વેરાવળ : સોમનાથ મંદિરના કળશ સોનેથી મઢવા 325 દાતા નોંધાયા

0
71

વેરાવળઃ સોમનાથ મહાદેવ મંદિરનાં ઘુમટ પર આવેલા સેંકડો કળશને સોનેથી મઢવામાં આવનાર છે. આ કળશ આગામી 1 વર્ષમાં સોનેથી મઢાઇ જશે. અત્યાર સુધીમાં 325 દાતાઓએ પોતાના તરફથી કળશ સોને મઢવા માટે નામ નોંધાવ્યું છે. સોમનાથ મંદિરની સોનેરી ભવ્યતા 1 હજાર વર્ષ બાદ પાછી લાવવાની દિશામાં ટ્રસ્ટે ડટ માંડી દીધા છે. ગર્ભગૃહ અને તેની દિવાલો તો સોનેથી મઢાઇ ચૂક્યા છે. ત્યારે હવે મંદિરનાં ઘુમટ પર આવેલા 1250 કળશને સોનેથી મઢવાની યોજના પર ટ્રસ્ટ દ્વારા કામગિરી હાથ ધરાઇ છે.

325 દાતાઓએ નામ નોંધાવ્યા
જે અંતર્ગત અત્યાર સુધીમાં 325 દાતાઓએ પોતાનાં નામો નોંધાવી પણ દીધા છે. આ કળશનું માળખું તાંબાનું હશે. અને તેના પર 6 ગ્રામ સોનાનો વરખ ચઢાવવામાં આવશે. આગામી 1 વર્ષમાં આ કામગિરી પૂર્ણ કરાશે. અને ટૂંક સમયમાંજ કળશને સોનેથી મઢવાની કામગિરી શરૂ થઇ જશે. આ માટે એક ખાનગી એજન્સીને કામ પણ સોંપી દેવાયું છે. આ માટે સોમનાથ ટ્રસ્ટે 3 યોજના અમલમાં મૂકી છે. જેમાં મોટા કળશ માટે 1.51 લાખ, મધ્યમ કળશ માટે 1.21 લાખ અને નાના કળશ માટે 1.11 લાખનું દાન સ્વીકારવામાં આવશે.

1200થી વધુ કળશ સોનાના બનશે
આ યોજના વિશે જણાવતાં સોમનાથ ટ્રસ્ટનાં સચિવ પી.કે.લહેરીએ જણાવ્યું હતું કે, મંદિરના શિખરના સામરણ ઉપર અંદાજે 1250થી વધુ કળશ છે. જેમાં મોટા કળશ 80 છે. એક કળશનું સરેરાશ વજન 3 કિલો છે. આગામી એક વર્ષમાં સોમનાથ મહાદેવનું મંદિરનાં કળશ પણ સુવર્ણથી ઝળહળી ઉઠશે. 70 વર્ષમાં મંદિરનાં શિખરને જે અસર થઈ છે તેને પણ ધ્યાનમાં રાખી કામગીરી શરૂ કરાઇ છે. અગાઉ સોમનાથ મંદિરમાં દિલીપ લખી પરીવાર દ્વારા 110 કિલો સોનાનું દાન અપાયું છે. જેનાથી ગર્ભગૃહની દિવાલો મઢવામાં આવી છે. એક વર્ષ મા સુવર્ણથી મઢવાની કામગીરી પૂર્ણ થશે

ટ્રસ્ટ પાસે 6 કિલો સોનું હાથ ઉપર
હાલ સોમનાથ ટ્રસ્ટ પાસે 6 કિલો સોનાની લગડી હાથ ઉપર છે. એ સિવાય 30 કિલો સોનાના દાગીના પણ છે. મંદિરના કશળ સોનેથી મઢવા માટે અત્યાર સુધીમાં 325થી વધુ દાતા નોંધાઈ ચૂક્યા છે જે એક એક કશળ માટે દાન આપશે. મંદિર ટ્રસ્ટના વિશ્વાસ છે કે મંદિરાના તમામ કળશ માટે સોનાનો દાતા મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here