યાંગો, વૃદ્ધો માટે પાર્કિંગથી મંદિર સુધી વિનામૂલ્યે રિક્ષાની વ્યવસથા તથા પરિસરમાં ઇ-રિક્ષા, વ્હીલચેરની સુવિધા રાખવામાં આવશે. આ માટે ખાસ મેડિકલ ટીમને પણ તહેનાત રખાશે.

ભંડારા પરિસરના બદલે ચોપાટીના ગ્રાઉન્‍ડ ખાતે ધમધમશે

વઘુમાં, અધિકારી દિલીપ ચાવડાએ જણાવ્યું હતું કે હાલ કોરોનાને લઇ શિવરાત્રિના દિને મંદિરે આવતા ભાવિકોએ માસ્‍ક પહેર્યું હશે તો જ પ્રવેશ મળશે. જ્યારે પ્રવેશ બાદ મંદિરમાં ચાલતાં ચાલતાં દર્શન કરી બહાર નીકળવાનું રહેશે. પરિસરમાં લાંબા સમય સુધી કોઇ ભાવિક બેસી શકશે નહીં. આરતીના સમયે પણ આવી જ રીતે ચાલતાં ચાલતાં દર્શન કરવાનાં રહેશે. જયારે દર વર્ષે મંદિર બહાર હમીરજી સર્કલ આસપાસ પ્રસાદી માટે ચારેક સંસ્થાઓ દ્વારા ભંડારાનું આયોજન કરાય છે. ચાલુ વર્ષે ભંડારાઓનું સ્‍થળ બદલીને ચોપાટીના ગ્રાઉન્‍ડ ખાતે ભંડારા યોજવાનું આયોજન કરાયું છે, જ્યારે સાંસ્‍કૃતિક કાર્યક્રમો શ્રી રામ મંદિરના ઓડિટોરિયમમાં મર્યાદિત લોકોની હાજરીમાં યોજાશે અને એેનું ડિજિટલ પ્‍લેટફોર્મ પર પ્રસારણ કરવાનું આયોજન કરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments