Saturday, September 18, 2021
Homeગીર-સોમનાથગીર સોમનાથ : તાલાલામાં 6 અને વેરાવળમાં 3 ઇંચ વરસાદથી અનેક માર્ગો...

ગીર સોમનાથ : તાલાલામાં 6 અને વેરાવળમાં 3 ઇંચ વરસાદથી અનેક માર્ગો બંધ થયા

ગીર સોમનાથ જિલ્‍લાના છએય તાલુકામાં સતત બીજા દિવસે અવિરત મેઘસવારી ચાલુ હોવાના પગલે સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે. જિલ્‍લામાં સૌથી વધુ તાલાલા ગીર પંથકમાં 8 કલાકમાં 6 ઇંચ અને વેરાવળમાં 3 ઇંચ જેવો વરસાદ વરસી જતા હિરણ, દેવકા, સરસ્‍વતી સહિતની નદીઓ ગાંડીતુર બની વહી રહી છે. જ્યારે ગીર જંગલ વિસ્‍તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ગીર સોમનાથ જિલ્‍લાના મહત્‍વના બે મોટા હિરણ- 1 અને 2 બંન્‍ને ડેમોમાં એક ઝટકામાં 50ટકા જેટલો નવો પાણીનો જથ્‍થો આવી જતા લોકો અને પ્રાણીઓના પીવાના પાણીની સમસ્‍ય મહંદઅંશે હલ થઇ ગઇ છે. ગીર પંથકમાં પડી રહેલા ભારે વરસાદના પગલે વેરાવળ-તાલાલા સ્‍ટેટ હાઇવે પર ગોઠણડુબ પાણી ભરાઇ જતા વાહન વ્‍યવહાર પ્રભાવિત થયો છે. જ્યારે જિલ્‍લાના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોને તાલુકા મથકો સાથે જોડતા માર્ગો અને વોકળાઓ પર ઘસમસતા પૂરના પાણી વહેતા થતા અનેક માર્ગો બંધ થઇ ગયા છે.

ભારે વરસાદથી તરબોતર થયેલ ખેતરો
ભારે વરસાદથી તરબોતર થયેલ ખેતરો

વરસાદના આંકડાં

ગીર સોમનાથ જિલ્‍લાના છએય તાલુકામાં સોમવારે મેઘરાજાએ હેત વરસાવ્‍યા બાદ ફરી સોમવારે મોડી રાત્રીથી સમગ્ર જિલ્‍લામાં અને ગીર જંગલ વિસ્‍તારમાં મેઘરાજાએ પધરામણી કરી વિજળીના ચમકારા સાથે વરસાદ વરસાવવાનું શરૂ કર્યું હતું. જે મંગળવારે સવારે પણ અવિરત ચાલુ રહ્યા બાદ નવેક વાગ્‍યાથી મેઘસવારી થંભી ગઇ હતી. આ દરમિયાન સોમવારે રાત્રીના 2 વાગ્‍યાથી મંગળવારે સવારે 10 વાગ્‍યા ( 8 કલાકમાં) સુધીમાં જિલ્‍લાના વેરાવળમાં 70 મિમી (3 ઇંચ), તાલાલામાં 148 મિમી (6 ઇંચ), સુત્રાપાડામાં 37 મિમી (1.5 ઇંચ), કોડીનારમાં 40 મિમી (1.5 ઇંચ), ગીરગઢડામાં 40 મિમી (1.5 ઇંચ) અને ઉનામાં 64 મિમી (2.5 ઇંચ) વરસાદ વરસી ગયો છે.

જિલ્‍લાના ગીર જંગલ વિસ્‍તારમાં પણ ભારે મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્‍લામાં બે દિવસથી પડી રહેલા અવિરત ધીમી પણ ધીંગી ધારના વરસાદના લીધે લોકો અને ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. જ્યારે જિલ્‍લામાં ભારે વરસાદના પગલે ડુબવાના આરે પહોંચી ગયેલા ખેતરોના ખાલી ખમ કૂવાઓ બે દિવસથી થઇ રહેલા અવિરત મેઘમહેરના પગલે છલકાઇ જતા ખેડૂતોની ચિંતા દુર થવા પામી હતી.

ગ્રામ્‍ય પંથકના માર્ગો પર ભરાયેલ વરસાદી પાણી
ગ્રામ્‍ય પંથકના માર્ગો પર ભરાયેલ વરસાદી પાણી

તાલાલા ગીર પંથકમાં મેઘરાજાની સટાસટી

જિલ્‍લામાં તાલાલા ગીર પંથક પર મેઘરાજા મહેરબાન હોય તેમ સૌથી વઘારે ત્‍યાં પડ્યો હોવાનું નોંધાયું છે. જેમાં ખાસ આજે સવારે 4થી 6 બે કલાકમાં જ તાલાલા ગીર પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ વધુ બે ઇંચ મળી કુલ 6 ઇંચ અવિરત વરસાદ વરસ્‍યાના પગલે રોડ-રસ્‍તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ ગઇ હતી. જ્યારે પંથકના નદી-નાળા છલકાયા ગયાની સાથે જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક શરૂ થયેલી જોવા મળતી હતી. પંથકમાં અનરાધાર વરસાદના પગલે આંબળાસ સહિતના અનેક ગામોની શેરી અને મુખ્‍ય માર્ગો પર ઘસમસતા પાણી વહેતા થયા હતા. પંથકના ખેતરોમાં વરસાદી પાણીથી તરબોતર થઇ ગયા હતા. જ્યારે ગીર પંથકની હિરણ, સરસ્‍વતી, વાગડીયો, આંબાખોડી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવી ગયા હતા.

ગ્રામ્‍ય વિસ્‍તારની શેરી-માર્ગો પર ભરાયેલ વરસાદી પાણી
ગ્રામ્‍ય વિસ્‍તારની શેરી-માર્ગો પર ભરાયેલ વરસાદી પાણી

પંથકના ગામોને અનેક રસ્‍તા-વોકળાપર વરસાદી પાણી ફરી વળ્યા

જિલ્‍લામથક વેરાવળ-સોમનાથ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્‍હેલીસવારથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયુ હતું. જેમાં 6 કલાકમાં ધીમી પણ ધીંગી ધારે 3 ઇંચ વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્‍યો હોવાના પગલે પંથકના ભેટાળી ગામે આવેલા વોકળામાં પૂરનું પાણી વહેતુ થયેલું જોવા મળતુ હતુ. જ્યારે તાલુકાના ખંઢેરી- તાલાલા ગીર થઇ વેરાવળ જવા સહિતના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હોવાના પગલે અનેક રસ્તાઓ બંધ થઇ ગયા હતા. જેના લીધે વાહનચાલકો અને ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પંથકના ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.

વેરાવળ-તાલાલા સ્‍ટેટ હાઇવે પર ભરાયેલ પાણીમાં ફસાયેલ વાહન ચાલક
વેરાવળ-તાલાલા સ્‍ટેટ હાઇવે પર ભરાયેલ પાણીમાં ફસાયેલ વાહન ચાલક

વેરાવળથી તાલાલાને જોડતા સ્ટેટ હાઇવે પર ગોઠણડુબ પાણી ભરાયા

ગીર જંગલ અને તાલાલા પંથકમાં ભારે વરસાદના પગલે વેરાવળથી તાલાલાને જોડતા સ્‍ટેટ હાઇવે પર કમ્‍મરડુબ પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે ટ્રાફિકથી દિવસભર ઘમઘમતા આ હાઇવે પરનો વાહન વ્‍યવહાર પ્રભાવિત થયો હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ હાઇવે પર જિલ્‍લા કલેક્ટર કચેરી, જિલ્‍લા પોલીસવડા કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી સહિત અનેક ગામોને જોડતા મહત્‍વના સ્‍ટેટ હાઇવે પર ગોઠણડુબ પાણી ભરઇ જતા અનેક વાહનો અધવચ્‍ચે ફસાઇ ગયા હતા. જયારે અમુક વાહનો બંઘ પડી જતા ચાલકોએ ધક્કા મારી બહાર કાઢતા જોવા મળ્યા હતા.

વેરાવળના ડાભોર રોડ પર ફરી વળેલ દેવકા નદીનું પાણી
વેરાવળના ડાભોર રોડ પર ફરી વળેલ દેવકા નદીનું પાણી

દેવકા નદીનું પાણી વેરાવળના સીમાડામાં ઘૂસ્‍યુ

ઉપરવાસના ભારે વરસાદના પગલે ભરપૂર પાણીની આવક થતા વેરાવળના સીમાડે પ્રવેશ દ્રારમાંથી પસાર થતી દેવકા નદી ગાંડીતૂર બની હતી. જેના લીધે વેરાવળથી આંબલીયાળાઅ તાંતીવેલાને જોડતા મુખ્‍ય રસ્તો પર દેવકા નદીનું પાણી ફરી વળતા બંધ થઇ ગયો હતો. જ્યારે દેવકા નદી ગાંડીતૂર બની ઘસમસતી વહી રહી હોવાથી વેરાવળના ડાભોર રોડ પર ગોઠણડુબ પાણી ભરાઇ જતા તે રસ્‍તો બંઘ કરી પોલીસ બંદોબસ્‍ત ગોઠવવાની તંત્રને ફરજ પડી હતી. તો દેવકા નદી ગાંડીતૂર બની હોવાથી આગામી પાંચેક કલાકમાં નદીમાં પાણીની આવક નહીં ઘટે તો વેરાવળમાં પ્રવેશદ્રારની ત્રીસથી વધુ સોસાયટીમાં નદીનું પાણી ઘૂસવાનો ગંભીર ખતરો મંડરાઇ રહ્યો છે.

80 ટકા ભરાયેલ હિરણ - 2 ડેમ
80 ટકા ભરાયેલ હિરણ – 2 ડેમ

બાર કલાકમાં હિરણ-2 ડેમમાં 10 ફૂટ નવું પાણી આવ્‍યુ

ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટો હિરણ-2 ડેમ ત્રણ તાલુકાના બે શહેરો અને 80 ગામોની 5 લાખથી પ્રજાને, બે ઉઘોગોને, સોમનાથ ટ્રસ્‍ટની પીવાની પાણીની જરૂરીયાત પૂરી કરતો હતો. તેમજ 6 હજારથી વધુ હેકટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પૂરું પાડે છે. દરમિયાન ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાંચ દિવસ પૂર્વે સુધી ડેમમાં માત્ર 35 ટકા જેટલો જ પાણીનો જથ્‍થો ઉપલબ્‍ઘ હતો. બે દિવસથી સતત અવિરત વરસી રહેલી મેઘસવારીના પગલે આજે સવારે 10 વાગ્‍યા સુઘીમાં હિરણ – 2 ડેમ 80 ટકા જેટલો ભરાય ગયો છે.

ડેમ છલકાઇ જતાં 13 ગામોને એલર્ટ અપાયું

ડેમમાં ગઇકાલે સોમવાર સાંજ સુઘીમાં 4 ફૂટ નવું પાણી આવ્‍યા બાદ ગત સાંજથી આજે મંગળવારે સવારે 10 વાગ્‍યા સુધીમાં ડેમમાં 10 ફૂટ નવું પાણી આવ્‍યુ હોવાનું ડેમ અધિકારી એન.બી.સિંધલે જણાવતા કહેલું કે, ભારે વરસાદના પગલે 80 ટકા ભરાઇ ગયો હોવાથી ડેમની હેઠળવાસમાં આવતા ઉમરેઠી, માલજીંજવા, ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્‍દ્રોય, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી સહિતના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ડેમ 80 ટકા ભરાઇ જતા 5 લાખની પ્રજાને એક વર્ષ સુધી પીવાનું પાણી આપી શકાય તેટલો જથ્‍થો આવી ગયો છે.

ગડુ પાસે નેશનલ હાઇવે પર ફરી વળેલ વરસાદી પાણી
ગડુ પાસે નેશનલ હાઇવે પર ફરી વળેલ વરસાદી પાણી

સોમનાથ-જેતપુર નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ

વેરાવળ નજીકના ગડુ ગામ નજીક અક્ષર વળી પાસેના સોમનાથ- જેતપુર નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. બે કલાકથી વધુ સમય સુધી નેશનલ હાઇવે બંધ રહ્યો બાદ પાણી ઉતરવાનું શરૂ થતાં ધીમે ધીમે વાહન વ્યવહાર શરૂ થયો હતો. ગડુ આસપાસ નેશનલ હાઇવે સંપૂર્ણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દર્શયો સામે આવેલ હતા. જેના પગલે ગડુની બંન્ને બાજુ હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments