ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં 20 સપ્તાહમાં 1 લાખ લોકોનું પરિવહન

0
7

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ગેમ ચેન્જર સાબિત થઇ રહેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસથી માત્ર સડક માર્ગનું જ નહીં પરંતુ સામાજીક અંતર પણ ઘટ્યુ છે. 12મી નવેમ્બર 2020ના રોજ શરૂ થયેલી ફેરી સેવામાં અત્યારસુધીમાં 1 લાખથી વધુ મુસાફરોએ સફર ખેડી છે.

ઘોઘા-દહેજ વચ્ચે વર્ષ 2018માં રો-પેક્સ ફેરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ પાણીની ઉંડાઇ અંગેની સતત સમસ્યાઓને કારણે મોટુ જહાજ દહેજની જેટી સુધી પહોંચવામાં અસમર્થ રહેતુ હતુ. પરિણામ સ્વરૂપે રો-પેક્સ ફેરી માટેનો આ રૂટ પડતો મુકવો પડ્યો હતો, અને ઘોઘા-હજીરા વચ્ચે ફેરી સર્વિસ ચલાવવાની દિશામાં કામ આગળ ધપાવવામાં આવ્યુ.

ઘોઘા-હજીરા વચ્ચેની રો-પેક્સ ફેરી સર્વિસ ચલાવવા માટેનું તમામ મોનિટરિંગ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાને સોંપવામાં આવ્યુ હતુ. અને માત્ર 3 મહિનાના ટુંકા અંતરમાં હજીરા ખાતે અદાણી ટર્મિનલની બાજુમાં હંગામી લિન્ક સ્પાન અને ટર્મિનલની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. 12મી નવેમ્બર 2020ના રોજ શરૂ કરાવવામાં આવેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં અત્યાર સુધીમાં 1,00,367 મુસાફરો, 17,462 કાર, 4,748 બાઇક, 5,030 ટ્રક મુસાફરી ખેડી ચૂક્યા છે.

આ અંગે વાતચીત કરતા કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ હતુકે, સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો વચ્ચેનું સમાજીક અંતર પણ ઘટાડવા માટે આ ફેરી સર્વિસ નિમિત્ત બની છે. હવે સુરતથી સૌરાષ્ટ્રના ગામડે પહોંચવામાં લોકોને સુગમતા રહે છે. તેથી નાના નાના વ્યવહારોમાં પણ લોકોની આવન-જાવન વધી રહી છે. તાજેતરમાં ઘોઘા-દહેજ વચ્ચે 111 મુસાફરોની ક્ષમતા વાળી નાની શિપ શરૂ કરવામાં આવી છે, તેમાં ફક્ત મુસાફરો જ સામેલ કરી શકાય છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા પિપાવાવથી મુંબઇ વચ્ચેની રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવાની દિશામાં કામગીરી ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here