Monday, September 20, 2021
Homeગુલામનબીએ કહ્યું-અંગ્રેજોએ પણ ખેડૂતોની સામે ઝૂકવું પડ્યું હતું
Array

ગુલામનબીએ કહ્યું-અંગ્રેજોએ પણ ખેડૂતોની સામે ઝૂકવું પડ્યું હતું

સંસદની બજેટ સેશનમાં સરકાર ખેડૂતોના મુદ્દે ચર્ચા માટે રાજી થઈ ગઈ છે. આ માટે રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર રાજ્યસભામાં ચાલી રહેલી ચર્ચામાં એકસ્ટ્રા ટાઈમને એડજસ્ટ કરવામાં આવશે. અગાઉ આના પર 10 કલાક ચર્ચા થવાની હતી. હવે બુધવાર અને ગુરૂવારના પ્રશ્નકાળ-શૂન્યકાળને મેળવીને કુલ 15 કલાક ચર્ચા થશે. 18 વિપક્ષી દળોને ખેડૂતોના મામલે વાત રાખવાની તક મળશે.

ગુલામનબીએ કહ્યું-વડાપ્રધાન ખુદ કાયદા પરત લેવાનું એલાન કરે

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે ચર્ચાની શરૂઆત કરી. તેમણે કહ્યું, ‘સરકારે ત્રણેય કૃષિ કાયદા પરત લેવા જોઈએ, વડાપ્રધાન ખુદ એ એલાન કરે તો સારૂં થશે. અંગ્રેજોના જમાનાથી ખેડૂતોનો સંઘર્ષ થતો આવ્યો છે. અંગ્રેજોએ પણ ખેડૂતોની સામે ઝૂકવું પડ્યું હતું. ખેડૂતવિરોધી કાયદા પરત લેવા પડ્યા હતા.’

‘પગડી સંભાલ જટ્ટા ક્રાંતિકારી ગીત બની ગયું’

તેમણે કહ્યું, ‘1906માં અંગ્રેજ શાસને ખેડૂતોની વિરુદ્ધ ત્રણ કાયદા બનાવ્યા હતા અને તેમનો માલિકી હક લઈ લીધો હતો. તેના વિરોધમાં 1907માં સરદાર ભગતસિંહના ભાઈ અજિતસિંહના નેતૃત્વમાં પંજાબમાં આંદોલન થયું અને તેને લાલા લજપત રાયનું પણ સમર્થન મળ્યું. સમગ્ર પંજાબમાં દેખાવો થયા. એ સમયે એક અખબારના સંપાદક બાંકે દયાળે ‘પગડી સંભાલ જટ્ટા, પગડી સંભાલ’ કવિતા લખી જે પછીથી ક્રાંતિકારી ગીત બની ગયું. અંગ્રેજોએ કાયદામાં કેટલાક ફેરફાર કરવા પડ્યા. તેનાથી લોકો વધુ ઉશ્કેરાયા. જેના પછી અંગ્રેજોએ ત્રણેય કાયદા પરત લેવા પડ્યા.’

થરૂરના સમર્થનમાં ગુલામનબીએ કહ્યું-જે મંત્રી રહ્યા હોય, એ દેશદ્રોહી કેવી રીતે?

ગુલામનબીએ કહ્યું કે કેટલાક વરિષ્ઠ પત્રકારો, સાંસદ શશી થરૂરની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો છે. જે પરત લેવો જોઈએ. તેમણે સવાલ કર્યો કે જે વ્યક્તિ વિદેશ રાજ્યમંત્રી રહ્યા હોય, એ દેશદ્રોહી કેવી રીતે હોઈ શકે?

જમ્મુ-કાશ્મીર માટે યોગ્ય પગલાં લેવા જોઈએ

ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે કાશ્મીરના નાના કર્મચારી બે વર્ષથી ઘરમાં બેઠેલા છે. ટૂરિઝમ સમાપ્ત થઈ ગયું. એજ્યુકેશન સમાપ્ત થઈ ગયું, કેમ કે કોવિડને કારણે સ્કૂલ-કોલેજ બંધ રહી, હજુ પણ બંધ છે. કેટલાંક સ્થળે ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું છે. કાશ્મીરમાં તો હજુ પણ 2જી છે. કાશ્મીરમાં રસ્તાઓની હાલત ખરાબ છે. સારી વાત એ છે કે લોકલ બોડી (DDC)ની ચૂંટણી થઈ, પરંતુ વડાપ્રધાનજીને બીજું કંઈ દેખાતું નથી. નોર્થ-ઈસ્ટ અને જમ્મુ-કાશ્મીર આપણા માટે ખૂબ જરૂરી છે. આ માટે આપણે યોગ્ય પગલાં લેવા પડશે.

આ અગાઉ ખેડૂતોના મામલે નારેબાજી અને હંગામો કરવાથી આમ આદમી પાર્ટી (આપ)ના 3 સાંસદોને સભાપતિએ બહાર મોકલી દીધા હતા. આ સાંસદો સંજય સિંહ, સુશીલકુમાર ગુપ્તા અને એનડી ગુપ્તા છે.

કાર્યવાહીના મોબાઈલ રેકોર્ડિંગથી સભાપતિ નારાજ

આ અગાઉ રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ ગૃહમાં મોબાઈલ ફોનના ઉપયોગ વિશે વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું હતું કે કેટલાક સભ્યો પોતાની ચેમ્બરમાં ગૃહની કાર્યવાહીનું મોબાઈલ રેકોર્ડિંગ કરતા જોવા મળ્યા છે. આ સંસદીય મર્યાદાની વિરુદ્ધ છે. આ રીતે બિનઅધિકૃત રીતે ગૃહની કાર્યવાહીને રેકોર્ડ કરવી અને સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવું એ ગૃહની અવગણના(કન્ટેમ્પ્ટ)નો મામલો બની શકે છે.

ખેડૂતોના મુદ્દે મંગળવારે હંગામો થયો હતો

મંગળવારે રાજ્યસભામાં વિપક્ષી દળોએ ખેડૂતોના મામલે ચર્ચાની માગ કરીને નારેબાજી કરી હતી, પરંતુ ચર્ચા કરવામાં આવી નહોતી. ત્રણ વખત કાર્યવાહી સ્થગિત થયા પછી બપોરે 12.30 વાગ્યે જ્યારે ગૃહ ફરી શરૂ થયું ત્યારે જય જવાન, જય કિસાનના નારા લગાવાયા હતા. હંગામો વધતો જોઈને રાજ્યસભાની કાર્યવાહી બુધવારે સવારે 9 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments